________________
૧૯૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
દૃઢ વૈરાગ્યરંગ ન લાગે ત્યાં સુધી કાર્યસિદ્ધિ થવી શક્ય નથી, માટે જ શ્રીમદે અત્રે ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં' એ ચરણમાં ‘ચિત્ત' શબ્દ ઉપર ખાસ ભાર આપ્યો છે. ત્યાગ-વૈરાગ્યનો સાચો રંગ જ્યાં સુધી ચિત્તમાં ન લાગ્યો હોય ત્યાં સુધી જીવમાં આત્મજ્ઞાન પામવાની યોગ્યતા પણ આવતી નથી. ત્યાગ-વૈરાગ્યવાસિત જીવને સદ્ગુરુનો બોધ થતાં આત્મજ્ઞાનાદિ કલ્યાણપરંપરા પ્રાપ્ત થાય છે, કારણ ત્યાગ-વૈરાગ્યભાવોથી
તેની ચિત્તભૂમિ કોમળ થઈ હોવાથી તેમાં બોધ ઊગી નીકળે છે. આમ, આત્મસાધનામાં બાધક નિમિત્તોને છોડવારૂપ ત્યાગ તથા સંસાર પ્રત્યેની આસક્તિ ઘટવારૂપ વૈરાગ્ય અથવા ગ્રહણ થયેલાં હોય તેને છોડવારૂપ ત્યાગ અને નવીન ગ્રહણના અટકવારૂપ વૈરાગ્ય જેના અંતરમાં પ્રગટ્યાં નથી તેને આત્મજ્ઞાન ન થાય. તેનું જ્ઞાન વાચાજ્ઞાન છે; ઠાંસેલું, ગોખેલું, અનુભવ વિનાનું શુષ્ક જ્ઞાન છે.
કદાપિ કોઈ જીવ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં કારણભૂત એવાં ત્યાગ-વૈરાગ્યાદિ કરતો હોય, પરંતુ જો તે સાધનોમાં જ તે અટકી જાય, તેમાં જ ઇતિકર્તવ્યતા માની તે સાધનોને જ સાધ્ય માનવાની ભૂલ કરી બેસે, તો ત્યાગ-વૈરાગ્યાદિ કરવા છતાં પણ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રહે છે. ત્યાગ, તપ, સંયમ, પૂજા, ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ આદિ બધી ક્રિયાઓ નિજભાન જગાડીને સ્વમાં સ્થિર થવા માટેની કેડીઓ છે. આ સાધનો વડે ક્યાંક આગળ પહોંચવાનું છે એ ભૂલીને તેમાં જ અટકી જતાં, અર્થાત્ તેમાં જ અટવાઈ જતાં આત્માર્થ ચૂકી જવાય છે. જીવ જો સાધનનું સાધ્ય
આત્મજ્ઞાન, તેને જ ચૂકી જાય અને સાધનને જ સાધ્ય માની, તે સાધનમાં જ રમ્યા કરે તો ઇષ્ટ લક્ષ્ય ભણી વધી ન શકવાથી તે જીવ આત્મજ્ઞાન પામી શકતો નથી. જડક્રિયાપ્રધાન જીવને ક્રિયામાં રહેતી ઊણપ અને સ્કૂલના ખૂંચે છે, પરંતુ વર્ષોથી દીક્ષાપર્યાય હોવા છતાં, વર્ષોથી તપસ્યા કરવા છતાં, વર્ષોથી પૂજા-ભક્તિ આદિ કરવા છતાં સ્વરૂપપ્રાપ્તિ ન કરી શક્યાનો રંજ પણ તેને થતો નથી. આમ, ત્યાગ-વૈરાગ્યાદિ ક્રિયા ઉપયોગશૂન્યપણે થતી હોવાથી તેનાથી કાર્યસિદ્ધિ થતી નથી અને આત્મલક્ષ ચુકાઈ જવાના કારણે ક્વચિત્ તો ત્યાગ-વૈરાગ્યાદિ ક્રિયાનો આગ્રહ કે અભિમાન થઈ જવાથી જીવનું અપાર નુકસાન થાય છે. આ પ્રમાણે આ ગાથામાં શ્રીમદે ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્ને પ્રકારના જીવોને ઉપદેશ કર્યો છે.
વિશેષાર્થ
ભ્રાંતિમાં ભૂલેલો જીવ અનાદિ કાળથી સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડીને દુઃખ વેઠી રહ્યો છે. વિષયોમાં સુખ નથી, પણ સુખ આત્મામાં જ છે તેવી સમજણના અભાવે તે વિષયોમાં ઝંપલાવી રહ્યો છે. પરમાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ ન હોવાના કારણે તે તરફ ગતિ કરવાનું તેને સૂઝતું નથી. બહિર્મુખ વલણથી તે વિષયતૃષ્ણાની આગમાં બળી રહ્યો છે. આ વિષયતૃષ્ણારૂપી અગ્નિ તો સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org