________________
ગાથા-૧૧૪
૫૪૯
વ્યક્તિની માનસિક અવસ્થા વચ્ચેના અંતર જેવું અંતર આત્માનુભવ પ્રાપ્ત કરનાર વ્યક્તિની અનુભવ પૂર્વેની અને પછીની માનસિક અવસ્થા વચ્ચે હોય છે. ઊંઘમાંથી જાગી જનારને સ્વપ્નની સૃષ્ટિ માત્ર માનસિક ભ્રમણા હતી એવું જ્ઞાન થતાં તેના માટે સ્વપ્નના બનાવોનું કોઈ મહત્ત્વ રહેતું નથી, તેમ આત્માના જ્ઞાન-આનંદમય શાશ્વત સ્વરૂપની અનુભવસિદ્ધ પ્રતીતિ થતાં તેમની ભવભ્રમણા ભાંગી જાય છે અને તેમને બાહ્ય જગત સ્વપ્ન જેવું નિઃસાર લાગે છે. આમ, સ્વરૂપજાગરણની સાથે જ જાત અને જગત જુદાં લાગવા માંડે છે. પોતાના સ્વરૂપ પ્રત્યે જાગૃત થતાં જ સ્વપ્નદશા સમાપ્ત થઈ જાય છે.
જીવ એમ માને છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ એક કઠિન ઉપલબ્ધિ છે, પણ આ માન્યતા સાચી નથી. ન એ કઠિન છે અને ન તો એ ઉપલબ્ધિ છે. જીવના અસ્તિત્વમાં નથી કાંઈ જોડવાનું કે નથી એમાંથી કાંઈ કાઢી નાખવાનું. જીવ જે પ્રાપ્ત કરવા ઇચ્છે છે, એ તો તે અત્યારે જ છે. તે અત્યારે એ જ છે, જે થવા ચાહે છે. તે એટલો પૂર્ણ છે જેટલો પૂર્ણ હોઈ શકે છે. આત્મજ્ઞાન માટે તેણે કશે પણ જવાનું નથી. તેણે કશેથી કંઈ પણ લાવવાનું નથી. એ તો હંમેશાં હાજર જ છે. જો તેણે કંઈ લાવવાનું હોય તો માત્ર પોતાની જાગૃતિ લાવવાની છે. આત્માને કશે પણ મેળવવા જવાનું નથી, કેવળ જાગૃત થવાનું છે. જેને જીવ ભૂલી ગયો છે, એનું ફક્ત સ્મરણ જ કરવાનું છે. પોતાના સ્વરૂપ પ્રત્યે માત્ર દષ્ટિ કરવાની છે. આત્માને પ્રાપ્ત નથી કરવાનો, કેવળ અનાવૃત કરવાનો છે. જીવે જે કાંઈ પુરુષાર્થ કરવાનો છે એ ઉપલબ્ધિ માટે નહીં પણ અનાવરણ માટે કરવાનો છે.
કોઈ ભિખારી હોય, તેની પાસે એક ખજાનો હોય જેને તે ભૂલી ગયો હોય અથવા તેને હજી સુધી ખબર પણ ન હોય કે તેની પાસે કોઈ ખજાનો છે. તે રસ્તા ઉપર ભીખ માંગી રહ્યો હોય, ત્યારે કોઈ સજ્જન આવીને તેને કહે કે “તારા ઘરની અંદર જો. તારે ભીખ માંગવાની જરૂર નથી. તું તો આ જ ક્ષણે સમાટ થઈ શકે એમ છે.' તો ભિખારી એને કહેશે, “કેવી મૂરખ જેવી વાતો કરો છો? હું આ જ ક્ષણે સમ્રાટ કઈ રીતે બની શકું? વર્ષોથી ભીખ માંગું છું અને હજી સુધી ભિખારીનો ભિખારી જ છું. જો અનેક જન્મો સુધી ભીખ માંગું તોપણ હું સમ્રાટ બની શકું નહીં.' ભિખારીને ભરોસો જ નથી આવતો. ભીખ માંગતાં જે થોડું-ઘણું મળે, તેમાં ચલાવી લેતો હોવાથી સમાટનાં સ્વપ્ન જોવાનું પણ છૂટી ગયું છે. પરંતુ જો ઘરમાં દટાયેલો ખજાનો મામૂલી ખોદકામથી, થોડી માટી હટાવવાથી મેળવે તો તે ભિખારી નહીં રહે, તે તરત જ સમ્રાટ થઈ જશે. આ જ વાત અધ્યાત્મની બાબતમાં છે. આત્મા છુપાયેલો ખજાનો છે. જીવે હજી સુધી એ ખજાનાને જાણ્યો નથી, પરંતુ એ તેની અંદર મોજૂદ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org