________________
ગાથા-૧૦૩
૩૩૩
મને શાંતિ જોઈએ છે. તો તે શાંતિ ક્યાં છુપાયેલી છે એ મને બતાવો. આપનો આત્મા તે શાંતિને પામ્યો છે, તેથી આપ જ મને તેનો સાચો રસ્તો બતાવી શકો એમ છો.' આ પ્રમાણે શિષ્ય શ્રીગુરુને વિશ્વાસ સહિત પૂછે છે, ત્યારે શ્રીગુરુ તે ખરા જિજ્ઞાસુને તત્ત્વનો બોધ કરે છે.
શ્રીગુરુ તત્ત્વનો ઉપદેશ આપીને સુશિષ્યને તત્ત્વની સમજણ આપે છે, દ્રવ્યોની ભિન્નતા તથા સ્વતંત્રતાનો બોધ આપે છે, ચૈતન્યસ્વભાવી આત્માનો મહિમા દર્શાવે છે તથા અનાદિ કાળથી પરપદાર્થોને વિષય કરી, પરપણે પરિણમતી ચેતના તે જ દુ:ખનું કારણ છે અને પોતાના શુદ્ધ ગુણોને વિષય કરી, સ્વરૂપાકાર થતી ચેતના એ જ સુખનો ઉપાય છે એમ સમજાવે છે. સુખપ્રાપ્તિ માટે ઉપયોગને નિજસ્વરૂપમાં એકાગ્ર કરવાની પ્રેરણા આપતાં તેઓ તેને કહે છે કે “જગતની જડ વસ્તુઓ જડપણે રહી છે. તે ક્યારે પણ તારી થઈ નથી, તારામાં આવતી નથી. છતાં તેને હું રાખું, તેને હું કરું, તેમાંથી હું સુખ લઉં એમ તું માને છે એ તારી મૂઢતા છે. સુખ તો આત્મામાં છે. અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યના સ્વામી એવા નિર્મળ ચૈતન્યપ્રભુને પરપદાર્થ પાછળ ભટકાવવો તે જ તો મોટી વિડંબના છે. જે અનંત સુખ ભોગવી શકે એમ છે, તેને સુખાભાસ પાછળ ભટકાવવો એ તો ખોટનો વેપાર છે. કોલસા ખરીદવા માટે તું હીરો વેચી દે છે! તારા ઊંધા ભાવનું તને જ નુકસાન થશે, માટે એ ખોટનો ધંધો છોડ. તારા ઉપયોગને શુદ્ધાત્મામાં જોડ તો તારો વેપાર સફળ થાય. તારા જ્ઞાનોપયોગને સ્વભાવમાં લગાવ. આ વેપાર એવો છે કે જેમાં ક્યારે પણ ખોટ આવતી જ નથી, નફો જ નફો થાય છે. ધુવચૈતન્યનિધિના લક્ષે વેપાર કરતાં સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પર્યાયરૂપી નફો થાય છે, તેથી તારા સ્વભાવને જાણીને સ્વસમ્મુખ થા. જેમ બિલોરી કાચ વડે સૂર્યનાં કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે તો અગ્નિ ઉત્પન્ન થઈ શકે છે, તેમ તારો ઉપયોગ જે પરદ્રવ્યો અને પરભાવમાં વેડફાઈ રહ્યો છે, તેને સમેટીને નિજ સ્વભાવમાં લગાવે તો સુખનું વેદન પર્યાયમાં પ્રગટશે.'
શ્રીગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ તત્ત્વબોધ ઉપર સુશિષ્ય ચિંતન કરી તત્ત્વનિર્ણય કરે છે. તે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરે છે કે હું આનંદનો પિંડ છું, શાંતિનું ધામ છું, સ્વયંરક્ષિત છું, તેથી મારાં સુખ-શાંતિ-સલામતી પરથી નિરપેક્ષ એવા સ્વતત્વમાં છે. સુખી, શાંત અને સલામત થવા માટે મને પરની આવશ્યકતા નથી. મારામાં કોઈ અપૂર્ણતા છે જ નહીં કે મારે પરની સહાય લેવી પડે. હું તો પૂર્ણાનંદનો નાથ છું. મારી પ્રભુતાનો ઉપયોગ કરું તો પર્યાયમાં પણ આનંદનું પરિણમન થશે. મારે પર પાસે દીનતા કરવાની જરૂર નથી. પરમાં ફેરફાર કરવાની વૃત્તિ જ અજ્ઞાન છે અને તે જ દુઃખનું કારણ છે. જગતનાં બધાં દ્રવ્યો સત્ છે અને દરેકને પલટવાપણું પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org