________________
૧૩૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
અસ્તિત્વ નથી. જેવી રીતે ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે, તેવી જ રીતે જ્યાં ચૈતન્ય છે ત્યાં આત્માનું અસ્તિત્વ છે; માટે જ આત્માનું લક્ષણ ચૈતન્ય છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે.
સારાંશ એ છે કે જ્ઞાન એ ગુણ છે અને ગુણ હંમેશા કોઈ દ્રવ્યના આશ્રયે જ રહે છે. જ્ઞાન ગુણ હોવાથી તેને રહેવા માટે કોઈ આશ્રયદ્રવ્ય તો જોઈએ જ. તે દ્રવ્ય કંઈ ઘટ, પટ આદિ પદાર્થો નથી, શરીર પણ નથી કે ઇન્દ્રિય પણ નથી; કારણ કે તે સર્વ તો જડ પુદ્ગલમય સ્પર્શાદિ ગુણવાળા છે, તેથી જ્ઞાન ગુણનું આશ્રયરૂપ દ્રવ્ય આ પુદ્ગલમય વસ્તુથી કોઈ જુદું દ્રવ્ય માનવું ઘટે છે. તે દ્રવ્યનું નામ આત્મા છે. આત્મા જ તે જ્ઞાનગુણધારક દ્રવ્ય છે. જ્ઞાન જો પુદ્ગલનો જ ગુણ હોય તો જેમ વર્ણ, ગંધ, રસ વગેરે પુદ્ગલના ધર્મો ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે છે, તેમ જ્ઞાન ગુણ પણ ઇન્દ્રિયોથી ગ્રહણ થવો જોઈએ, પણ તેમ થતું નથી; તેથી જ્ઞાન અમૂર્ત એવા આત્માનો ગુણ છે, પૌદ્ગલિક શરીરાદિનો ગુણ નથી. આત્મા સ્વયંજ્યોતિ, સ્વપરપ્રકાશક, ચૈતન્યઘન છે.
આમ, અરૂપી, અદશ્ય એવો આત્મા પ્રત્યક્ષ દૃષ્ટિગોચર નથી, પરંતુ અનુમાન વડે તેની સિદ્ધિ થાય છે. આત્મા અરૂપી હોવાથી ચક્ષુનો વિષય નથી, ચક્ષુથી જોઈ શકાય તેવો પદાર્થ નથી, તેનું કોઈ રૂપ જણાતું નથી. તે જ્ઞાનધારક પદાર્થ હોવાથી વર્ણાદિ ગુણયુક્ત પુદ્ગલને જાણે છે. તેથી જ શ્રીમદે કહ્યું
જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ'
આત્મા દૃષ્ટિનો દ્રષ્ટા હોવાથી દષ્ટિ તેને જોઈ શકતી નથી. આત્મા આંખ વડે
જોઈ શકાતો નથી, કારણ કે જોનાર આત્મા છે, આંખ નહીં. તે આંખ વડે જુએ છે. આત્મા ઇન્દ્રિયોથી પર છે અને ઇન્દ્રિયો દ્વારા પદાર્થોને જાણનાર છે, તેથી આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થઈ શકતો નથી. ઇન્દ્રિયો આત્માને જાણી શકતી નથી. આત્મા ઇન્દ્રિયો દ્વારા પકડમાં આવી શકતો નથી. અરૂપી એવો આત્મા દૃષ્ટિનો દ્રષ્ટા છે, રૂપને જાણનારો છે, સ્પર્શદિને અનુભવનારો છે, તો તે દૃષ્ટિથી કઈ રીતે દેખાય? એવા અરૂપી આત્માનું સ્વરૂપ ઇન્દ્રિય વડે કઈ રીતે જણાય? ઇન્દ્રિયોથી તે કેવી રીતે અનુભવાય? આંખ કે અન્ય કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આત્માને જાણી શકાતો નથી.
શરીર તો અચેતન છે, તેમાં જાણવાની શક્તિ નથી; પરંતુ જાણવાની શક્તિવાળો ચૈતન્યસ્વભાવી આત્મા શરીરના માધ્યમથી આંખ, કાન, નાક, જીભ અને ચામડી વડે બહારના પદાર્થો જાણે છે. કુહાડીથી કાષ્ઠ કપાય છે, પરંતુ એકલી કુહાડીથી જ કાષ્ઠ કપાતું નથી. તેને વાપરનાર-ચલાવનાર કોઈ માણસ હોય તો જ તે કાષ્ઠ કાપી શકે
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org