________________
૬૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનું સુખ જોઈતું હશે તેને સંસાર નહીં મળે અને જેને સંસાર રાખવો હશે તેને આત્માનું સુખ નહીં મળે, કેમ કે બન્નેની દિશા જ જુદી છે. આત્માર્થી જીવ જગતનાં પરાધીન, વિનાશી અને અસાર સુખની સ્પૃહા છોડી આત્માનાં અનંત સુખની પ્રાપ્તિના માર્ગનો આશ્રય રહે છે. તે આત્માના આનંદનો અનુભવ કરવા માટે આત્માની પરમ પ્રીતિ કરી, સંસારના અનંત વિષયોમાંથી વૃત્તિને સમેટી લઈ એક આત્મામાં જ કેન્દ્રિત કરે છે.
આમ, આત્માર્થીને ભવનો થાક લાગે છે. તેને વૈરાગ્ય જાગે છે કે “મેં આજ પર્યત અનંત ભવ કર્યા. વિષયસેવન મારું અનંત જન્મોનું લક્ષ હતું અને એ લક્ષથી જ મારું જીવન વીતાવ્યું. ખૂબ મોજશોખ કર્યા, વિષયો સેવ્યા અને એને જ જીવનનો આનંદ માન્યો, પરંતુ વાસ્તવમાં હું તો ભિખારીનો ભિખારી જ રહ્યો. મારા અનંત ભવો મેં વિષયભોગોનાં સેવનમાં બગાડ્યા. હવે મારે આ વર્તમાન ભવ તેમાં બગાડવો નથી. આ જન્મ હવે પૂર્વના અનંત જન્મોની જેમ વ્યર્થ ગુમાવવો નથી. હું મારી જાતને બરબાદીથી બચાવી, આ ભવને આત્મકલ્યાણમાં ગાળું તો મારા અનંત ભવોનું સાટું વળી જશે.' (૪) “પ્રાણીદયા'
પોતાના કે પરાયા એવા પક્ષપાત વિના જગતના જીવોનાં વિવિધ પ્રકારનાં દુ:ખો જોઈને હૃદય દ્રવી ઊઠતાં, તે દુઃખ દૂર કરવાની ઇચ્છા થવી તે “પ્રાણીદયા'રૂપ આત્માર્થીનું ચોથું લક્ષણ છે.
આધિ, વ્યાધિ, ઉપાધિથી જે જીવો દુઃખી હોય, સંતપ્ત હોય, આકુળ-વ્યાકુળ હોય તેઓ પ્રત્યે આત્માર્થીને દયા - અનુકંપા હોય છે. તે દુઃખથી તે જીવોને જેવો કંપ થતો હોય તેવો કે તેને અનુસરતો કંપ પોતાના આત્મા વિષે થાય તેનું નામ અનુકંપા છે. તે દુ:ખ જાણે પોતાનું જ હોય એવી ભાવના ઊપજે તે અનુકંપા છે. જેમ શરીરના એક અંગમાં વેદના થતાં બીજાં અંગોમાં પણ વેદના ઊઠે છે, તેમ બીજાના દુ:ખે પોતે દુઃખી થવું તે અનુકંપા છે. પોતાનું દુઃખ દૂર કરવા માટે જેમ પોતે સદા તત્પર હોય છે, તેમ અન્ય જીવોનું દુઃખ દૂર કરવા પણ સદા તત્પર રહેવું તે જ ખરી અનુકંપા અથવા દયા છે. જીવનની મૂળભૂત આવશ્યકતાઓ અને સુખ-સગવડની સામગ્રી જેમને પ્રાપ્ત છે, પણ જેઓ ધર્મહીન છે - સાચી દૃષ્ટિથી વંચિત છે - તેમના પ્રત્યે કરુણાથી અંતર દ્રવી ઊઠે અને તેમને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય એવી સંભાવનાપૂર્વક, યથાશક્તિયથામતિ એ દિશામાં સાચા દિલનો જે પ્રયાસ કરવામાં આવે તે ભાવ અનુકંપા અને જીવનની મૂળભૂત જરૂરિયાતના અભાવે ટળવળતા આત્માઓને જોઈ અંતરમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટે અને તેમની આવશ્યકતાની પૂર્તિ કરવાના યથાશક્તિ પ્રયત્ન તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org