________________
૫૮૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વર્ષ પછી વૃદ્ધ દેખાય છે. આ ફેરફાર એટલો ધીમો અને સૂક્ષ્મ છે કે તે નરી આંખે દેખાતો નથી. ખાસ્સા સમય પછી વસ્તુમાં થયેલ ફેરફાર જોવા-સમજવામાં આવે છે. સ્થૂળ પરિવર્તન પકડી શકાય છે, પરંતુ સમયે સમયે થતા સૂક્ષ્મ ફેરફાર પકડની બહાર છે. નિરંતર પરિવર્તન થતું હોવા છતાં એક વાત નક્કી છે કે પુદ્ગલ (અચેતન) કદી જીવ થનાર નથી અને જીવ કદી પુદ્ગલ થનાર નથી. પુદ્ગલનું પરિણમન મુગલરૂપ જ થાય છે અને જીવનું પરિણમન જીવરૂપ જ થાય છે. આ શાશ્વત નિયમ છે.
દરેક વસ્તુ સતત પરિવર્તનશીલ છે અને તેની સાથે અપરિવર્તનશીલ પણ છે. દરેક દ્રવ્યનાં બે પાસાં છે - એક અધુવ પાસું અને બીજું ધ્રુવ પાસું. આત્મામાં પણ બે અંશ છે - એક પરિવર્તનશીલ છે જે સદા બદલાતો રહે છે અને બીજો અપરિવર્તનશીલ છે જે સદા પરિવર્તનોથી અષ્ટ પરિવર્તનરહિત જ રહે છે. આ બીજો અંશ તે જીવનું યથાર્થ ‘સ્વ' છે.
આત્મા સામાન્ય-વિશેષયુક્ત છે, દ્રવ્ય-પર્યાયાત્મક છે; પરંતુ આત્મવસ્તુના સામાન્ય સ્વરૂપનું, તેના દ્રવ્યસ્વભાવનું જ્ઞાન ન હોવાના કારણે જીવે અનાદિ કાળથી આત્મવસ્તુના માત્ર વિશેષરૂપને - પર્યાયરૂપને જ જાણ્યું છે, માન્યું છે, અનુભવ્યું છે; પરિણામે શરીરાદિ સંયોગ અને રાગાદિ વિકારોમાં પોતાપણું, એકત્વપણું, સ્વામિત્વ થાય છે અને તેથી કર્મ તેમજ કર્મફળમાં વૃદ્ધિ થતી રહી છે.
વિશેષોમાં - પર્યાયોમાં ફસાઈ રહેવાથી તથા તે બધામાં પોતાપણાના ભાવ રાખવાથી સર્વ સંસારી જીવોને માટે ચૈતન્યસામાન્યને પકડવું દુષ્કર બની ગયું છે. જીવ પુદ્ગલોનાં સુવર્ણત્વ, ગોરસત્વ, માટીત્વ વગેરે સામાન્યો તો પકડી શકે છે; પણ દેવ, માનવાદિ બાહ્ય પર્યાયોથી તથા ક્રોધાદિ અંતરંગ પરિણામોથી ભિન્ન એવા વિલક્ષણ ચૈતન્યસામાન્યને પકડવાનું તેને માટે મુશ્કેલ છે. જીવ ચારે તરફના જગતમાં એટલો તલ્લીન થઈ જાય છે, શરીર અને મનના વ્યાપારમાં એટલો પ્રસ્ત થઈ જાય છે કે ચૈતન્યસામાન્યને બિલકુલ ભૂલી જાય છે. તે ફેરફારોની નોંધ લે છે, પણ ફેરફારોનાં વાદળાંઓથી આચ્છાદિત થયેલા એવા ચૈતન્યસામાન્યની નોંધ નથી લેતો. પરિવર્તનની નોંધ તો તે લે છે, પણ પરિવર્તનો વચ્ચે જે અપરિવર્તનશીલ ધ્રુવ તત્ત્વ છુપાયેલું છે, તે પ્રત્યે તેની દૃષ્ટિ જતી નથી.
આ નિત્ય તત્ત્વ - શુદ્ધ ચૈતન્ય સદૈવ જીવની સાથે ને સાથે જ છે. જીવ સ્વયં તે જ છે, અનાદિથી છે અને અનંત કાળ પર્યત તેમ જ રહેશે; પણ જીવ તેને ચૂકી ગયો છે. તે શરીરની સંભાળ લે છે, મનની ખબર રાખે છે, કેમ કે એ બદલાતાં રહે છે. શરીરાદિ ઉપર લક્ષ આપવાના કારણે તે એમ સમજવા લાગે છે કે હું શરીર છું, હું મન છું' ઇત્યાદિ. તે માત્ર શરીરાદિને જ જાણે છે અને તેથી એની જ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org