________________
૩પ૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ઉત્પન્ન થાય છે. આ આત્મબળ વડે પરમક્ષમાભાવરૂપ સમાધિભાવમાં તે ટકી શકે છે. કર્મબંધથી ન લપાતો એવો તે સાધક પરમ શાંતિ અને પરમ શીતળતાનો અનુભવ કરે છે. ક્ષમાથી નવો કર્મબંધ થતો અટકે છે અને પૂર્વે બાંધેલાં કર્મો ખરી જવાથી આત્માની વિશુદ્ધિ થઈને શાંત દશા પ્રગટે છે. તેથી જીવે ક્ષમા ગુણને ધારણ કરવાનો ઉદ્યમ કરવો ઘટે છે. તેણે ક્ષમાસ્વભાવનું અવલંબન લઈ જાગૃતિપૂર્વક ક્રોધને નિષ્ફળ બનાવવાનો અભ્યાસ કરવો ઘટે છે. ક્ષમાસ્વભાવના અવલંબને ક્રોધનો નાશ થઈ ક્ષમા ગુણ પ્રગટે છે. જેમ કેરી કાચી હોય તે વખતે જ તેમાં ખટાશનો નાશ કરનાર મીઠો સ્વાદ શક્તિપણે રહેલો હોય છે, તેથી ખટાશનો અભાવ થઈ મીઠાશ પ્રગટી શકે છે; તેમ ક્રોધ આત્માના ક્ષમા ગુણની વિકારી પર્યાય છે. ક્રોધરૂપ વિકારી અવસ્થા વખતે જ તે વિકારનો નાશ કરનાર શક્તિ દ્રવ્યદળમાં હોવાથી, તેનું અવલંબન લેતાં ક્રોધવિકારનો નાશ થઈ શકે છે અને અવિકારી એવો ક્ષમા ગુણ પ્રગટે છે.
ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે પર્યાયમાં ક્રોધરૂપ વિકારની ઉત્પત્તિ જ ન થવી એ સાચી ક્ષમા છે. આત્મસ્વરૂપનું અવલંબન લેવાથી કોઈ પણ પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ ભાસતો નથી, તેથી ક્રોધ ઊપજતો નથી અને તે જ સાચો ક્ષમાભાવ છે. નિમિત્તોની પ્રતિકૂળતાઓમાં પણ જે શાંત રહી શકે તે ખરેખર ક્ષમાનો ધારક છે. ગાળ સાંભળી જે થપ્પડ મારે તે કાયાની વિકૃતિવાળો છે, ગાળ સાંભળી જે ગાળ આપે તે વચનની વિકૃતિવાળો છે, ગાળ સાંભળી ને મનમાં ક્રોધ લાવે તે મનની વિકૃતિવાળો છે અને ગાળ સાંભળી જે પ્રતિક્રિયા ન કરે તે ક્ષમાધારી છે. બાહ્ય નિમિત્તોની પ્રતિકૂળતા હોવા છતાં ક્રોધની પ્રવૃત્તિ ન દેખાય તેટલામાત્રથી ક્ષમા કહી નથી. બહારમાં ક્રોધાદિની પ્રવૃત્તિ ન દેખાય અને અંતરમાં ક્રોધ વિદ્યમાન હોય એમ પણ બની શકે. સાચી ક્ષમા તો તેને કહેવાય કે જ્યારે ક્રોધાદિનું નિમિત્ત મળે ત્યારે પણ તે ઉત્તેજિત ન થાય, તેને પ્રતિકારની વૃત્તિ જ ન થાય.
ક્રોધની અભિવ્યક્તિ ન કરનારને વ્યવહારદષ્ટિએ ક્ષમાનો ધારક કહેવામાં આવે છે, પરંતુ પરમાર્થદષ્ટિએ વિચાર કરવામાં આવે તો એમ પણ હોઈ શકે કે તે બહારથી બિલકુલ શાંત દેખાતો હોવા છતાં પણ તેના અંતરમાં તીવ્ર ક્રોધ હોય. ક્રોધ અભિવ્યક્ત ન થયો હોવાથી ‘ક્રોધ નથી' એવો ભ્રમ ઉત્પન્ન થાય છે. ક્રોધ નથી' એમ જે જોવા મળે છે એ તો ક્રોધનું પ્રદર્શન ન થયાની વાત છે. પરંતુ ક્રોધના પ્રદર્શનનો અભાવ તે કંઈ વાસ્તવિક ક્ષમા નથી. આત્માના સમ્યક્ સ્વરૂપને જાણ્યા-માન્યા વિના વાસ્તવિક ક્ષમા ધર્મ પ્રગટ કરી શકાતો નથી. અજ્ઞાની જીવ ઉપર ઉપરથી ક્ષમા રાખવાનો પ્રયત્ન ભલે કરે, પણ સ્વરૂપનો નિર્ણય અંતરમાં સુસ્થિત થયો ન હોવાથી તેને નામમાત્ર ક્ષમા - દેખાવની ક્ષમા હોય છે, સાચી ક્ષમા હોતી નથી. આમ બને ત્યારે અભિવ્યક્તિના સ્તરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org