________________
ગાથા-૩
૧૪૧
ક્રિયાજડ' ગણવા. ક્રિયાજડને આત્માનો લક્ષ હોય નહીં.”
ક્રિયાજડની જેમ શુષ્કજ્ઞાની પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. તેઓ શાસ્ત્રજ્ઞાનનો આગ્રહ કરે છે અને શુભ ક્રિયાઓનો નિષેધ કરે છે. તે શાસ્ત્રો વાંચ-સાંભળે છે, તેના ઉપર ચિંતન-મનન પણ કરે છે, પરંતુ તેને પ્રયોગમાં મૂકતો નથી. ચિંતન-મનન દ્વારા ધર્મનું સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કરી લેવા માત્રથી તેને તેનો સાચો લાભ પ્રાપ્ત થતો નથી, પણ તે આચરણમાં ઊતરે તો જ તે સમ્યક્ છે, કલ્યાણકારક છે. રસગુલ્લા ગળ્યા લાગે એમ ફક્ત અન્ય પાસેથી જાણી કે વાંચી લેવાથી મોં મીઠું થઈ શકતું નથી, તે માટે રસગુલ્લાને જીભ ઉપર મૂકવું પડે છે; દૂધ પુષ્ટિકારક છે એમ ફક્ત જાણી કે સમજી લેવાથી શરીર પુષ્ટ બનતું નથી, તે માટે દૂધ પીવું પડે છે; તેમ શાસ્ત્રોને માત્ર વાંચી અને સમજીને અટકી જાય અને જાણેલી તથા સમજેલી વાતને જો જીવનમાં ન ઉતારે તો તે જાણવું-સમજવું નકામું બની જાય છે. આવા કોરા માનસિક વ્યાયામમાં, કેવળ બુદ્ધિવિલાસમાં શુષ્કજ્ઞાની રચ્યોપચ્યો રહે છે. દાર્શનિક સિદ્ધાંતોના ઊહાપોહ, ચર્ચા-વિચારણા, ખંડન-મંડન, તર્ક-વિતર્ક કે મર્મ-વિવેચન શીખવા-શીખવવામાં, સમજવા-સમજાવવામાં, બોલવા-બોલાવવામાં, સાંભળવા-સંભળાવવામાં, લખવા-લખાવવામાં જ તે પોતાનું સમગ્ર જીવન ખરચી નાખે છે અને દુર્ભાગ્ય તો એ છે કે આમાં જ તે જીવનની સફળતા માને છે. શાસ્ત્રની જાણકારી મેળવી ધર્મની જિજ્ઞાસા પૂરી કરી લેવામાં તથા બૌદ્ધિક કક્ષાએ જાણેલા ધર્મજ્ઞાનને સુંદર આલંકારિક ભાષામાં વ્યક્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લેવામાં જ તે સંતોષ માની લે છે અને તેને જ તે જીવનનું અંતિમ ધ્યેય માની લે છે. આ બધામાં પડવાથી તે મોક્ષમાર્ગના સત્ય આચરણથી ખૂબ જ દૂર રહી જાય છે. આવા શુષ્કજ્ઞાની જીવો વિષે શ્રીમદ્ પ્રકાશ છે કે –
ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું.' એમ કહી સદાચરણ, પુણ્યના હેતુ જાણી કરતા નથી; અને પાપનાં કારણો સેવતાં અટકતા નથી. આ પ્રકારના જીવોએ કાંઈ કરવું જ નહીં, અને મોટી મોટી વાતો કરવી એટલું જ છે.... “અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહીં; આત્મા કર્તાય નથી; ને ભોક્તાય નથી; માટે કાંઈ નથી.” આવું બોલનારાઓ “શુષ્કઅધ્યાત્મી', પોલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકે નહીં.’૨
આમ, ક્રિયાજડ જીવો વ્યવહારના આગ્રહી હોવાથી નિશ્ચયનિરપેક્ષ હોય છે, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૬ (ઉપદેશછાયા-૧૦) ૨- એજન, પૃ.૭૧૬ (ઉપદેશછાયા-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org