________________
ગાથા-૬૨
૩૧૩ ઉત્પત્તિ-લયનો કોઈ જ્ઞાતા નથી’ એ તથ્ય જ દર્શાવે છે કે વાસ્તવમાં ચેતનનાં ઉત્પત્તિલય છે જ નહીં. તેથી આત્મા નિત્ય છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે –
“ચેતનનાં ઉત્પત્તિ ને નાશ ચેતન પોતે જાણી ન શકે. કોઈ બીજો જે આગળ પાછળ હયાત હોય તે જાણે. તેમાં જડ તો જાણતું નથી. તો અત્યારે જે એમ માને છે કે જન્મ પહેલાં આત્મા ન હતો ને મરણ પછી નહીં હશે તે અનુભવપૂર્વક નથી, પણ અજ્ઞાનયુક્ત કલ્પનાથી મનાય છે. આત્મા અરૂપી જ્ઞાનસ્વરૂપ અખંડ છે. જન્મમરણ દેહના સંયોગ વિયોગથી છે.”
આમ, શિષ્ય આત્માનાં ઉત્પત્તિ-લય જેમાં માને છે એવા દેહનું યથાર્થ સ્વરૂપ શ્રીગુરુ પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં બતાવતાં કહે છે કે દેહ સંયોગ છે, જડ છે, રૂપી છે, દશ્ય છે. આવા દેહમાં તેનાથી જુદા સ્વભાવવાળા આત્માનાં ઉત્પત્તિ-લય ઘટી ન શકે એમ ગર્ભિતપણે નિર્દેશ કર્યા પછી બીજી પંક્તિમાં શ્રીગુરુ શિષ્યને સીધો પ્રશ્ન કરે છે કે આત્મા દેહમાંથી ઉત્પન્ન થાય છે અને દેહમાં જ લય પામે છે એવો અનુભવ કોને થયો? એ કોણે જાણ્યું? આ પ્રશ્ન દ્વારા શ્રીગુરુ શિષ્યને વિચારણા કરવા માટે પ્રેરણા કરે છે કે જેથી પોતાની દલીલ અનુભવસિદ્ધ નથી પણ કલ્પનામાત્ર છે એ તેને સ્વયં સમજાય અને આત્માની અનિત્યતા સાબિત કરવા પોતે આપેલ તર્ક અયોગ્ય છે એ શિષ્યને પોતાની મેળે જ જણાય અને આત્માની નિત્યતા પ્રતીત થાય. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘દેહ માત્ર સંયોગ છે, પદાર્થ અન્ય સ્વરૂપ; જેમ વસ્ત્ર ધારણ કરે, નિત્ય નવા નવા રૂપ. વિયોગ જેનો થાય છે, વળી જડ રૂપી દશ્ય; ગંધ રસે કરી યુક્ત છે, વિવિધ ગુણો છે સ્પર્શ. જેને ન મળે લાગણી, સમજે નહિ કંઈ રીત; ચેતનનાં ઉત્પત્તિ લય, જાણે ન હિતાહિત. એવા જડરૂપ દેહને, જાણે જેહ પ્રત્યક્ષ; પણ તેનાં ઉત્પત્તિલય, કોના અનુભવ વશ્ય?' ૨
૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ', પૃ.૬૩ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૯ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૪૫-૨૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org