________________
ગાથા-૬૬
૩૫૫
બગડતો પણ નથી. તેનો આદિ નથી, માટે અંત પણ નથી. આત્માનો જન્મ નથી, તેથી મૃત્યુ પણ નથી. આમ, આત્મા નિત્ય, શાશ્વત, અનાદિ, અનંત, અજર અને અમર છે.
આ પ્રમાણે જેની ઉત્પત્તિ થાય તેનો નાશ થાય એવો નિયમ હોવાથી શરીર વિનાશવાળું છે, કારણ કે તે ઉત્પન્ન થાય છે; પરંતુ આત્મા વિનાશવાળો નથી, કારણ કે તે અનુત્પન્ન છે. શરીર પંચ ભૂતનું બનેલું છે. તે સંયોગથી ઉત્પન્ન થયેલું હોવાથી અવશ્ય નાશ પામે છે. શરીર ઉત્પન્ન થાય છે, તેથી તેનો નાશ થાય છે; પણ આત્માની ઉત્પત્તિ થતી ન હોવાથી તેનો નાશ પણ થતો નથી. જેની ઉત્પત્તિ કોઈ પણ દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ કઈ રીતે થઈ શકે? જે જે વસ્તુઓ સંયોગથી બને તે સર્વ નાશવંત હોય છે, પણ જેની કોઈ પણ સંયોગોથી ઉત્પત્તિ થઈ ન હોય તેનો નાશ પણ ન થઈ શકે. તેનું કોઈ દ્રવ્યમાં રૂપાંતર પણ ન થઈ શકે. જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થતી નથી, તેનો લય પણ કોઈને વિષે સંભવતો નથી. આત્માના નિત્યત્વ વિષે શ્રીમદ્ છ પદના પત્રમાં લખે છે –
‘ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં.”
અહીં શ્રીમદ્ જણાવે છે કે ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો અમુક સમયે, અમુક વ્યક્તિ દ્વારા, અમુક પદાર્થોના સંયોજનથી બને છે. ઘડો માટી, પાણી વગેરેના સંયોગથી બનેલો છે. કપડું રૂના તાણાવાણાથી બને છે. રૂને વણવામાં આવે છે ત્યારે એ કપડું બને છે, એટલે કપડું સંયોગથી બનેલું છે. ઘટ, પટ આદિ જડ પદાર્થો સંયોગથી ઉત્પન્ન થાય છે, પણ આત્મા તો અસંયોગી છે. આત્માને કોઈ વ્યક્તિ અમુક પદાર્થોના સંયોજન દ્વારા બનાવી શક્યું હોય એમ જોવા-જાણવા મળ્યું નથી, એટલે કે આત્મા સંયોગી પદાર્થ નથી પણ સ્વાભાવિક પદાર્થ છે. આત્મા સંયોજનથી, મિશ્રણથી બનેલું દ્રવ્ય ન હોવાથી સ્વાભાવિક દ્રવ્ય છે, અનુત્પન્ન છે.
આત્મા ત્રણે કાળે સંયોગોથી ઉત્પન્ન ન કરી શકાય એવો છે અને જે અસંયોગી હોય તે અવિનાશી જ હોય છે. કોઈ અન્ય વસ્તુના મિશ્રણ વગેરેથી ન બનેલો એવો આત્મા કેવી રીતે નાશ પામે? આત્મા કદાપિ નાશ પામી શકતો નથી. ઘટ, પટ આદિ પદાર્થો નાશવંત છે, પરંતુ આત્મા નાશવંત નથી. ઘટ, પટ આદિ જડ પદાર્થો પુદ્ગલપરમાણુઓના સંયોગથી, તેના એકત્રિત થવાથી બને છે. તે પરમાણુઓ છૂટાં પડે ત્યારે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org