________________
ગાથા-૧૧૬
૫૮૫ છે, જીવ તેને અચળ નહીં બનાવી શકે; તેથી પરિવર્તનોને અચળ બનાવવામાં પોતાના સમય અને જીવન-અવસરને ગુમાવવા ન જોઈએ. માત્ર જાણવું કે તે પરિવર્તનશીલ છે. તેના સાક્ષી બની જવું જોઈએ. અપરિવર્તનશીલ એવા અંતરસ્થ કેન્દ્રની પ્રતીતિ કરવી જોઈએ. કેન્દ્ર સાથે અનુસંધાન કરતાં, તેમાં જ સ્થિર થઈ જતાં તે ભિન્ન વ્યક્તિ બની જાય છે. પરિવર્તનની વચ્ચે હું અચળ કેન્દ્ર છું' - આ ભાવ જ મુક્તિદાયી બની જાય છે.
ધર્મ એટલે અનિત્ય વચ્ચે નિત્યની ખોજ, પરિવર્તનની વચ્ચે શાશ્વતની શોધ. જે જીવનું કેન્દ્ર છે, જે સદા સર્વદા એનું એ જ રહે છે, તેનો આવિષ્કાર કરવો એ છે ધર્મ. નિરંતર થઈ રહેલ પરિવર્તનો પ્રત્યે તો જીવ સભાન હોય છે, પરંતુ અપરિવર્તનશીલ શાશ્વત તત્ત્વ પ્રત્યે સજાગતા આવે, તે પ્રત્યે બોધપૂર્ણ રહેવાય ત્યારે જ ધર્મ થયો લેખાય છે.
જીવ જે કોઈ પણ ધર્મક્રિયા કરે, તેનું લક્ષ ધુવ તત્ત્વની સ્મૃતિ હોવું ઘટે છે. જપ-તપાદિ ક્રિયાઓનો હેતુ સ્પષ્ટ થવો જરૂરી છે. જપ-તપાદિ ધર્મક્રિયાઓ જાગૃતિ વધારવા માટે કરવાની છે. સતુ પ્રત્યે જાગૃત થવા અને પરિવર્તનોમાં થતી તન્મયતા તોડવા માટે આ ક્રિયાઓ છે. પોતાની દિવ્ય સત્તા પ્રત્યે તે ક્રિયાઓ જીવને જાગૃત કરે છે. સ્વરૂપબોધ જેટલો તીવ્ર હોય તેટલું ભટકવાનું વિરામ પામે છે અને ત્યારે જીવ સત્યના સંબંધમાં વધારે ને વધારે સજાગ થઈ જાય છે; પરંતુ જ્યારે સ્વરૂપબોધ મંદતાને પામે છે ત્યારે જીવ ભટકવા લાગે છે, તેથી સ્વયં પ્રત્યે બોધપૂર્ણ બનવામાં ઉપયોગી જપ-તપાદિ સાધનો સેવવા યોગ્ય છે. જેમ ઍલાર્મ ઘડિયાળ જીવને દ્રવ્યનિદ્રામાંથી જાગૃત થવામાં સહયોગી થઈ શકે છે, ઘડિયાળની ઘંટડી જીવને નિદ્રામાંથી બહાર આવવામાં મદદરૂપ થઈ શકે છે; તેમ જીવની ભાવનિદ્રાની અવસ્થાનો અંત લાવવા જપ, તપ, શાસ્ત્રવાંચનાદિ ઍલાર્મ ઘડિયાળ સમાન છે. આ સાધનો જીવને જાગૃત થવામાં સહયોગી બને છે.
આમ, જીવે સત્સાધન દ્વારા જાગૃત થવાનું છે, અંતરમાં ઊંડા ઊતરવાનું છે. ઊંડાણમાં જે દ્રવ્યસામાન્ય છે તેનો આશ્રય કરવાનો છે. ‘એક સમયની પર્યાયમાં હું હોવા છતાં હું કાંઈ પર્યાયમાત્ર નથી. જ્યાં પર્યાય છે ત્યાં જ ઊંડે - અંદર અનંત જ્ઞાન, અનંત આનંદ એવા પૂર્ણ સ્વભાવના સમૂહથી ભરેલું દ્રવ્યદળ તે હું છું' - આવા વિશ્વાસપૂર્વક આત્મદ્રવ્યને ગ્રહણ કરવાનું છે. અનંત શક્તિઓથી પરિપૂર્ણ એવા દ્રવ્યસામાન્યનું વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાનું છે. આત્મદ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાયો પ્રગટે છે. ચૈતન્યતળિયે જઈને એકાગ્રતા સાધતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org