SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરાવગાહવર્તી માન્યો છે. પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.' આ છ દર્શનોમાં ન્યાય, સાંખ્ય અને મીમાંસા દર્શન વેદ ઉપર આધારિત છે; જ્યારે ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શન વેદને માન્ય રાખતાં નથી; તેથી તેમની વિચારસરણીઓ પરસ્પર વિરોધી જોવા મળે છે. તત્ત્વ સંબંધી વિરોધ હોવાના કારણે દાર્શનિકો પોતાના મતનું ખંડન અને અન્ય મતનું ખંડન કરવા પ્રેરાયા. તત્ત્વ સંબંધી પરસ્પર વિરોધી વાદોનું ખંડન-મંડન ઉપનિષદોમાં જોવા મળે છે. ત્રિપિટક અને ગણિપિટક જેવાં બૌદ્ધ ગ્રંથો તથા કેટલાંક જૈન આગમોમાં પણ અન્ય મતનું ખંડન કરવાની પ્રવૃત્તિ થયેલી જણાય છે. એટલે માની શકાય કે વાદવિવાદનો ઇતિહાસ બહુ જૂનો છે અને તેનો ઉત્તરોત્તર વિસ્તાર થતો આવ્યો છે. દાર્શનિક વિવાદોના ઇતિહાસમાં શ્રી નાગાર્જુનથી માંડીને શ્રી ધર્મકીર્તિના સમય સુધીના કાળમાં દાર્શનિકોની વાદવિવાદ કરવાની પ્રવૃત્તિ તીવ્રતમ બની હતી. શ્રી નાગાર્જુન, શ્રી વસુબંધુ, શ્રી દિગ્નાગ જેવા બૌદ્ધ આચાર્યોના તાર્કિક પ્રહારોનો મારો બધાં દર્શનો ઉપર સતત થતો હતો અને તેના પ્રતિકારરૂપે અન્ય ભારતીય દર્શનોમાં પુનર્વિચારની ધારા પ્રવાહિત થઈ હતી. ન્યાય દર્શનના શ્રી વાસ્યાયન અને શ્રી ઉદ્યોતકર, વૈશેષિક દર્શનના શ્રી પ્રશસ્તપદ, મીમાંસક દર્શનના શ્રી શબર અને શ્રી કુમારિલ જેવા પ્રૌઢ વિદ્વાનોએ પોતાનાં દર્શનો ઉપર થતા પ્રહારોનો પ્રત્યુત્તર આપ્યો હતો, એટલું જ નહીં પણ તે માટે સ્વદર્શનને નવપ્રકાશ આપીને સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ દાર્શનિક વિવાદમાં જૈન દર્શનના પાર્કિકો પણ પડ્યા હતા અને તેમણે પણ પોતાનાં આગમગ્રંથોના આધારે જૈન દર્શનને તર્કપુર:સર સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ (વિક્રમની પહેલી કે ચોથી શતાબ્દીમાં) ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર રચવાની પ્રેરણા એ વિવાદમાંથી લીધી હશે, પરંતુ અન્ય દર્શનનું ખંડન ન કરતાં તેમણે તો માત્ર જૈન દર્શનનાં તત્ત્વોને સૂત્રાત્મક શૈલીમાં મૂકી આપ્યાં. તેમના પછી થયેલા આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી, આચાર્યશ્રી અકલંકદેવ, આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી, શ્રી વિદ્યાનંદજી આદિએ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' ઉપરની પોતપોતાની ટીકાઓમાં ખંડન-મંડનની તર્કશૈલીથી તે વિષયનું નિરૂપણ કર્યું છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૦ (પત્રાંક-૭૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy