________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પહેલી
૧૯
આવી સુંદર અને નિર્દોષ વ્યવસ્થા જૈનશાસનમાં હોવા છતાં પણ સ્વાર્થાન્ધ અને બાહ્યભાવના રસિક એવા ગુરુઓ ભોળી અને અજ્ઞાની પ્રજાને ધનથી ધર્મ અને ધર્મથી ધન સમજાવે છે. આ ભવમાં ઘણું ધન પામ્યા છો તો અહીં તહીં આટલી આટલી રકમ આપશો તો અથવા આવું આવું દાન-પુણ્ય કરશો તો ભવાન્તરમાં તમને દશગણું મળશે. યોગ્ય ભૂમિમાં વાવેલું ધાન્ય જેમ અનેકગણા દાણા પેદા કરે છે તેમ આ ભવમાં થોડું આપેલું દાન ભવાન્તરમાં દશગણું ફળ આપશે. આવું સમજાવી ભદ્રિક જીવોને પરભવમાં અધિક ધન મળવાની આશા કરાવીને ધનના લોભી અને લાલચુ બનાવે છે. ધનની મૂર્છા વધારે છે. નિષ્પરિગ્રહી કે મૂર્છાના ત્યાગી બનાવવાની વાત રહેતી નથી. આવી, ઉત્સૂત્ર પ્રરૂપણા સાંભળી હે પરમાત્મા ! અમારું દિલ દાઝે છે. હૃદયમાં શૂલ ભોંકાણી હોય અને જેવી પીડા થાય, તેવી પીડા થાય છે.
પગમાં કાંટો વાગ્યો હોય અને જેમ પીડા થાય તેમ આવી ઉત્સૂત્ર પ્રરૂપણા સાંભળીને અમને હૃદયમાં અતિશય પીડા થાય છે કે અરેરે ! આ જગતમાં શૂળની જેવું પીડાકારી આ શું બની રહ્યું છે ? જ્યાં જોઈએ ત્યાં ધનની જ વાત, ધનની ઉપજ સાથે જ વધારે સંબંધ, જે ધર્માનુષ્ઠાનમાં વધારે ધનની ઉપજ થાય તે ધર્માનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ, જે ગુરુને ત્યાં બોલીમાં વધારે દ્રવ્ય ઉપજે તે ગુરુ સર્વોત્તમપુરુષ, તથા તેઓનું ધ્યાન પણ દ્રવ્યની વધારે ઉપજ તરફ, આત્માના ગુણોરૂપી ધનની તો ક્યાંય વાત જ નહીં અને તેથી ગુણવંત પુરુષોને બદલે જ્યાં ત્યાં ધનવાન પુરુષો જ આગળ, તેઓની જ સર્વત્ર સત્તા, આ બધું જોઈને પગમાં લાગેલી શૂળ જેમ પીડા કરે તેમ હે સીમંધરસ્વામી પરમાત્મા ! અમારૂં હૃદય ઘણું જ પીડાય છે. અમારે અમારા દુઃખ-દર્દની વાત બીજે ક્યાં કરવી ? તેથી આપશ્રીને આ વાત કાગળમાં લખીએ છીએ. તો અમારી વાત ધ્યાન આપીને સાંભળો. ॥ ૧-૫ ||
અર્થની દેશના આપનારા ગુરુઓને તો તેઓ પરમપદના પ્રગટ ચોર છે. એવા ભારે શબ્દોથી ગ્રંથકાર શ્રી સમજાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org