________________
ગાથા-૧૧૪
૫૪૩
છે. સ્વપ્નસૃષ્ટિની ભ્રામકતા તથા જાગૃત થતાં થયેલી તેની તત્પણ વિલીનતા - આ બે પાસાંને મુખ્ય કરીને, આ ગાથામાં શ્રીમદે એ સિદ્ધાંતને પુષ્ટ કર્યો છે કે અનાદિ કાળથી જે વિભાવ ચાલ્યો આવે છે તે આત્મબોધ થવાથી સત્વર વિલીન થાય છે. અનાદિ કાળનો વિભાવ, જ્ઞાન થતાં સત્વર દૂર થાય છે. આ ગૂઢ સિદ્ધાંતને તેમણે અત્યંત સરળ દૃષ્ટાંત દ્વારા સમર્થિત કર્યો છે.
અજ્ઞાનમાં પડેલો જીવ પરવસ્તુમાં અહં-મમભાવની કલ્પનાને સત્ય માને છે, તેથી તેને હર્ષ, શોક, ભય વગેરે ઉત્પન્ન થાય છે. તેને આત્માની પ્રતીતિ હોતી નથી. પોતાના આત્મસ્વરૂપનો તેને કોઈ બોધ હોતો નથી. આત્માનું અસ્તિત્વ દેહ કરતાં ભિન્ન હોવા છતાં આત્માને ભૂલીને તે દેહમાં હું બુદ્ધિ કરે છે, પોતાને દેહરૂપ સમજે છે. પરનો સંયોગ થતાં તે અનાદિ સંસ્કારના પ્રભાવવશ તેમાં લિપ્ત થઈ, પરપદાર્થ આદિ જેમ છે તેમ જોવા-માનવા-સ્વીકારવાને બદલે તત્સંબંધી ખોટા નિર્ણયો બાંધે છે. સ્વના અપરિમિત ઐશ્વર્યનું ભાન નથી તથા તેનો ભરોસો નથી, તેથી તેને પરમાં કુતૂહલ રહ્યા કરે છે. વિનાશી પદાર્થના સંયોગાદિમાં તેને ઇષ્ટ-અનિષ્ટપણું લાગે છે. બાહ્યમાંથી સુખ મળશે એવી અભિલાષામાં તે રાચે છે. પરપદાર્થમાંથી સુખ મેળવવા તે અથાક પ્રયત્ન કરે છે, પરંતુ ક્યારે પણ વિચારતો નથી કે આ વૃત્તિથી મને કેટલું નુકસાન થશે. તેને આકાંક્ષાના ચગડોળમાંથી ઊતરવાનો વિચાર સુધ્ધાં આવતો નથી અને એમાં ને એમાં જ આખી જિંદગી વેડફી નાખે છે.
સ્વરૂપનું ભાન પ્રગટાવ્યું ન હોવાના કારણે અજ્ઞાની જીવ સંસારમાં રઝળી રઝળીને જન્મારો વિતાવે છે, અહીંથી તહીં ફંગોળાતો રહે છે અને અપાર દુઃખનો અનુભવ કરે છે. જો તે પોતાની વિભાવરૂપ સ્વપ્નદશાનો નાશ કરે તો તે દુઃખી ન થાય, પણ સુખી થાય. વિભાવરૂપ સ્વપ્નદશાનો અંત આત્મજ્ઞાન પ્રગટાવવાથી થાય છે. દેહાદિ અવસ્થામાંથી પોતાનું તાદાભ્ય તોડવું ઘટે છે અને પોતે માત્ર જ્ઞાયક છે, તે સિવાય કાંઈ પણ નહીં - એવું દેહાદિથી પોતાની ભિન્નતાનું ભાન પ્રગટાવવું ઘટે છે. અનંત અવ્યાબાધ સુખની ઉપલબ્ધિ અર્થે સ્વસ્વરૂપ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે.
અજ્ઞાનરૂપ સ્વપ્ન અવસ્થામાં જગતનું જે ભ્રામક દર્શન થાય છે તે જ્ઞાનરૂપ જાગૃત અવસ્થામાં વિલીન થાય છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગૃત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે; તેમ અજ્ઞાનરૂપ સ્વપ્નદશામાં દેખાતી દેહાદિમાં અહંમમબુદ્ધિરૂપ અસત્કલ્પના, આત્મજાગૃતિરૂપ જ્ઞાનદશામાં વાસ્તવિક દેખાતી નથી, મિથ્યાભાસરૂપ જણાય છે. ઊંઘમાંથી જાગૃત થતાં કરોડ વર્ષનું - દીર્ઘ કાળનું સ્વપ્ન પણ તરત જ ઊડી જાય છે અને બાહ્ય જગતનું યથાર્થ દર્શન થાય છે, તેમ અજ્ઞાનરૂપી નિદ્રામાંથી ઊઠતાં, જ્ઞાનરૂપ જાગૃતદશા થતાં અનાદિનું અજ્ઞાનદશાનું સ્વપ્ન તરત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org