________________
૨
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
એમના પિતાશ્રીનું નામ મનસુખલાલ; માતુશ્રીનું નામ ઉજમબાઈ, બંને ધર્મપરાયાણ અને પોતાનાં સંતાનોમાં સારા સંસ્કાર પડે એવી લાગણી રાખનારાં. એમને છ પુત્રો અને એક પુત્રી. એમાં આચાર્ય મહારાજ સૌથી નાના પુત્ર. એમનું નામ ચુનીલાલ.
ચુનીલાલે અભ્યાસ પૂરો કર્યો અને પિતા તથા ભાઈઓના કામમાં તેઓ મદદગાર થવા લાગ્યા. કોઈ પણ કામમાં એમની નજર પણ એવી પહોંચે અને કામ કરવાની ખંત પણ એટલી. જે જે કામ કરવા લે એમાં પૂરેપૂરો જીવ પણ એવો પરોવી દે કે તે કામમાં ધારી સફળતા મળ્યા વગર ન રહે. કોઈને પણ વહાલા થઈ પડવાનો સારામાં સારો કીમિયો તે કામગરાપણું. જે કામચોર ન હોય એને લોકો હોંશે હોંશે બોલાવે અને ચાહે. ચુનીલાલ પણ આખા કુટુંબમાં પ્રિય થઈ પડેલા. જેને કંઈ પણ કામ હોય એ તરત જ ચુનીલાલને સંભારે અને ચુનીલાલ પણ એ માટે ખડે પગે તૈયાર રહે.
પણ આમાં નવાઈની વાત એ હતી કે ચુનીલાલ કોઈ પણ કામમાં આવા ઓતપ્રોત બની જાય, પણ એમનો અંતરંગ રસ તો વૈરાગ્યનો જ. ઘરનું અને બહારનું બધું ય કામ કરે, પણ રહે સદા જળકમળની જેમ નિર્લેપ જ. કામ પાર પાડવામાં એમની નિષ્ઠા પૂરવાર થતી અને એનાથી અલિપ્ત રહેવામાં એમની વૈરાગ્યવૃત્તિ જણાઈ આવતી. આ રીતે એમના જીવનમાં કાર્યનિષ્ઠા અને વૈરાગ્ય ભાવનાની ફૂલગુંથણી થઈ હતી. પરિણામે કોઈ પણ કાર્ય કર્યાનું ન તો એમને અભિમાન થતું કે ન તો કોઈની પ્રશંસા સાંભળીને તેઓ ફૂલાઈ જતા. મનને સમતાનો પાઠ જાણે એમણે ઘરમાંથી જ શીખવવા માંડ્યો હતો. મન આડું અવળું જવા માગે તો અંતરમાં બેઠેલો વૈરાગ્ય એને સીધે માર્ગે રાખે.
નાનપણમાં એમણે અમદાવાદની વિદ્યાશાળામાં શ્રી સુબાજી રવચંદ જેચંદની પાસે ધાર્મિક અભ્યાસ કરેલો. શ્રી સુબાજી ભારે ધર્મપ્રેમી અને સારા શ્રોતા લેખાતા. એ લગભગ ૩૦૦ વિદ્યાર્થીઓને ધાર્મિક શીખવતા અને ધાર્મિક સંસ્કાર દઢ કરાવતા. ચુનીલાલની ધર્મશ્રદ્ધામાં સુબાજીના શિક્ષણનો પણ નોંધપાત્ર હિસ્સો હતો.
- ચુનીલાલ ૧૮-૨૦ વર્ષની ઉમરના થયા અને સૌનાં માતા-પિતાની જેમ, એમનાં માતાપિતાને પણ એમના લગ્નના લહાવા લેવાના મનોરથ થવા લાગ્યા. પણ ચુનીલાલનો આત્મા તો વૈરાગ્યનો ચાહક હતો. એટલે એમનું મન સહજ રીતે લગ્નની દિશામાં કેવી રીતે વળે? માતાપિતા અને કુટુંબીઓને સંસાર ખપતો હતો; વૈરાગી પુત્રને સંયમની તાલાવેલી લાગી હતી; એ બેનો નિકાલ કોણ લાવે ?
યૌવનમાં ડગ માંડતી વીસેક વર્ષની વયે આ પ્રશ્ન ઉગ્ર બન્યો. વડીલો કહે પરણાવ્યા વગર રહીએ નહીં; પુત્ર કહે હું પરણું નહીં. છેવટે માતા-પિતાની આજ્ઞાને વિનીત ચુનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠના કુવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુમ્બનાં ચન્દનપ્લેન સાથે તેમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચુનીલાલ કરતાં ફક્ત છ મહિને જ મોટાં હતાં; એ પણ ખૂબ ધર્મપ્રેમી.
લગ્ન તો કર્યું, પણ અંતરનો વૈરાગ્ય દૂર ન થયો. બે-ત્રણ વર્ષનું ગૃહસ્થ જીવન ભોગવ્યું ન ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની ગઈ. એ તેવીસ વર્ષની ભરયુવાન વયે ચુનીલાલે તો નિશ્ચય જ કરી લીધો કે હવે તો સંયમ લીધે જ છૂટકો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org