________________
ગાથા-૩૬
૬૫૧
આરાધનામાં સ્થાન આપતો નથી. તેને સ્વરૂપજાગૃતિ તથા આંતરિક પરિણમન વિનાનાં બાહ્ય શુભ અનુષ્ઠાનો કે શાસ્ત્રવાંચનનું કોઈ મૂલ્ય હોતું નથી. સર્વ વ્યવહારનો લક્ષ સ્વરૂપસન્મુખતા સાધવાનો છે. ભક્તિ, વાંચન, જપ, તપ, ધ્યાન વગેરે કરવાનું પ્રયોજન એ જ છે કે દેહમાંથી હુંપણું અને જગતના પદાર્થોમાંથી મમપણે નિવૃત્ત કરવું. જે ક્રિયાઓ એ પ્રયોજન ન સાધી શકે તેની કોઈ ઉપયોગિતા ન હોવાથી તેવા વ્યવહારને તે સમ્મત કરતો નથી.
શુભ ક્રિયાઓનું પારમાર્થિક સ્વરૂપ સમજ્યા વિના, તે અંગેની જાગૃતિ રાખ્યા વગર, માત્ર બાહ્ય ભાવે બાહ્ય ક્રિયા કરવામાં આવે તો તેથી ધર્મની નિષ્પત્તિ થતી નથી. જે જીવ બાહ્ય ક્રિયા કરીને પણ પરમાર્થ સાધવાનો પુરુષાર્થ કરતો ન હોય તેને ખરાં સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, તપ વગેરે હોતાં નથી. પરમાર્થલક્ષ વિનાની તેની ક્રિયાઓ સંવર-નિર્જરાનું કાર્ય કરતી નથી, અર્થાત્ મોક્ષનું કારણ બનતી નથી. ઇન્દ્રિયોના વિષયો છોડવામાં આવે, અનશનાદિ કરવામાં આવે, સંયમ પાળવામાં આવે, પણ આત્મલક્ષ વિના તે સર્વ પરમાર્થે સાર્થક થતાં નથી. અનેક પ્રકારનાં વ્રતો, રાત્રિભોજનત્યાગ, એકાસણાં-ઉપવાસ વગેરે સમગ્ર જીવનભર કરવામાં આવે, પણ જો પરમાર્થલક્ષ ન હોય તો એ સર્વનું પ્રયોજન શું રહ્યું? પરમાર્થસન્મુખ પરિણામ ન હોય તો તે સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. જીવ પરમાર્થ ઉપર દૃષ્ટિ કરી તેની સન્મુખ થાય તો કાર્ય સિદ્ધ થાય છે. જે જીવ પરમાર્થને પીઠ કરે છે, તે જીવ સંસારની ચાર ગતિમાં રખડીને દુઃખી થાય છે અને જે જીવ પરમાર્થની સન્મુખ થાય છે, તે જીવ મોક્ષને પામી
ન્યાલ થઈ જાય છે. માટે જીવે શુભ ક્રિયાઓના અવલંબન દ્વારા પોતાના ઉપયોગને નિર્મળ કરી, ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિનો યથાર્થ પુરુષાર્થ કરવો ઘટે છે.
આમ, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવારૂપ લક્ષ્યની સિદ્ધિ અર્થે સુવિચારિત અને સુનિશ્ચિત એવા વિવિધ ઉપાયોને પોતાની ભૂમિકા મુજબ જીવનમાં યથાશક્તિ ઉતારવાનો પ્રયત્ન તે જ મોક્ષમાર્ગનો વ્યવહાર છે. તન-મનની ક્ષણિક અવસ્થાઓથી પર પોતાના ધ્રુવ, નિત્ય, શાશ્વત સ્વરૂપનું અનુસંધાન જેનાથી સધાતું હોય કે વધુ દઢ થતું હોય તેવી વૃત્તિ-પ્રવૃત્તિ એ મોક્ષમાર્ગનો વ્યવહાર છે. જે અનુષ્ઠાનથી કે વિચાર-વર્તનથી આત્મભાવનું પોષણ થતું હોય, જે પરમ અર્થને પ્રેરનાર હોય તે વ્યવહાર સમ્મત કરવા યોગ્ય છે. આના ઉપરથી ફલિત થાય છે કે પરમાર્થની પ્રાપ્તિ અમુક મત, પંથ કે સંપ્રદાય બતાવેલ ક્રિયાકાંડને વરેલી નથી. આત્માર્થી જીવને પોતાના મત-પંથના વ્યવહારનો આગ્રહ હોતો નથી, કારણ કે તેની તત્ત્વગ્રાહી બુદ્ધિમાં સ્પષ્ટ નિર્ણય થયો હોય છે કે જે વ્યવહાર પરમાર્થને પ્રેરે તે વ્યવહાર જ સાર્થક છે. તેનો લક્ષ તો ત્રણે કાળમાં અદ્વિતીય અને અખંડિત એવા પરમાર્થમાર્ગ પ્રત્યે જ હોય છે. આત્માર્થી જીવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org