________________
૫૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
શુભ ક્રિયાઓને મિથ્યાત્વરૂપી વાછરડો ચાવી જાય છે. મિથ્યાત્વનો ત્યાગ થયા વિના કે તેના ત્યાગના લક્ષ વિના તપાદિ બાહ્ય ક્રિયાઓનું આરાધન વ્યર્થ જાય છે. જીવ બાહ્ય ત્યાગ કરે, અનેક વ્રત-નિયમો લે, કાયક્લેશાદિ તપ આદરે; પરંતુ મિથ્યાત્વનું જે મૂળ સ્વરૂપ અભિપ્રાયની ઊંધાઈ, માન્યતાની વિપરીતતા, મિથ્યાગ્રહ, અભિનિવેશાદિ ઓળખ્યા-છોડ્યા વગર તેની ધાર્મિક ગણાતી તમામ ચેષ્ટા મોક્ષાર્થે નિષ્ફળ નીવડે છે. અનાદિથી જીવને એ ભ્રાંતિ રહી છે કે ‘હું પરનું કરી શકું છું, પરથી મને લાભનુકસાન છે, તેથી લાભને પ્રાપ્ત કરવા અને નુકસાનને ટાળવા માટે પરમાં ફેરફાર કરવો જ રહ્યો.' તે પોતાનાં સુખ, શાંતિ અને સલામતી માટે પરવસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે. જ્યાં સુધી પરથી બાહ્ય સંયોગોથી લાભ-નુકસાનની મિથ્યા ધારણા ટળે નહીં, તે ટાળવાનો સભાનતાપૂર્વક પ્રયત્ન થાય નહીં; ત્યાં સુધી ધર્મના નામે જે કોઈ પગલું ભરાય છે તે અભિપ્રાયની સુધારણાનું નહીં, પણ આચરણની સુધારણાનું જ હોય છે. સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન અને ચારિત્રનું પરમાર્થે કોઈ મૂલ્ય નથી. સમ્યગ્દર્શનની સાધના એટલે અભિપ્રાયની સુધારણા. મિથ્યાત્વમાં જે ઊલટું પકડાયું છે, જે વિપરીતપણે ધારી લેવામાં આવ્યું છે તે સઘળું સવળું કરવું એ છે સમ્યગ્દર્શનની સાધના. સમ્યગ્દર્શનની સાચી સાધના વિનાની ચારિત્રની સાધના માત્ર ગતિનો આભાસ જ આપે છે, તે દ્વારા કોઈ પ્રગતિ સાધી શકાતી જ નથી. ધર્મના આવા વાસ્તવિક સ્વરૂપનું જગતના મૂઢ જીવોને ભાન નહીં હોવાથી ક્રિયાની ચીલાચાલુ ઘરેડમાં તેઓ ઘૂમ્યા કરે છે અને તેથી તેમને આત્મતૃપ્તિ થતી નથી. બાહ્ય પ્રવૃત્તિ ધાર્મિક હોવા છતાં તેમનાં અંતરમાં ભૌતિકતાની પ્રીતિ રહે છે, તેથી જ શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે
-
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; જિનેસર.૧
અહીં તેઓશ્રી કહે છે કે દુનિયા ધર્મ, ધર્મ' એમ પોકાર કરતી ચાલે છે, પણ ધર્મનો ખરો મર્મ જાણતી નથી. એ તો ધર્મની વાતો કરવામાં અને ધર્મ દેખાવામાં આનંદ લે છે, પણ ધર્મ શું છે અને તેની આરાધના કેવી રીતે થાય તે જાણતી નથી.
Jain Education International
ધર્મનું રહસ્ય જાણ્યા વિના ધર્મી થઈ શકાતું નથી. સામાન્યજન વ્રત, નિયમ, ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી ધર્મનાથ ભગવાનનું સ્તવન, કડી ૨
સરખાવો : ‘સમાધિવિચાર', દુહો ૨૫૬
ધરમ ધરમ જગ સહુ કરે, પણ તસ ન લહે મરમ; શુદ્ધ ધરમ સમજ્યા વિના, નવિ મીટે તસ ભરમ.'
For Private & Personal Use Only
www.jainelibrary.org