________________
ગાથા-૬૧
૨૯૯
ક્ષણ એટલે કાલનો અત્યંત સૂક્ષ્મ ભાગ. તેમાં જેને ઉત્પત્તિ (સ્થિતિ) છે એવી ક્ષણમાત્ર સ્થિતિવાળી વસ્તુ “ક્ષણિક' કહેવાય છે.'
બૌદ્ધમત પ્રમાણે આત્મા એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહમાત્ર છે. આત્મા કેવળ એક સંતાનપ્રવાહ છે. આ મત ઉપર વિચારણા કરતાં શિષ્યને એમ લાગે છે કે આત્મા ક્ષણિક છે. આત્માનું અસ્તિત્વ એક ક્ષણ પૂરતું જ છે. તેનું ત્રિકાળી અસ્તિત્વ નથી. તે વર્તમાન ક્ષણમાં છે, પણ ભૂતકાળની ક્ષણમાં હતો નહીં અને ભવિષ્ય કાળમાં હશે નહીં. આત્મા એક ક્ષણ પૂરતો જ રહે છે. એક ક્ષણ પછી તે અસ્તિત્વ ધરાવતો નથી. તેનો અભાવ થઈ જાય છે. આત્મા ક્ષણે ક્ષણે નષ્ટ થાય છે.
શિષ્ય જાણે છે કે આત્મામાં શુભાશુભ ભાવોનું રૂપાંતર થયા કરે છે. તે ક્ષણે ક્ષણે પલટાતાં અનુભવાય છે. ક્રોધાદિ ભાવોને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતાં અને નાશ થતાં પોતે અનુભવે છે, તેથી આત્માના નિત્યત્વ વિષે તેને સંદેહ ઉત્પન્ન થાય છે. તેને લાગે છે કે આત્મા નિત્ય નથી, અર્થાત્ આત્મા અનિત્ય છે, અશાશ્વત છે.
આ પ્રમાણે પદાર્થના સ્વરૂપ સંબંધી વિચાર કરતાં શિષ્યને વસ્તુમાત્રનો ક્ષણિક સ્વભાવ સમજાય છે અને તેથી આત્માના નિત્યત્વ વિષે તેને સંશય ઉત્પન્ન થાય છે અને તેના નિવારણ અર્થે તે શ્રીગુરુ પાસે પોતાની દલીલ રજૂ કરે છે. બૌદ્ધમતના પ્રભાવથી શિષ્ય આત્માને સર્વથા અનિત્ય માને છે. જો કે વાસ્તવમાં આત્મતત્ત્વમાં એક પડખું નિત્ય અને બીજું પડખું અનિત્ય છે. પરંતુ અહીં શંકા કરનાર શિષ્ય આત્માને એકાંતે અનિત્ય માને છે, કારણ કે તેના નિત્ય પડખા પ્રત્યે તેનું ધ્યાન ગયું નથી. શ્રીગુરુ તેની આ શંકાનું સમાધાન દષ્ટાંત સહિત ગાથા ૬૮ થી ૭૦માં કરશે.
ગાથા ૬૦ અને ૬૧ એ બે ગાથાનો સાર એ છે કે કિંચિત્કાળસ્થાયી (અમુક જ કાળ રહેવાવાળું) અનિત્યતા અને ક્ષણિક અનિત્યતા એમ બે પ્રકારની અનિત્યતા માનવામાં આવે છે. શરીરના સંયોગ-વિયોગ પ્રમાણે ઉત્પાદ અને વિનાશ પામનારો આત્મા કિંચિત્કાળસ્થાયી અનિત્ય છે અથવા ક્ષણે ક્ષણે પલટાતા પદાર્થોની જેમ આત્મા ક્ષણિક અનિત્ય છે. કોઈ પણ અનુભવથી આત્મા ત્રિકાળી ભાસતો નથી. આમ, મર્યાદિત કાળવતપણાએ આત્મા અનિત્ય છે અથવા ક્ષણિકપણાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, એવી ચાર્વાક અને બૌદ્ધમતના પ્રભાવથી થયેલી આત્માના નિત્યપણા વિષેની પોતાની શંકા શિષ્ય શ્રીગુરુ પાસે રજૂ કરી, શ્રીગુરુ પાસેથી તેનું સંતોષકારક સમાધાન ઇચ્છે છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org