________________
૧૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
- તત્ત્વજ્ઞાનીઓએ જીવ (આત્મા), જગત (વિશ્વ) અને જગદીશ (પરમાત્મા)નાં વિશેષાર્થ
*| સ્વરૂપ તથા તે ત્રણે વચ્ચેનો સંબંધ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ તત્ત્વમીમાંસાના આધારે તેમણે આચારમીમાંસાનું ચણતર કર્યું છે. તત્ત્વજ્ઞાનના આધારે તેમણે જીવનનાં ગૂઢ રહસ્યો ઉકેલવાનો પ્રયત્ન જુદી જુદી અનેક રીતે કર્યો છે. પરિણામે વિવિધ દર્શનો અને ધર્મમતો અસ્તિત્વમાં આવ્યા.
આમ, અનેક સદીઓથી વિવિધ દર્શનો અને ધર્મ તો વિકાસ પામતા રહ્યા છે. તેઓ દરેક મુક્તિ માટે જુદા જુદા ઉપાયો બતાવે છે. તત્ત્વજ્ઞાનીઓએ તાત્ત્વિક સિદ્ધાંતના આધારે પોતપોતાની દૃષ્ટિએ મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે. ભારતમાં પ્રચલિત મુખ્ય દર્શનો તથા ધર્મમતોના મોક્ષના ઉપાય સંબંધીના અભિપ્રાય હવે સંક્ષેપમાં જોઈએ –
જૈન દર્શન અનુસાર રાગ-દ્વેષાદિ સમસ્ત વિકારો, જ્ઞાનાવરણીયાદિ જડ કર્મો અને દેહાદિ નો કર્મોથી મુક્ત થવાય ત્યારે મોક્ષપદ પ્રગટે છે. તે જીવાદિ નવ તત્ત્વના બોધપૂર્વક અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પંચ મહાવત, અનશનાદિ બાર તપ તથા ક્ષમાદિ દસ ધર્મના પાલનને મોક્ષમાર્ગ માને છે. આમ, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી સુખરૂપ એવા મોક્ષપદની પ્રાપ્તિ થાય છે એમ તે કહે છે.
બૌદ્ધ દર્શન દુઃખોના અંતની અવસ્થાને, અર્થાત્ દુઃખનિરોધને નિર્વાણ કહે છે. તેના મત અનુસાર અષ્ટાંગ માર્ગથી નિર્વાણની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્યક્ દષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ કર્મ, સમ્યક્ આજીવિકા, સમ્યક્ પુરુષાર્થ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યક સમાધિ - આ અષ્ટાંગ માર્ગના પાલનથી સકલ વાસનાઓની નિવૃત્તિ તથા શૂન્યરૂપ નિર્વાણનો આવિર્ભાવ થાય છે.
ન્યાય-વૈશેષિક દર્શન આત્યંતિક દુઃખનિવૃત્તિને અપવર્ગ અથવા મોક્ષ કહે છે. તેના મત અનુસાર તત્ત્વજ્ઞાન થતાં દુઃખના પૂર્ણ અભાવની અવસ્થા પ્રાપ્ત થાય છે. તે માટે ધર્મગ્રંથોમાં આપેલ આત્મા વિષેના ઉપદેશનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. તત્ત્વચિંતન દ્વારા મિથ્યાજ્ઞાનનું નિવારણ થાય છે. મિથ્યાજ્ઞાન કે અવિદ્યા દૂર થતાં દોષો, પ્રવૃત્તિઓ આદિ આપોઆપ દૂર થાય છે અને જીવ જન્મ-મરણથી મુક્ત થાય છે.
સાંખ્ય દર્શન અનુસાર પુરુષ અને પ્રકૃતિનો તફાવત સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરુષનો પ્રકૃતિથી વિયોગ થાય છે. તેના મત પ્રમાણે વિવેકજ્ઞાનના પરિણામે અવિવેકજ્ઞાનનો નાશ થતાં દુઃખપરિણામરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે અને છેવટે વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો પણ નિરોધ થાય છે. તેના ફળસ્વરૂપે પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ પડતું બંધ થઈ જાય છે અને પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. તેનો પ્રકૃતિ સાથેનો સંયોગ છૂટી જાય છે. આ સ્થિતિ તે મોક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org