________________
૧પ૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
ક્રિયાને જ મહત્ત્વ આપીને, તેમાં જ મમત્વ કરીને અનેક ધર્મપ્રવૃત્તિઓ આદરે છે. આવા ક્રિયાજડવાદીઓ ઉપર પ્રહાર કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે –
બાહિર-ચતના બાપડા, કરતાં દૂહવાએ;
અંતર-યતના જ્ઞાનની, નવિ તેણે થાએ. અહીં જણાવ્યા મુજબ જે જીવો કેવળ બાહ્ય યોગક્રિયામાં જયણા રાખે છે, અર્થાત્ અહિંસાનો આગ્રહ રાખે છે, તેમણે ખરેખર તો સામાયિકભાવમાં રહીને ભાવદયા વડે આત્માને વિશુદ્ધ કરવો જોઈએ. એમ ન કરતાં તેઓ બાહ્ય ક્રિયાના વિધિ-નિષેધના આગ્રહમાં પડી, રાગ-દ્વેષ વધારી વધુ ને વધુ સંક્લેશકારી બને છે. વિવેકથી વિમુખ રહેલા આવા પામર જીવોને પગતળે લીલોતરી ચગદાવાના દોષ માટે જેટલી અરેરાટી થાય છે, તેના હજારમા ભાગ જેટલું પણ દુઃખ જૂઠું બોલતાં, કપટ કરતાં, ક્લેશ કરતાં કે વેર-વિરોધ વધારતાં થતું નથી; એ જ અજ્ઞાનતા છે, એ જ ક્રિયાજડત્વ છે. આનો અર્થ એમ નથી કે લીલોતરી કે કીડી-મંકોડા ચગદી નાખવામાં દોષ નથી. તેમાં પણ દોષ તો છે જ, પણ તેના કરતાં અનેકગણો દોષ કષાયસેવનમાં છે તે લક્ષમાં રાખીને, તેવા આત્મઘાતી દોષોનો અવશ્ય ત્યાગ કરવો એ જ સાચી યત્ના છે. “આઠમ-ચૌદશના દિવસે લીલોતરી ન ખવાય એટલી જ વાતમાં ધર્મનું મહત્ત્વ કે ઇતિસમાપ્તિ સમજીને આઠમ-ચૌદશ જેવા પવિત્ર દિવસે જૂઠું બોલતાં, બીજાને છેતરતાં, ક્લેશ કરતાં, વેરવિક્ષેપ વધારતાં અચકાતા ન હોય, અંતરમાં અરેરાટી ન લાવતા હોય તે જીવો માત્ર આઠમ-ચૌદશના રોજ લીલોતરી છોડવાથી ધર્મી બનતા નથી. તેથી અહીં કહ્યું છે કે જે જીવો બાહ્ય યત્ના કરતાં દુભાય છે, પરંતુ જ્ઞાનની અંતરયત્નો કરી શક્તા નથી તેઓ અજ્ઞાની છે.
ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા, અહંપુષ્ટિ, સ્વર્ગપ્રલોભન, નરકભય ઇત્યાદિ ઘણાં કારણોથી જીવો માત્ર બાહ્ય ભાવે જ બાહ્ય ક્રિયાઓમાં રાચે છે. સ્વરૂપજાગૃતિ નહીં હોવાથી તેઓ ધર્મના મંગલ સ્પર્શથી અસ્પષ્ટ રહી જાય છે. નિજ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષ વિનાની એકલી શુભ પ્રવૃત્તિ મુક્તિસાધનામાં વિફળ રહે છે, માટે જ્ઞાનીઓ મોક્ષમાર્ગની આરાધનામાં લૌકિક રૂઢિ અનુસાર થયેલાં કેવળ બાહ્ય તપ, ત્યાગ કે ક્રિયાની ગણતરીને મહત્ત્વ આપતા નથી. બાહ્ય ક્રિયા સાથે અંતરંગ શુદ્ધ ઉપયોગ ન હોય તો તે ક્રિયા રાજા વગરના સૈન્ય, ચૈતન્ય વગરના શરીર કે પતિ વગરની સ્ત્રી જેવી છે. ક્રિયાના આડંબરરૂપ શણગાર સજે પણ શુદ્ધ ઉપયોગરૂપ પતિની હાજરી ન હોય તો તે શણગાર નકામો ઠરે છે. ગમે તેટલો બાહ્ય આડંબર રચવામાં આવે, મોટા પાયા ઉપર સામગ્રીની તૈયારીઓ કરવામાં આવે, અનેક પ્રકારની ધામધૂમ કરવામાં આવે; પરંતુ જ્યાં સુધી ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org