________________
૧૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ થઈ શકે છે. જડને હું સુખી છું', “દુઃખી છું' એવી પ્રતીતિ થઈ શકતી નથી. જડ પદાર્થને સુખ-દુખની અનુભૂતિ થતી નથી. મૃત દેહને સુખ-દુઃખ થતાં નથી. માણસ મરી જાય પછી શરીરમાં આ ગુણો દેખાતા નથી, તેથી જે સુખ-દુઃખ થાય છે તે આત્માને જ પ્રસિદ્ધ કરે છે. શરીરમાં આત્મા ભલે નથી દેખાતો, પણ સુખ-દુઃખના અનુભવથી આત્મા છે. એ સિદ્ધ થાય છે.
પ્રેમ, સ્નેહ આદિ કોણ કરે છે? પ્રેમ શરીર કરે છે કે આત્મા? શું મડદું કોઈને પ્રેમ કરી શકે છે? કોઈ મૃત શરીર ક્યારે પણ કોઈને પ્રેમ કરે છે? મડદું કોઈને પ્રેમ, સ્નેહ વગેરે કંઈ જ નથી કરતું, એટલે તેના ઉપરથી નક્કી થઈ જાય છે કે પ્રેમ, લાગણી વગેરે શરીરના ધર્મો નથી પરંતુ આત્માના ધર્મો છે, આત્માના જ ગુણો છે. રાગ કરે તોપણ તે આત્મા કરે છે અને દ્વેષ કરે તો તે પણ આત્મા જ કરે છે. રાગ-દ્વેષ કરનાર આત્મા જ છે. આત્મા ન હોય તો પ્રેમ આદિ કંઈ રહે જ નહીં. આત્મા છે તો પ્રેમાદિ બધું છે. જીવમાં જણાતાં સ્નેહ, ઈર્ષ્યા વગેરે દ્વારા આત્મા છે તે નક્કી થાય છે.
આમ, અરૂપી, અમૂર્ત એવો આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોવા છતાં તેનાં કાર્ય ઉપરથી તેની ઓળખાણ થઈ શકે છે. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી, માટે તેનું અસ્તિત્વ નથી એમ કહી શકાય નહીં, કેમ કે આત્માનું સ્વરૂપ ઇન્દ્રિયપ્રત્યક્ષ નહીં હોવા છતાં જીવ માત્ર જે ક્રિયાઓ કરતો જોવા મળે છે તેના ઉપરથી આત્માને માની શકાય છે. જીવ જે ક્રિયાઓ કરતો જોવા મળે છે તે ક્રિયાઓનો કોઈ કર્તા હોવો ઘટે છે, કારણ કે કર્તા વિના ક્રિયા થતી નથી. એ કર્તા તે આત્મા છે.
આત્મા વિનાનું મૃતક કોઈ પણ ક્રિયા કરી શકતું નથી, તેથી ક્રિયાઓનો પ્રેરક એકમાત્ર આત્મા જ છે. આત્મા જ ઇષ્ટ તરફ પ્રવૃત્તિ કરે છે અને અનિષ્ટથી નિવૃત્ત થવા પ્રયત્ન કરે છે. આત્મા દેખાતો ન હોવા છતાં તેની ઇષ્ટ-અનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉપરથી એમ નિશ્ચિત થઈ શકે છે કે તેના શરીરની અંદર કોઈ ચૈતન્યદ્રવ્ય અર્થાત્ આત્મદ્રવ્ય હોવું જ જોઈએ. આ રીતે આત્મા ઇન્દ્રિયોથી ન જણાય છતાં પણ અન્ય રીતોથી સિદ્ધ થતો હોવાથી તેનું અસ્તિત્વ સ્વીકારવા યોગ્ય છે. શરીરમાં આત્મા રહેલ છે એમ નિર્ણય કરવા યોગ્ય છે.
આમ, માત્ર ઇન્દ્રિયગમ્ય ન હોવાથી આત્માનું અસ્તિત્વ નથી એ તર્ક મિથ્યા છે. આત્માનું જ્ઞાન ઇન્દ્રિયોથી ન થઈ શકવા છતાં આત્માની ઓળખાણ થઈ શકે છે. આત્મા ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છતાં તેની સિદ્ધિ થઈ શકે છે. પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ શિષ્યના સંદેહને દૂર કરવા અર્થે અમૂર્ત એવા આત્મતત્ત્વનું અસ્તિત્વ તેના જ્ઞાન ગુણ દ્વારા સિદ્ધ કરે છે. શિષ્યની વિડંબના ટાળવા શ્રીગુરુ શિષ્યને આત્માની જ્ઞાનશક્તિ દ્વારા આત્મસ્વરૂપનો નિર્ણય કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org