________________
૧૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કાળાંતરે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા એમ અનંત જીવો એ જ ક્ષેત્રથી કર્મરહિત દશા પામ્યા છે અને બધા જ સરલ ઋજુ ગતિએ ઉપ૨ જઈને લોકાંતે સ્થિર થયા છે. વળી, અમુક સ્થાનથી જ અનંતા જીવો મોક્ષમાં ગયા છે એવું પણ નથી. અઢી દ્વીપમાં સઘળી જગ્યાએથી અનંત કાળ દરમ્યાન અનંત જીવો મોક્ષમાં ગયા છે. ૪૫ લાખ યોજનપ્રમાણ અઢી દ્વીપનો તસુ જેટલો પણ ભાગ એવો નથી કે જ્યાંથી અનંતા જીવો મોક્ષમાં ન ગયા હોય. એટલે મોક્ષમાં દરેક સ્થાને અનંતા સિદ્ધ પરમાત્માઓ રહેલા છે. જે ક્ષેત્રમાં એક સિદ્ધ રહેલા છે તે જ ક્ષેત્રમાં અનંતા સિદ્ધો રહેલા છે.
જે ક્ષેત્ર એક સિદ્ધથી રોકાયેલું હોય તેમાં અન્ય સિદ્ધો કેવી રીતે રહી શકે? એ પ્રશ્નનો ઉત્તર એમ છે કે જે ક્ષેત્રને રોકીને દૂધ રહ્યું હોય, તેમાં જ સાકર મળીને રહી શકે છે; તે પ્રમાણે સિદ્ધો પણ રહી શકે છે. આ દૂધ-સાકરનું દૃષ્ટાંત સર્વ અંશે પ્રમાણભૂત નથી, પરંતુ એક અંશે લાગુ પડે છે; કારણ કે રૂપી પદાર્થો એક ક્ષેત્રમાં મળતાં પરસ્પર સંકડામણ ઊભી થાય છે, જ્યારે અરૂપી પદાર્થોમાં એમ થતું નથી. અર્થાત્ જેમ સમસ્ત લોકમાં અરૂપી એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ સંકડામણ વિના એકત્ર રહ્યાં છે; તેમ અનંતા સિદ્ધો પણ અરૂપી હોવાથી સંકડામણ વિના એકત્ર રહી શકે છે. ૪૫ લાખ યોજનપ્રમાણ ક્ષેત્રના દરેકે દરેક ભાગમાં અનંતા સિદ્ધો બિરાજમાન છે, છતાં ત્યાં જરા પણ સંકડામણ થતી નથી, કારણ કે સિદ્ધો અરૂપી છે. બધા સિદ્ધો એકબીજાને અવગાહના આપી શકતા હોવાથી જ્યાં એક સિદ્ધ બિરાજે છે ત્યાં તે જ ક્ષેત્રમાં બીજા અનંત સિદ્ધો પણ હોય છે.
એક જ ઓરડામાં એક દીવો રાખ્યો હોય કે સો દીવા રાખ્યા હોય કે બસો દીવા, તોપણ તે બધા દીવાનો પ્રકાશ એક જ ઓરડામાં રહી શકે છે. એ જ પ્રમાણે મોક્ષમાં પણ અશરીરી એવા આત્માઓ પ્રકાશપુંજની જેમ રહી શકે છે. અનેક સિદ્ધો એકબીજામાં સમાઈને રહી શકે છે. અવ્યાબાધપણું હોવાથી કશે પણ, કોઈને પણ બાધા થવાનો સંભવ નથી. આમ, પરિમિત ક્ષેત્રમાં પણ અનંતા સિદ્ધો રહી શકે છે. પરિમિત ક્ષેત્રવાળી સિદ્ધશિલા ઉપર અનંતા સિદ્ધો કઈ રીતે રહી શકે એ શંકાનું સમાધાન કરતાં આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં કહે છે કે મુક્ત જીવો અમૂર્ત છે, તેથી પરિમિત ક્ષેત્રમાં પણ અનંત મુક્તોનો સમાવેશ થવામાં કશી જ બાધા નથી. જેમ પ્રત્યેક દ્રવ્ય અનંત સિદ્ધોનાં અનંત જ્ઞાન અને અનંત દર્શનનો વિષય બને છે, અર્થાત્ એક જ દ્રવ્યમાં અનંત જ્ઞાન અને અનંત દર્શન જો રહી શકતાં હોય અને જો એક જ નર્તકીમાં હજારો પ્રેક્ષકોની દૃષ્ટિ સમાઈ શકતી હોય તો પરિમિત ક્ષેત્રમાં અનંત સિદ્ધોના સમાવેશમાં શું બાધા આવી શકે? વળી, નાના એવા ઓ૨ડામાં અનેક દીપોનો મૂર્ત પ્રકાશ સમાઈ શકે છે, તો અમૂર્ત અનંત સિદ્ધોનો પરિમિત ક્ષેત્રમાં સમાવેશ શા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org