________________
૭૭૧
ગાથા-૮૬ તેના જેવી છે. જેમ કૃપણ પુરુષ ખર્ચના ભયથી સ્વજનોનો ત્યાગ કરીને જંગલમાં વસે છે, તેમ મતિભેદના ભયથી ઈશ્વરને એક માનવામાં આવે છે.
એક અને અદ્વિતીય એવા ઈશ્વરના અસ્તિત્વને નકારતાં જૈન દર્શન કહે છે કે અનાદિ કાળના કર્મનાં બંધનના યોગે જીવ અલ્પજ્ઞ છે. જ્ઞાનાવરણીય કર્મના કારણે એનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. આ આવરણ દૂર થતાં જ તે અનંત જ્ઞાનનો અધિકારી બને છે, સર્વજ્ઞ બને છે; અને જે જે મહાપુરુષો આ કર્મબંધન તોડીને મોક્ષે ગયા છે તે બધા પણ સર્વજ્ઞ હતા અને છે. કર્મબંધન દર થતાં જીવ પોતાની સ્વાભાવિક જ્ઞાનદશા પ્રાપ્ત કરે છે, અર્થાત્ જીવનું બંધન અને મર્યાદિત જ્ઞાન એટલું પુરવાર કરે છે કે જીવોની મુક્તિ અને સર્વજ્ઞતા સંભવિત છે. જીવોની સંખ્યા અનંત છે. પ્રત્યેક સંસારી જીવ કર્મબદ્ધ અને અલ્પજ્ઞ છે. જે ઘડીએ બંધદશા અને અલ્પજ્ઞતામાંથી તે છૂટે છે, તે જ પળે તે મુક્ત અને સર્વજ્ઞ બને છે. આમ, એક જ આત્મા સર્વથા મુક્ત - સર્વજ્ઞ છે એમ નહીં, પણ જે જે મુક્ત થયા છે અને થાય છે તે સર્વ ઈશ્વર છે; તેમજ પ્રત્યેક જીવ મુક્તિ અને સર્વજ્ઞત્વનો અધિકારી છે એ સિદ્ધાંત જ યુક્તિયુક્ત છે.
આમ, જૈન દર્શન ઈશ્વર જેવી કોઈ એક વ્યક્તિવિશેષને નથી માનતું, પરંતુ તે ઈશ્વરના સમગ્ર ગુણો જીવમાત્રમાં સ્વભાવથી સ્વીકારે છે. જૈન દર્શન કહે છે કે જીવમાત્ર સ્વભાવથી ઈશ્વર છે. પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે. ભલે તે અત્યારે આવરણથી ઢંકાયેલી છે, પણ જો જીવ યોગ્ય દિશામાં યથાર્થ પ્રયત્ન કરે તો તે પોતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણપણે વિકસાવી ઈશ્વર બની શકે છે. જે જે જીવાત્મા કર્મવાસનાઓથી પૂર્ણપણે મુક્ત થયા છે તે બધા જ સમાનભાવે ઈશ્વર છે.
પ્રત્યેક જીવાત્મા કે જે મુક્ત છે તે ઈશ્વર જ છે. આત્માની સહજ શક્તિઓ જેમનામાં પૂર્ણપણે આવિર્ભાવ પામી હોય એવા પ્રત્યેક જીવને જૈન દર્શન ઈશ્વર ગણે છે. તેના મત મુજબ ઈશ્વર શબ્દ એ આત્માની પૂર્ણતમ પર્યાય સૂચવે છે. રાગાદિ દોષને ટાળનારા અને લોકના ઉદ્ધારક એવા શ્રી ઋષભદેવ ભગવાન વગેરે જે જે મહાપુરુષો થઈ ગયા તે સર્વ ઈશ્વર છે. માટે ઈશ્વર એક નથી, અનંત છે. કોઈ એક અનાદિસિદ્ધ ઈશ્વર નથી. કોઈ એક જ વ્યક્તિ અનાદિ કાળથી ઈશ્વર બની રહે અને બીજા કોઈ ઈશ્વર બની જ ન શકે એ વાત ન્યાયયુક્ત નથી. (૩) ઈશ્વર સર્વવ્યાપી છે તેનું નિરસન – ઈશ્વરના સર્વગતપણા વિષે નૈયાયિકો એમ કહે છે કે “ઈશ્વરનું સર્વ ઠેકાણે રહેવાપણું હોવાથી તે સર્વવ્યાપી છે.' આ પ્રતિપાદન વિષે પ્રશ્ન કરી શકાય કે ઈશ્વર શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી છે કે જ્ઞાનની અપેક્ષાએ? શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી હોય તો ઈશ્વરનું જ શરીર ત્રણે જગતમાં વ્યાપ્ત થવાથી નિર્માણ કરવા યોગ્ય સર્વ પદાર્થોને રહેવા માટે કોઈ સ્થાન જ રહે નહીં. સર્વ જગ્યાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org