________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
અભિપ્રાયો અહિં ઉપાધ્યાયજી મ. દ્રવ્યાનુયોગની ખાસ ભલામણ કરે છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યાનુયોગનો અણમોલ ખજાનો છે. તો ઉપા. મ. શ્રી જૈનશાસનનું મહામૂલું રતન છે. તેમણે જે જ્ઞાનવારસો આપ્યો છે તેમાંના એક-એક ગ્રંથ અમૂલ્ય રત્નોની મંજુષા-પેટી સમાન છે. પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરિજી મ.સા. અને પૂ. ઉપા. મ.સા. વગેરેએ આ જ્ઞાનવારસો આપ્યો ન હોત તો ખરેખર આપણે શાસ્ત્રજ્ઞાનની બાબતમાં ખૂબ રાંક બની ગયા હોત.
આ મહાપુરુષોની કેવી વિશિષ્ટ પ્રજ્ઞાશક્તિ હશે? અને કેવી જીવંત અપ્રમત્તતા હશે? ક્યારે તેઓશ્રીએ આવશ્યક ક્રિયાઓ કરી હશે? ક્યારે વ્યાખ્યાન-વાચનાઓ આપી હશે? ક્યારે લોકોની સાથેના યથોચિત વ્યવહારો કર્યા હશે. તો ક્યારે આ ગ્રન્થોની રચના કરી હશે? અને ક્યારે પોતાની જનેતા પાછળ કોટિ નમસ્કાર મહામંત્રોનો જાપ કર્યો હશે? ગ્રન્થોની રચનાઓ પણ કેવી વિશિષ્ઠ! જાણે ટંકશાળી વચનો! વધારાની વાત નહિ તો પૂર્વાચાર્યોની સાક્ષી સિવાયનું વચન નહિ?
આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ પણ પૂ. ઉપાધ્યાયજી મ.ની જ રચના છે. પૂજ્યશ્રીનું જીવનચરિત્ર પ્રસ્તાવનામાં આપેલ છે. તેમાં જ તેમની રચના-કૃતિઓ પણ જણાવી છે. વિશિષ્ટ પ્રજ્ઞાબળે શતાવધાન અને અષ્ટાવધાન પણ જૈનશાસનની પ્રભાવના માટે તેઓશ્રીએ રાજસભામાં કરેલ.
વર્તમાન પ્રતિક્રમણવિધિ પૂ. તપાગચ્છાધિપતિ શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં ગોઠવાઈ હતી. તેમાં તેઓશ્રીની સાથે જે વિદ્વાન સ્થવિર મહાત્માઓ હતા તેમાં પૂ. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મ.સા. સાથે પૂ. ઉપાધ્યાયજી મ.સા. પણ હાજર હતા. એવો રાધનપુર કડવામતિના ભંડારની હસ્તલિખિત પ્રતમાં ઉલ્લેખ છે.
આવા પૂ. ઉપા. મ.સા.ની આ રચનામાં ગુજરાતી ભાષા હોવા છતાં પણ પદાર્થનું એટલું ઊંડાણ છે કે તેના ઉપર વિશિષ્ટ વિવેચન સિવાય પ્રાકૃતજનની ચાંચ પણ ડૂબે નહિ. તેથી માનનીય પંડિતજી શ્રી ધીરુભાઈએ વિવેચન લખવાનો જે પ્રયત્ન કર્યો છે. તે પણ ખૂબ અનુમોદનીય છે તથા સુંદર અને સરળ રીતે વિવેચન લખવું તે તો અત્યંત સરાહનીય છે. સમય કાઢી આવું વિવેચન લખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
પ્રાન્ત આ રાસના વાંચન-મનન-નિદિધ્યાસન દ્વારા દ્રવ્યાનુયોગમાં સ્થિર બની ભિવ્યાત્માઓ ચરણકરણાનુયોગની સફળતાને પ્રાપ્ત કરે એજ અભિલાષા. ૨૦૪, કુંદન એપા. ગોપીપુરા, સુરત.
રતિલાલ ચીમનલાલ દોશી પોષ દશમી પ્રભુ પાર્શ્વનાથ જન્મકલ્યાણ.