________________
૧૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
અભિપ્રાય અવિરુદ્ધપણે સિદ્ધ થાય છે કે પરદ્રવ્યમાં ન તો સુખ આપવાનો સ્વભાવ છે અને ન તો દુઃખ આપવાનો સ્વભાવ છે.
પુદ્ગલ અને જીવ બન્ને દ્રવ્યો તદ્દન ભિન્ન પ્રકારનાં છે. પુદ્ગલ અચેતન છે, જડ છે, જ્યારે જીવ ચૈતન્યમય છે. પુદ્ગલ ઇન્દ્રિયોથી ગોચર, મૂર્તિક છે, જ્યારે જીવ ઇન્દ્રિયોથી અગોચર, અમૂર્તિક છે. પુદ્ગલના ગુણધર્મો સ્પર્શ-સ-ગંધ-વર્ણાદિ છે, પણ તેનામાં સુખ-દુઃખરૂપ ધર્મ નથી; જ્યારે જીવમાં સ્પર્શ-રસ-ગંધ-વર્ણ નથી, પરંતુ તે સ્વાધીન શાંતિ તથા આનંદથી ભરપૂર છે, તે સુખ-દુ:ખનું વેદન કરવાની શક્તિવાળો છે. બન્ને દ્રવ્યો અનાદિથી છે અને અનંત કાળ પર્યંત રહેશે. તેઓ પોતાની સત્તાથી અલગ થતાં નથી, નવીનપણે ઉત્પન્ન થતાં નથી અને કદી નાશ પામતાં નથી. બન્નેની અવસ્થાઓ બદલાયા કરે છે. બન્ને દ્રવ્ય અન્યની સહાયતા વગર પોતાનામાં પરિવર્તન કરવામાં સ્વયં સમર્થ છે અને તેમ સ્વતંત્રપણે કરી રહ્યાં છે. નવીન અવસ્થાને તેઓ સ્વયં ઉત્પન્ન કરે છે, સ્વયં પોતા વડે અને પોતાને માટે ઉત્પન્ન કરે છે. અવસ્થાઓ બદલાતી હોવા છતાં જીવ સદા જીવ રહે છે અને પુદ્ગલ સદા પુદ્ગલ રહે છે. જીવ ક્યારે પણ પુદ્ગલરૂપે પરિણમતો નથી કે પુદ્ગલનું કાર્ય કરતો નથી તથા પુદ્ગલ ક્યારે પણ જીવરૂપે પરિણમતું નથી કે જીવનું કાર્ય કરતું નથી. પુદ્ગલ દ્રવ્ય જીવને સુખ કે દુઃખ આપી શકે એવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. પરદ્રવ્ય જીવને ઉપકારક પણ નથી અને અપકારક પણ નથી.
આમ, યથાર્થ દૃષ્ટિથી જોતાં પુદ્ગલ જીવને સુખ કે દુઃખ કંઈ જ આપી શકતું નથી. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં અજ્ઞાની પુદ્ગલની વિભિન્ન પર્યાયોથી વિભિન્ન રીતે સુખ-દુઃખ અનુભવતો જોવામાં આવે છે. તેનું કારણ એ છે કે પુદ્ગલ પ્રત્યેની જીવની ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિના કારણે તેને પુદ્ગલ દ્વારા સુખ-દુઃખનો ભ્રાંતિયુક્ત અનુભવ થાય છે. જે પદાર્થ તેને ઇષ્ટ ભાસે છે, એ રહે તો તેને સુખ લાગે છે અને જાય તો તે દુ:ખ અનુભવે છે. જે પદાર્થમાં તે અનિષ્ટની કલ્પના કરે છે, એ રહે તો તે દુઃખ માને છે અને જાય તો તે સુખ અનુભવે છે. જેમ કાગળના સાદા ટુકડા ઉપર ગવર્નરની સહી હોવાથી તેનું ચલણી નોટમાં રૂપાંતર થઈ જાય છે અને એ જ નોટને જો સ૨કા૨ રદ કરે તો ફરીથી એ હતો તેવો કાગળનો સામાન્ય ટુકડો બની જાય છે, અર્થાત્ સરકાર જ તેમાં કિંમત પૂરે છે અને એ જ તેમાંથી કિંમત કાઢી પણ શકે છે. તેવી જ રીતે જીવ પોતે જ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી જડમાં કિંમત પૂરે છે, જેના કારણે તે હર્ષ-શોક, માન-અપમાનાદિ અનુભવે છે. જીવ જડમાં જે કિંમત ભરે છે, તે જ જીવનાં સુખ-દુઃખનું કારણ છે. આત્માને જડ વસ્તુનો સ્વાદ તો આવતો નથી તથા તેનાથી સુખ પણ ઊપજતું નથી; પરંતુ જડ પદાર્થમાં આસક્ત થઈ ‘આ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org