________________
૧૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન લાવવા માંગે છે, પરંતુ શરીર વગેરે પરદ્રવ્યો કંઈ તેની ઇચ્છા પ્રમાણે પરિણમતાં નથી, તેથી તે નિરંતર આકુળતાનું વેદન કરીને દુઃખી થતો રહ્યો છે. તે દુ:ખ મટાડવાનો ઉપાય શું છે? વિચાર કરતાં જીવને દુઃખ ટાળવાના બે ઉપાય જણાય છે - (૧) કાં તો જીવની ઇચ્છા પ્રમાણે જ શરીરાદિ સર્વ પરદ્રવ્યો પરિણમે તો તેનું દુઃખ ટળે અને (૨) કાં તો જીવ પરદ્રવ્યોને ફેરવવા સંબંધીનો પોતાનો ભાવ ફેરવી નાખે તો તેનું દુઃખ ટળે. પહેલો ઉપાય તો તદ્દન અશક્ય છે, એટલે કે ખરેખર તે ઉપાય જ નથી; કેમ કે પરદ્રવ્યો જીવથી જુદાં છે, તેથી તે કદી પણ જીવની ઇચ્છાને આધીન પરિણમવાનાં નથી. પરદ્રવ્યો અપેક્ષાએ તો મડદાં જેવાં છે. જેમ મડદું જીવની ઇચ્છાથી ખાય-પીએ નહીં, તેમ પરદ્રવ્યો પણ આ જીવ સાથે કોઈ સંબંધ ધરાવતાં નથી, તેનું પરિણમન જીવને આધીન નથી. તેથી જીવે બીજો ઉપાય, એટલે કે પરમાં ફેરફાર કરવાનો પુરુષાર્થ છોડી, પોતાની ઇચ્છા ટળે એવા પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. આ ઉપાય સ્વાધીન છે અને જીવથી તે થઈ શકે છે. બધાં પરદ્રવ્યો મારાથી સર્વથા જુદાં છે, મારામાં તેનો અભાવ છે' - એમ જ્યાં સુધી જીવને વિશ્વાસ ન આવે ત્યાં સુધી પરદ્રવ્યને ફેરવવાની તેની ઇચ્છા ટળતી નથી. પરંતુ જો પરદ્રવ્યોને પોતાથી ભિન્નપણે જાણે તથા ‘હું તેનું કાંઈ જ કરી શકતો નથી' એમ વિશ્વાસ કરે તો તે પરદ્રવ્યોને ફેરવવાની ઇચ્છા કરે નહીં. તે પરદ્રવ્યો જેમ સ્વતંત્રપણે પરિણમે તેમ તેને માત્ર જાણ્યા કરે તો તે પરદ્રવ્યના ગમે તેવા પરિણમનમાં પણ તેને અંતરથી આકુળતા ન થાય. તે માટે સ્વ અને પરનું સાચું જ્ઞાન કરવું ઘટે છે. પરદ્રવ્યના પરિણમન સાથે જીવને કોઈ સંબંધ નથી એવી પ્રતીતિ કરવી ઘટે છે. ઇચ્છા ટાળીને શાંતિ પ્રાપ્ત કરવાનો આ જ એકમાત્ર ઉપાય છે. પરદ્રવ્યોને સ્વથી ભિન્ન જાણતાં જીવને વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ આવે છે અને તેમ થતાં ‘હું પરદ્રવ્યોની ક્રિયા કરી શકું' એવી ઊંધી માન્યતા ટળી જાય છે. તેથી અનંત પરદ્રવ્યોના સ્વામિત્વનો અહંકાર અને તેના કર્તુત્વની અનંતી ઇચ્છા ટળી જાય છે અને સ્વભાવની શાંતિ અને સુખ પ્રગટે છે.
પુણ્યોદયના કારણે સર્વ પરદ્રવ્યોનું પરિણમન જીવની ઇચ્છાને મળતું આવે તોપણ જીવનું દુઃખ ટળતું નથી, કારણ કે પોતાના સુખ માટે બાહ્ય સામગ્રીનો સંયોગ મેળવવાનો પ્રયાસ કરવો એ તો આકુળતા છે, વ્યગ્રતા છે, પરાધીનતા છે. જ્યાં પરાધીનતા છે ત્યાં દુ:ખ જ છે. જે જીવ પોતાનું સ્વાધીન સ્વરૂપ ભૂલ્યો હોય તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? ભોગસામગ્રીમાંથી પ્રાપ્ત થતું સુખ એ કંઈ સાચું સુખ નથી, એ તો દુ:ખનો તારતમ્યરૂપ ભેદ છે. જેમ કોઈને વિષમ જ્વર થયો હોય તો તેને કોઈ વખત ઘણી અશાતા થાય છે તથા કોઈ વખત થોડી અશાતા થાય છે. જ્યારે થોડી અશાતા હોય છે ત્યારે તે પોતાને ઠીક છે એમ કહે છે અને લોકો પણ કહે છે કે ઠીક છે; પરંતુ ખરેખર તો જ્યાં સુધી જ્વરનો સદ્ભાવ છે ત્યાં સુધી તેને ઠીક નથી. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org