________________
૭૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સ્થાપિત કરે છે. તિજોરીમાં જેમ હીરા-ઝવેરાત પડ્યાં રહે છે, તેમ બંધાયેલાં કર્મ આત્માની તિજોરીમાં પડ્યાં રહે તેને કર્મની સત્તા કહેવામાં આવે છે અને પછી તે બંધાયેલાં શુભાશુભ કર્મ જ્યારે જીવને સુખ-દુઃખરૂપ ફળ આપે છે તેને કર્મનો ઉદય કહેવાય છે. જ્યારે તે કર્મપ્રકૃતિઓનો ઉદયકાળ આવે છે ત્યારે તે પ્રકૃતિઓના અનુભાગ અનુસાર કાર્ય થાય છે.'
જે પરમાણુ કર્મરૂપ પરિણમ્યાં છે તેનો જ્યાં સુધી ઉદયકાળ ન આવે ત્યાં સુધી તે જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહે બંધાયેલાં રહે છે અને તે કાળ દરમ્યાન જીવના ભાવના નિમિત્તથી કોઈ કોઈ પ્રકૃતિઓની અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ પ્રકૃતિનાં પરમાણુ સંક્રમણરૂપ થઈ અન્ય પ્રકૃતિનાં પરમાણુ થઈ જાય છે. વળી, કોઈ પ્રકૃતિનો સ્થિતિ અથવા અનુભાગ ઘણો હોય, તેનું અપકર્ષણ થઈ તે થોડો થઈ જાય છે તથા કોઈ પ્રકૃતિની સ્થિતિ અથવા અનુભાગ થોડો હોય તેનું ઉત્કર્ષણ થઈ તે ઘણો થઈ જાય છે. એ પ્રમાણે પૂર્વે બાંધેલાં પરમાણુઓની અવસ્થા પણ જીવના ભાવનું નિમિત્ત પામીને પલટાય છે. જો નિમિત્ત ન બને તો તે પલટાઈ શકતી નથી, જેમ ને તેમ રહે છે.
ધનુષ્ય ઉપર ચઢાવેલું તીર છોડવામાં આવ્યું નથી ત્યાં સુધી તીરમાં જે શક્તિ રહેલી છે તેને સ્થિર વીર્ય(static energy)ની સંજ્ઞા અપાય છે, અર્થાત્ ત્યાં શક્તિ તો છે પણ તે હજી ઉદયરૂપ થઈ નથી; અને જ્યાં સુધી તે શક્તિ ફલાભિમુખ નથી થઈ, ત્યાં સુધી તે શક્તિ સત્તાપણે રહેલી છે, તેથી તે શક્તિમાં ફેરફાર થઈ શકે છે. તેમ કર્મમાં ફેરફાર કરવાનું આત્માનું બળ માત્ર કર્મની સત્તા અવસ્થામાં જ હોય છે. તે અવસ્થામાં આત્મા કર્મની સ્થિતિ અને અનુભાગ અલ્પ હોય તો તેનું ઉત્કર્ષણ કરી, તેમાં વૃદ્ધિ કરી શકે છે; તે જ પ્રકારે બહુત્વનું અલ્પત્વ કરી શકે છે. ૧- જૈન દર્શન દરેક કર્મની બંધ, સત્તા અને ઉદય એમ ત્રણ અવસ્થાઓ માને છે, તેમ જૈનેતર દર્શનોમાં પણ કર્મની ભિન્ન ભિન્ન અવસ્થાઓનું વર્ણન છે. વેદાંતાદિ દર્શનોમાં કર્મની સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ એમ ત્રણ અવસ્થા માનેલ છે. સંચિત કર્મ એટલે ગત જન્મોમાં ભેગાં કરેલાં કર્મ કે જેણે હજુ ફળ આપવાની શરૂઆત નથી કરી, પણ એમ જ પડ્યાં રહ્યાં છે. પ્રારબ્ધ કર્મ એટલે જે કર્મોએ ફળ આપવાની શરૂઆત કરી છે અને જેના કારણે આ વર્તમાન જન્મ તથા વર્તમાન પરિસ્થિતિ શક્ય બન્યાં છે તે. ક્રિયમાણ કર્મ એટલે આ જન્મમાં જે નવાં કર્મ એકઠાં કરવામાં આવી રહ્યાં છે તે. વેદાંત અનુસાર સમ્યજ્ઞાન થતાં સંચિત કર્મ બળી જાય છે, અર્થાત્ તેનામાં ફળ આપવાની શક્તિ રહેતી નથી. સમ્યજ્ઞાન પછી અહંતા-મમતા કે કર્તુત્વનો ખ્યાલ રહેતો નથી, માટે જરૂરી ક્રિયાઓ કરવા છતાં કર્મબંધન થતું નથી અને તેથી ક્રિયમાણ કર્મ પણ રહેતાં નથી. પરંતુ પ્રારબ્ધકર્મોએ ફળ આપવાની શરૂઆત કરી હોવાથી તેનો ક્ષય ભોગથી જ થાય છે, માટે જ્ઞાન થયા પછી પણ ઐહિક જીવન કેટલોક વખત ચાલુ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org