________________
૩૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છેદી અનુભવભંડાર ખોલવા માટે ગુરુગમરૂપ ચાવી એ જ સર્વોપરી સાધન છે. સદ્ગુરુ સિવાય તે પરમાર્થરિપુઓથી બચાવનાર બીજું કોઈ નથી. સદ્ગુરુનું શરણ એ જ સાચું શરણ છે અને તેમનો આધાર એ જ સાચો આધાર છે, માટે અનન્ય પ્રેમે તેમને જ ઉપાસવા યોગ્ય છે. સદ્ગુરુના કલ્યાણકારી બોધના પ્રભાવે તેમની આજ્ઞામાં જીવની વૃત્તિ એકતાન થાય છે ત્યારે માનાદિ મહાશત્રુઓનો સંહાર શરૂ થાય છે. જીવ સદ્ગુરુની આજ્ઞાના અંકુશમાં રહે તો માનાદિથી બચે છે અને તેનાથી નિવર્તે છે. તેથી માનાદિ મહાશત્રુઓને હણવા માટે સદ્ગુરુની આત્માર્થપ્રેરક આજ્ઞા આરાધી સત્પુરુષાર્થ આદરવા યોગ્ય છે.
શત્રુને તો કોઈ મૂર્ખ કે મૂઢ મનુષ્ય પણ ક્ષણભર પાસે રાખવા ઇચ્છતો નથી, તો પછી જે જીવ આત્માર્થી છે તે તો પોતાના આત્માની પ્રગતિને રોધનારા એવા માનાદિ મહાશત્રુઓનો નાશ જ ઇચ્છે અને તેના નાશના ઉપાયને જ ચિંતવે એ તો સ્વાભાવિક છે. આત્માર્થી જીવને આત્મકલ્યાણની દાઝ હોય છે. તેને પોતાની વર્તમાન દશામાં બગાડ દેખાતો હોવાથી અસંતોષ હોય છે, તેથી પોતાની દશામાં સુધારો થાય એવી તેની વૃત્તિ હોય છે. તેનામાં એવી કોમળતા પ્રગટે છે કે તે માનાદિનાં પરિણામમાં મૂંઝાય છે અને તેનાથી છૂટવાનો યત્ન આદરે છે. મોક્ષનું ધ્યેય બંધાયું હોવાથી મારે હવે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, માનનો એક અંશ પણ મારા માટે કલંકરૂપ છે' એમ જાણીને, માનાદિથી નિવૃત્ત થવા માટે સદ્ગુરુનો બોધ ગ્રહણ કરી તેમની આજ્ઞાના આરાધનનો પુરુષાર્થ કરે છે. સઘળેથી આસક્તિ ઓછી કરી, આજ્ઞાના આરાધનમાં ઉલ્લાસ સહિત તે તન્મય બને છે. સદ્ગુરુની આજ્ઞા મળતાં સંસારરૂપી વન પાર કરવા ધોરી રસ્તો મળ્યા જેટલો આનંદ તેને થાય છે.
સદ્ગુરુ પ્રત્યેની તેની શ્રદ્ધાના કારણે માનાદિ અંતરંગ શત્રુઓ સામે લડવાનું વીર્ય સ્ફુરે છે. તે અંતરમાં નક્કી કરે છે કે “આત્માનું હિત સાધવા માટે મારા આ અવતારનો ઉપયોગ કરું. માનાદિમાં તો અનંત અવતાર વીતાવ્યા, પરંતુ મને કશે પણ શાંતિ ન મળી. અનાદિ કાળથી આ પ્રબળ માનાદિને પલ્લે પડવાથી અકલ્યાણ થયું છતાં પણ ક્ષણભર માટે હિતબુદ્ધિ ન સૂઝી. આજ પર્યંત હું તેને આધીન રહ્યો, હવે તેમ નહીં થવા દઉં. માનાદિને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવા તે જ મારું સર્વપ્રથમ અને સર્વપ્રધાન કર્તવ્ય છે. માનાદિ શત્રુઓએ હવે મારો દેશ છોડવો જ પડશે. તેની સામે યુદ્ધ કરવા તથા તેના પ્રહારથી બચવા માટે ગુરુચરણ જ એકમાત્ર શરણ છે, જે મને આ ભવમાં પ્રાપ્ત થયું છે અને તેમના દ્વારા મને બળ અને ઉત્સાહ પણ મળ્યાં છે, તો હવે હું આ આધ્યાત્મિક યુદ્ધથી ગભરાઈશ નહીં, પરંતુ માનાદિ શત્રુઓના વિનાશ માટે હિમ્મતપૂર્વક અને સાવધાનીપૂર્વક યુદ્ધ ખેડીશ. સદ્ગુરુના બોધ દ્વારા મને સમજણ મળી છે, ભવદુઃખથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org