________________
૫૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સાથે આત્મજાગૃતિ રહે તો જ ધર્મ સધાય છે. આત્મોન્મુખ થયેલા જીવની દષ્ટિ ભૌતિક જીવનનાં લાભ-નુકસાનના વિકલ્પોથી મુક્ત રહે છે અને શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથે જોડાયેલી રહે છે.
આવી અંતરવૃત્તિ, સ્વમાં સમાઈ જવાનો પુરુષાર્થ એ જ ધર્મ છે. આ શુદ્ધ ધર્મથી સંસારનો અંત થાય છે. જીવ જો ધર્મની યથાર્થ આરાધના કરે તો સંસાર ટકી શકતો નથી. જીવે પૂર્વકાળે અનેક સાધન કર્યા છે, પણ જો તે યથાર્થ રીતે થયાં હોત તો જીવને કદાપિ સંસારપરિભ્રમણ રહ્યું ન હોત; પરંતુ જીવને ધર્મનું સ્વરૂપ સમજાયું ન હોવાથી તે ભવસમુદ્રથી પાર થયો નથી. જેનાથી ભવના ફેરા ટળે એવું કરવાને બદલે કંઈક જુદું જ કરીને અજ્ઞાની જીવો ‘અમે ધર્મારાધન કરી રહ્યા છીએ' એ ભ્રમમાં રાચે છે, તેથી આવા જીવો મુક્તિસાધનાનો દુર્લભ અવસર ખોઈ ન બેસે તે અર્થે જ્ઞાનીઓ કરુણાબુદ્ધિથી માત્ર કોરી બૌદ્ધિક માન્યતાઓ અને બાહ્ય ક્રિયાઓને ધર્મ ન માની બેસવાની તેમને ચેતવણી આપે છે. તેઓ આ ચેતવણી યુગે યુગે ઉચ્ચારતાં હોય છે. આ જ કાર્ય શ્રીમદે આ ગાથા દ્વારા કર્યું છે.
શ્રીમદ્ આ ગાથામાં બુલંદ સ્વરે ધર્મનું રહસ્ય ઉચ્ચારતાં કહે છે કે દેહાધ્યાસ છોડવો તે જ ધર્મનો મર્મ છે, અર્થાત્ આત્મસ્વરૂપનો - નિજસ્વરૂપનો નિર્ણય કરી દેહાધ્યાસ છોડવામાં જ ધર્મપ્રાપ્તિનું રહસ્ય સમાયેલું છે. આખી દ્વાદશાંગીનો સાર આ જ છે. વિશ્વના વાસ્તવિક સ્વરૂપના દ્રષ્ટા તેમજ શુદ્ધ મોક્ષમાર્ગના દાતા એવા નિગ્રંથ આર્ષદ્રષ્ટાઓએ જીવની ભૂમિકા આદિના આધારે ધર્મનું સ્વરૂપ વિભિન્ન ઉપદેશ શૈલીથી વર્ણવ્યું છે, પરંતુ તે સર્વનું મૂળભૂત પ્રયોજન દેહાધ્યાસના ત્યાગ દ્વારા અનંત અપાર સ્વાધીન સુખ મેળવવાનો ઉપાય ચીંધવાનું જ રહ્યું છે. તેમણે આપેલી ધર્મની અનેકવિધ વ્યાખ્યાઓનો સાર છે દેહાધ્યાસનો ત્યાગ. સર્વ કાળના જ્ઞાનીઓએ એ જ તથ્યને આગળ કર્યું છે કે દેહાત્મબુદ્ધિ મોળી પાડવી તથા આત્મજાગૃતિ વધારવી. આ જ ધર્મનો મર્મ છે.
જીવે દેહાદિ પદાર્થોમાં રહેલી અહ-મમબુદ્ધિ છોડવા યોગ્ય છે. હું જ્ઞાનસ્વભાવી આત્મા છું, શરીરાદિનો સાક્ષીમાત્ર છું' એવી આત્મભાવના કરવા યોગ્ય છે. હું શરીરાદિ પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું' એવી ઓળખાણ કર્તવ્યરૂપ છે. ‘શરીરાદિ સંયોગોથી ભિન્ન એવો પૂર્ણાનંદી ચૈતન્યસ્વરૂપી આત્મા છું' એવું ભાન થતાં દેહાધ્યાસ છૂટતો જાય છે. “આ શરીરના જન્મ પહેલાં પણ હું હતો અને આ શરીરના મૃત્યુ પછી પણ હું હોઈશ' એમ ત્રિકાળી તત્ત્વનું ભાન થતાં શરીરની પકડ છૂટતી જાય છે. આ દેહની પકડ છોડવી એ જ ધર્મ છે. તે દેહ ભિન્ન જ હતો અને ભિન્ન જ રહેશે. તેણે તો માત્ર અંતરમાં સ્થિત થયેલી દેહ સાથેની એકત્વબુદ્ધિ છોડવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org