________________
૫૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
પ્રાપ્તિ થાય છે. આત્મસ્વરૂપ કેવું છે તે બતાવતાં કહે છે કે આત્મા મોક્ષસ્વરૂપ છે, કેવળજ્ઞાનસ્વભાવી છે. તે આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે. તે અનંત દર્શન, અનંત જ્ઞાનનો ધારક છે અને તેનું સ્વરૂપ અવ્યાબાધ છે. અવ્યાબાધ શબ્દ દ્વારા અનંત સુખ અને અનંત વીર્ય અભિપ્રેત છે. આમ, પ્રસ્તુત ગાથાની બીજી પંક્તિમાં અનંત ચતુષ્ટય ગૂંથાઈ જાય છે. આવા સ્વભાવનું શ્રદ્ધાન કરી, તેનો અચિંત્ય મહિમા લાવી, તેમાં એકાગ્ર થવું એ જ ધર્મ છે અને એ જ ધર્મથી મોક્ષ છે. અનંત દર્શન, અનંત જ્ઞાન તથા કોઈથી બાધા કે નુકસાન ન થાય એવું અવ્યાબાધ સ્વરૂપ પ્રગટ કરવાનો આ એક જ માર્ગ છે. આ ગાથામાં આત્મપુરુષાર્થમાં ઉત્સાહિત કરતું પરમભાવપ્રેરક ઉદ્બોધન ‘તું’કારનો પ્રયોગ કરી શ્રીગુરુએ પરમાર્થપ્રેમથી શિષ્ય સાથે આત્મીય સંબંધ બાંધ્યો છે.
આ જીવ શુદ્ધ જ્ઞાયકસ્વભાવી છે, છતાં અશુદ્ધ અવસ્થામાં તેનો કર્મ સાથે વિશેષાર્થ સંબંધ છે. આ કર્મસંબંધના નિમિત્તે જીવને બાહ્યમાં શરીર મળ્યું છે અને અંતરમાં રાગાદિ વિકારી ભાવોની પ્રાપ્તિ થઈ છે. જીવને પોતાનું મૂળ સ્વરૂપ શું છે તેની ખબર નથી, એટલે તે પોતાને જાણતો-ઓળખતો નથી અને શરીરમાં જ અહંબુદ્ધિ કરી રહ્યો છે તથા રાગાદિ ભાવોને પોતાનો સ્વભાવ માની રહ્યો છે. તે શરીરના જન્મથી પોતાની ઉત્પત્તિ અને શરીરના નાશથી પોતાનો નાશ માને છે. શરીરમાં રોગ થવાથી પોતાને બીમાર અને તે રોગ મટી જતાં પોતાને નીરોગી માને છે, પણ વસ્તુસ્વરૂપ આ માન્યતાથી તદ્દન જુદું છે. જીવાત્માનું અસ્તિત્વ અલગ છે અને શરીરનું અસ્તિત્વ અલગ છે. કર્મના સંયોગોના નિમિત્તે જીવની વિવિધ અને વિચિત્ર દશાઓ થઈ રહી છે, છતાં જીવનો મૂળ સ્વભાવ આ બધાં પરિવર્તનો અને વિકારોથી અલિપ્ત જ છે. જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી; તેમ આત્મસ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. મૂળ તત્ત્વમાં શ૨ી૨, કર્મ કે વિકાર પ્રવેશી શકતાં નથી. જીવ પોતાના મૂળ સ્વરૂપનો આશ્રય કરે તો તેનો દેહાધ્યાસ છૂટે અને તેનો મોક્ષ થાય. પોતાના ધ્રુવ સ્વરૂપનો આશ્રય કરવો એ જ ધર્મ છે અને એ જ ધર્મથી મોક્ષ છે. ચૈતન્યસામાન્યને ઓળખ્યા વિના ધર્મની શરૂઆત સંભવતી નથી. ચૈતન્યસામાન્યને ઓળખવા વસ્તુસ્વરૂપને સમજવું ઘટે છે.
દરેક વસ્તુ ચેતન કે અચેતન સામાન્ય-વિશેષાત્મક છે. સામાન્ય અને વિશેષ બન્ને વસ્તુના ગુણધર્મ છે. વસ્તુની અવસ્થાઓ બદલાતી રહે છે, તે તેના વિશેષ ગુણના કારણે છે; છતાં ‘ન બદલાવું’ની મૌલિકતા પણ વસ્તુમાં છે, જેને સામાન્ય ગુણ કહે છે. દાખલા તરીકે
(૧) સોનાના મુગટને તોડી બંગડી બનાવી અને બંગડીને તોડી હાર બનાવ્યો. આમાં અવસ્થાઓ બદલાઈ, પણ બધી અવસ્થાઓમાં સોનું તો કાયમ રહ્યું. મુગટ, બંગડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org