________________
પ્રસ્તાવના
૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વરૂપે હવે ૧૭૧૦થી અનેક ગ્રંથોની રચના કરવા રૂપે સાહિત્યસર્જનની શરૂઆત કરી. સંસ્કૃતપ્રાકૃત-ગુજરાતી અને મારવાડી ભાષામાં રચેલું તેઓશ્રીનું ઘણું સાહિત્ય આજે પણ મળે છે.
આ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની રચના પણ આ જ સમયમાં થઈ છે. કારણ કે તેઓના જ ગુરુજી શ્રી નવિજયજી મ.શ્રી ના કરકમલથી વિક્રમ સંવત ૧૭૧૧માં સિદ્ધપુરમાં લખાયેલી પોથી મળે છે. સાહિત્યરચનાના પ્રારંભકાળમાં જ આવા પ્રકારના કઠીન, વિષમ અને દુર્બોધ એવા વિષયની ગુજરાતી ભાષામાં જે રચના છે. તે તેઓશ્રીની પ્રખર પંડિતતાનો પ્રબળ પુરાવો છે.
તેઓશ્રીની સાહિત્યરચના મુખ્યત્વે ત્રણ પ્રકારે જણાય છે.
(૧) શાસ્ત્રાભ્યાસથી અને ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા પોતાના અનુભવબલથી સ્વયં સ્કૂરણા દ્વારા અપૂર્વ ગ્રંથોની રચના. જેમ કે જ્ઞાનસાર અષ્ટક આદિ.
(૨) પૂર્વના મહાપુરુષોએ રચેલા ગ્રંથો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાગ્રંથો. જેમ કે કર્મપ્રકૃતિ ઉપર ટીકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપર સ્યાદ્વાદ કલ્પલતા આદિ ટીકાગ્રંથો.
(૩) પૂ. હરિભદ્રસૂરીશ્વરજી આદિએ રચેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરી તે જ વિષયોની ગુજરાતી ભાષામાં સરળ અને રસપ્રદ કાવ્યમય રચના. જેમકે આઠ દૃષ્ટિની સજઝાય અને સમ્યકત્વના ૬૭ બોલની સઝાય વગેરે.
તેઓશ્રીએ જે સાહિત્ય બનાવ્યું છે તેમાંના એક એક ગ્રંથ વિષે જેટલું લખીએ તેટલું ઓછું છે. તેમના સાહિત્યમાં વાણીની મીઠાશ તો એટલી બધી છે કે તેનો સ્વાદ જે ભણે તે જ જાણે. શ્રુતજ્ઞાનની ઉપાસનાનો જબરજસ્ત રંગ લાગ્યો હતો. વિ. સં. ૧૭૪૨માં સુરતમાં રચાયેલી ૧૧ અંગો ઉપરની સક્ઝાયમાં તેઓશ્રી પોતે જ કહે છે કે –
ખis ગળી, સાકર ગળી, વળી અમૃત ગવું કહેવાય, માહરે તો મન ગ્રુત આગળે, તે કોઈ ન આવે દાય.
તેઓશ્રીના રચાયેલા ગ્રંથોનો યત્કિંચિત પરિચય :
(૧) અધ્યાત્મ મત પરીક્ષા = મૂળ ગાથા ૧૮૪ છે. પ્રાકૃતભાષા છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ટીકા રચી છે. કેવલિભક્તિ, સ્ત્રીમુક્તિ, કરપાત્રી અને વસ્ત્ર પરિધાન આ ચાર બાબતો ઘણી જ યુક્તિપૂર્વક સમજાવી દિગંબર માન્યતાનું નિરસન કરેલ છે.
(૨) અધ્યાત્મ સાર = મૂળ શ્લોક ૧૩૦૦ છે. તેના ઉપર ગંભીરવિજયજી મ.શ્રીએ સંસ્કૃત ટીકા બનાવી છે. કોઈક સ્થાને ૯૪૯ શ્લોકો હોવાનો ઉલ્લેખ છે. તેમાં સાત પ્રબંધો છે. દંભત્યાગ આદિ વિવિધ વિષયોનું સુંદર વર્ણન છે.