________________
૩૬૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
પ્રત્યક્ષ સદ્ગુરુના આશ્રયે ચાલવાથી સહજમાત્રમાં તે દોષોથી મુક્ત થવાય છે. જેમ જંગલી હાથીને માથે અંકુશ ન હોવાથી કાબૂમાં લઈ શકાતો નથી, તેમ પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવામાં આવે તો માનાદિ શત્રુઓને કાબૂમાં લઈ શકાતા નથી. સદ્ગુરુના શરણમાં જતાં તેમણે કરાવેલા દૃષ્ટિ-ઉઘાડથી તે દોષો અલ્પ સમયમાં વિલય પામે છે. સદ્ગુરુના શરણમાં વિનમ્ર ભાવે રહેતાં, સર્વ દોષો મટવામાં અને આત્માના સર્વ ગુણો પ્રગટ થવામાં નડતરરૂપ દરેક અવરોધો દૂર થાય છે. જ્ઞાનીએ બતાવેલા માર્ગે આગળ વધવાથી આત્મ-ઉપાસનાનો માર્ગ સરળ અને નિષ્કંટક બની જાય છે. જ્ઞાની પ્રત્યે પરમ આદરભાવ જાગતાં મુમુક્ષુનો દર્શનમોહ મંદ થાય છે અને તેથી તેનામાં જ્ઞાનીનો બોધ ગ્રહણ કરવાની યોગ્યતા આવે છે. અગમ અગોચર એવો મોક્ષમાર્ગ પોતાની મેળે, જ્ઞાનીના આશ્રય વિના મળવો અશક્ય છે. જીવને દોષ કરતાં રોકનાર અને ટોકનાર સદ્ગુરુ હોય તો જ જીવ સન્માર્ગે ચડી તેમાં સ્થિર રહી શકે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા આત્મજ્ઞાની સદ્ગુરુના આશ્રયથી અને તેમના બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી માનાદિ મહાશત્રુઓ અલ્પ પુરુષાર્થે નાશ પામે છે.
1
વિશેષાર્થ
ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાય સંસારમાં પરિભ્રમણ કરાવનાર હોવાથી જીવના શત્રુ છે. તેમાં પણ જે કષાય અનંતાનુબંધીની જાતના છે તે મહાશત્રુ છે, કારણ કે તે અનંત સંસાર રખડાવનાર છે. અનંત ભવોનું પરિભ્રમણ એ જ અનંતાનુબંધી કષાયનો સ્વભાવ છે. અનંત સંસારનું કારણ હોવાથી મિથ્યાદર્શન અનંત કહેવાય છે તથા જે કષાય એના અનુબંધી છે તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. જે કષાયમાં તન્મયપણે, અપ્રશસ્ત ભાવે, તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધી કષાયનો સંભવ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે, તેના બતાવનાર પ્રત્યે અને માર્ગપ્રાપ્તિને યોગ્ય વિધિ-નિષેધાત્મક સશિક્ષા પ્રત્યે અનાદર એ અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે; તેમણે બતાવેલા માર્ગે અને તેમની દોરવણી પ્રમાણે ન વર્તવું અને પોતાના મતનો આગ્રહ રાખવો તે અનંતાનુબંધી માન છે; પોતાના દોષોને છુપાવવાની વૃત્તિ તે અનંતાનુબંધી માયા છે; સંસારી વસ્તુઓ અને પ્રસંગોમાં તીવ્ર આસક્તિ તે અનંતાનુબંધી લોભ છે. આમ, સદેવ-સદ્ગુરુ-સદ્ધર્મ પ્રત્યે વિમુખભાવ હોય તથા ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ હોય, તેને કોઈ પણ પ્રસંગે અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ એક કષાયનો ઉદય થવો સંભવે છે અને જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી તે જીવ અવશ્ય પરમાર્થમાર્ગે હોય નહીં.
૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ટીકા, સર્વાર્થસિદ્ધિ’, અધ્યાય ૮, સૂત્ર ૯ની ટીકા ‘अनन्तसंसारकारणत्वान्मिथ्यादर्शनमनन्तम् । तदनुबन्धिनोऽनन्तानुबन्धिनः क्रोधमानमायालोभाः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org