________________
ગાથા-૯૧
૧૨૭
પણ તરતમપણું જોવા મળે છે. જુદી જુદી વ્યક્તિઓના ઉપશમસુખમાં તરતમતા - ઓછાવત્તાપણું જોવા મળે છે. આના ઉપરથી જણાય છે કે કોઈ સ્થળ એવું પણ હશે કે
જ્યાં ઉપશમસુખનો અત્યંત પ્રકર્ષ - તેની અત્યંત અધિકતા હોય. ઉપશમસુખનો પ્રકર્ષ - સર્વથી અધિકપણું ક્યાંક તો હોવું જ જોઈએ, ઉપશમસુખની પરાકાષ્ઠા ક્યાંક તો હોવી જ જોઈએ. આ સ્થિતિ તે જ મોક્ષ છે. જ્યાં પરાકાષ્ઠાના ઉપશમસુખનું સંવેદન હોય તે જ મોક્ષ છે. જ્યાં સૌથી ઉત્કૃષ્ટ ઉપશમસુખ છે એને જ મોક્ષ કહેવાય છે. ' ઉપશમસુખને આવરણ કરનારાં જીવના રાગાદિ દોષો અને કર્મરૂપ આવરણોની હાનિ પણ જુદા જુદા જીવમાં તરતમતાવાળી જોવા મળે છે. જેની હાનિ તરતમભાવે રહી હોય તો ક્યાંક તેની સર્વથા હાનિ પણ હોય જ છે. જેમ કે સૂર્ય ઉપર વાદળાંના આવરણની અથવા નેત્રદોષની. તેમ જ્યાં રાગાદિ દોષો તથા કર્મરૂપ આવરણની સર્વથા હાનિ છે; અને તે હાનિથી અનંત ઉપશમસુખનું પ્રગટવું છે તે જ પરમપદ છે, તે જ મોક્ષ છે. એક દેશે - અંશે વિષયોનો ત્યાગ કરનારાઓને એકદેશ આત્મોત્થ સુખ પ્રાપ્ત થાય છે, તો સંપૂર્ણપણે સંસારના ભોગો ત્યાગ કરનારા તથા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં નિરંતર રક્ત રહેનાર મુક્તાત્માને સંપૂર્ણ આત્મોત્થ અતીન્દ્રિય સુખ હોય જ એમ બનવું સ્વાભાવિક છે.
મુક્ત જીવને અકૃત્રિમ, મિથ્યાભિમાનથી રહિત એવું સ્વાભાવિક પ્રકૃષ્ટ સુખ હોય છે, કારણ કે તેઓ સર્વજ્ઞ છે અને તેમને કોઈ પણ જાતની બાધા નથી. મુક્તાત્મા પ્રકૃષ્ટ સુખી છે, કારણ કે તેમને પ્રકૃષ્ટ જ્ઞાન હોવા ઉપરાંત જન્મ, જરા, વ્યાધિ, મરણ, ઇષ્ટ વિયોગ, અરતિ, શોક, સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, કામ, ક્રોધ, મદ, તૃષ્ણા, રાગ, દ્વેષ, ચિંતા, ઔત્સુક્ય આદિ સકલ બાધાનો અભાવ છે. કાષ્ઠાદિ જડ પદાર્થોમાં પણ જન્માદિ બાધા હોતી નથી છતાં તેને સુખી ન કહી શકાય, કારણ કે તેને જ્ઞાન નથી; પણ મુક્તાત્મામાં તો જ્ઞાન અને બાધાવિરહ બને ઉત્કૃષ્ટ છે, તેથી તેમને સુખ પણ ઉત્કૃષ્ટ હોય છે. મુક્તાત્મા પરમ જ્ઞાની છે, કારણ કે તેમને જ્ઞાનનાં આવરણોનો સર્વથા અભાવ છે. આવરણનો સર્વથા અભાવ એટલા માટે છે કે જ્ઞાનાવરણના જે હેતુઓ છે, તેનો તેમનામાં સર્વથા અભાવ છે. મુક્તાત્મામાં જન્મજરાદિ બાધાનો પણ અભાવ છે, કારણ કે બાધાના હેતુભૂત એવાં વેદનીય આદિ બધાં કર્મોનો મુક્તાત્મામાં અભાવ છે. પરમ જ્ઞાની એવા મુક્ત જીવને જન્મ-મરણ ઇત્યાદિ બાધા હોતી નથી, માટે સિદ્ધ અવસ્થામાં તેઓ પરમ સુખી હોય છે. બાધાનો અભાવ એ જ જ્ઞાતાનું પરમ સુખ છે.
આમ, મોક્ષમાં પરમ સુખ છે. સિદ્ધ પરમાત્માને પરમ આલાદરૂપ, નિરુપાધિક, અતીન્દ્રિય, અવિનાશી સુખ પ્રગટું હોય છે. સર્વ કર્મબંધનોથી મુક્ત થયેલા તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org