________________
ગાથા-૬૭
૩૬૫
જીવ જે કંઈ પણ કરે, તેનો સંસ્કાર તેના આત્મામાં પડે છે. જીવની દરેકે દરેક વૃત્તિનો તથા પ્રવૃત્તિનો સંસ્કાર તેના આત્મામાં પડે છે. એક વખત જીવ એક કામ કરે, પછી તેના પડેલા સંસ્કારની પ્રેરણાથી તે ફરીથી એ કામ કરે છે. જે સંસ્કાર પડી જાય છે એ સંસ્કારના બળથી, બીજી વાર એવા સંજોગ ઊભા થતાં જ તેવું કામ કરવાની તેને પ્રેરણા મળે છે અને તે એ કાર્ય કરે છે. પછી એ તેની આદત બની જાય છે અને તે એ કાર્ય ફરી ફરી કર્યા કરે છે.
જેના ગાઢ સંસ્કાર હોય તે કાર્ય કરવું જીવને સહેલું પડે છે. પાણીની જેમ જીવની વૃત્તિ ન્યૂનતમ સંઘર્ષ(least resistance)ના માર્ગ ઉપર વહે છે. ઘરની પરસાળમાં એક લોટો પાણી ઢોળવામાં આવે તો ધૂળમાંથી ધીરે ધીરે વહીને પાણી સુકાઈ જાય છે. પાણી ઊડી જાય છે, પણ એક સૂકી રેખા પરસાળ ઉપર રહી જાય છે. જો કે ત્યાં પાણી રહ્યું નથી, તેથી તેને પાણીની રેખા ન કહી શકાય; પણ એ નિશાન બતાવે છે કે અહીંથી પાણી વહ્યું હતું. હવે જો ત્યાં ફરીથી પાણી ઢોળવામાં આવે તો એ સૂકી રેખાને પકડીને જ પાણી વહેશે, કારણ કે એમાં અલ્પતમ સંઘર્ષ છે. સૂકી રેખા ઉપર ધૂળના કણો ઓછા છે, જ્યારે પરસાળના બીજા ભાગમાં ધૂળ વધુ છે. સરળતાથી વહી શકાય એવી સૂકી રેખામાં સગવડ છે, તેથી ફરી પાણી ઢોળવામાં આવે તો તે ત્યાંથી વહેશે.
જીવે જે પણ કર્યું હોય તે બધું તેના અંતરપટ ઉપર સૂકી રેખાઓ (છાપ) છોડી જાય છે. આ સૂકી રેખાઓને જ સંસ્કાર કહે છે. જરા પણ તક મળતાં મન ત્યાંથી વહેવાનું શરૂ કરી દે છે. નિમિત્ત મળતાં એ ભાવોમાં સરી જવું બહુ સહેલું પડે છે. જીવ આજે ક્રોધ કરે છે, સાંજે બધું પતી પણ જાય છે; પરંતુ આવતી કાલે સવારે તે ક્રોધની સૂકી રેખાઓ સાથે ઊઠશે. હવે ક્રોધ નથી, માત્ર તેની સૂકી રેખા છે, છતાં જરાક પણ કારણ મળશે તો ક્રોધ કરવાનું તેના માટે સરળ થઈ પડશે. તે ત્વરાથી એ સૂકી રેખા ઉપર વહેવા તત્પર થઈ જશે.
પૂર્વજન્મમાં સેવેલો અભ્યાસ, જીવ બીજા જન્મમાં સંસ્કારરૂપે લઈ જાય છે. તેના ઉપરથી એમ ફલિત થાય છે કે જીવનાં શરીર બદલાતાં જાય છે, પણ જીવનો પોતાનો નાશ થતો નથી. શરીરો જુદાં જુદાં પ્રાપ્ત થવા છતાં પણ આત્મા જુદો જુદો હોતો નથી. જન્મ-જન્માંતરમાં એક જ આત્મા સંચરે છે. સંસ્કારને ગ્રહણ કરનાર આત્મા નિત્ય જ છે. જો સંસ્કાર અહણ કરનાર નિત્ય આત્મપદાર્થ ન હોય તો આ સર્વ કઈ રીતે સંગત થાય? આત્મા અનિત્ય હોય તો તેનામાં પૂર્વભવના સંસ્કાર ન હોય અને તેથી ક્રોધાદિ ભાવોની તરતમતા પણ ન હોય. પરંતુ ક્રોધાદિ ભાવોની તરતમતા તો પ્રત્યક્ષ દેખાય છે, જે પૂર્વસંસ્કાર સૂચવે છે અને તેના આધારે આત્માની નિયતા સાબિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org