________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
અભિપ્રાયો
૫૯
કરતાં વધુ ભેદો પાડી બતાવ્યા છે. આ ભેદો શાસ્ત્રીય રીતે ખરા કે નહીં ? તેની વિચારણા આ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં ક૨વામાં આવી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે આ. દેવસેનના નયચક્રની તાર્કિક સમાલોચના કરી છે. અકાટ્ય તર્કો દ્વારા તેમણે દિગંબર સંમત નયવિભાજનને દોષપૂર્ણ બતાવ્યું છે. આ ઉપરાંત દ્રવ્ય, ગુણ, પર્યાયને શાસ્ત્રીય રીતે મૂલવ્યા છે. સન્મતિ આદિ અનેક ગ્રંથોનો આધાર-હવાલા આપી વિષયને વધુ સુંદર રીતે સ્પષ્ટ કર્યો છે. ગેય એવા રાસ શૈલીમાં રચાયેલી આ કૃતિનો અર્થ સમજાય તેવો સરળ હોવા છતાં પણ કાવ્યાત્મક હોવાને કારણે ક્યાંક ક્યાંક કઠીન પણ ભાસે છે. તે કઠીનતાને દૂર કરવા પૂ. યશોવિજયજી મ. સાહેબે સ્વયં પોતે જ ટબો રચ્યો છે. તેમ છતાં વર્તમાનકાળે ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજી શકાય તેવા વિવેચનની આવશ્યકતા હતી જ. આ ગ્રંથ ઉપર પૂર્વે પૂ. આ. શ્રી ધર્મધૂરંધરસૂરિજી મ. સાહેબે વિસ્તૃત વિવેચન લખ્યું હતું પણ તે કૃતિ હાલ પ્રાપ્ય ન હોવાથી અભ્યાસુને ગ્રંથનો અભ્યાસ કરવામાં કઠીનતાનો અનુભવ કરવો પડતો હતો. આ કઠીનાઈ દૂર કરવા માટે એક નૂતન વિવેચનની આવશ્યકતા હતી જ, આ ખોટ પ્રસ્તુત વિવેચનથી પૂર્ણ થઈ જશે.
પં. શ્રી ધીરુભાઈ છેલ્લા પાંચ દાયકાથી નિરંતર પૂ. સાધુ-સાધ્વીજી મ. સા.ને અધ્યયન-અધ્યાપન કરાવતા રહ્યા છે. તેમના જૈન સાહિત્ય, સિદ્ધાંત અને દર્શન વિષયક જ્ઞાનથી અનેક આત્માઓ લાભાન્વિત થયા છે. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓશ્રી અમેરિકામાં વસતા જૈન ભાઈ-બહેનોને સ્વાધ્યાય કરાવવા જાય છે. તેમની વાણીથી ત્યાંના અનેક ગૃહસ્થો તત્ત્વરુચિવાળા બન્યા છે. વિશુદ્ધ ધર્મ જાણવાની જિજ્ઞાસા પ્રગટી છે. સ્વાધ્યાય સિવાયના સમયમાં પંડિતજી ગ્રંથોના અનુવાદ, વિવેચન આદિ લખવાનો સ્વાધ્યાય કરે છે. છેલ્લા દાયકામાં તેમણે ૨૪ થી વધુ ગ્રંથોનું વિવેચન કર્યું છે. ગ્રંથરૂપે પ્રકાશિત કર્યા છે. તે શ્રેણીમાં આજે એક વધુ છોગું ઉમેરાય છે. તેમણે સરળ ભાષામાં છણાવટ કરી પ્રત્યેક વિષયને સ્પષ્ટ કરવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. જરૂર જણાય ત્યાં મૂળ ગ્રંથોના પાઠો અને વાદોને પણ સ્પષ્ટ કર્યા છે. તેમણે કરેલું વિવેચન પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જિજ્ઞાસુઓને ઉપયોગી નિવડશે. આ માટે પંડિતજીને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. ભવિષ્યમાં બીજા ઉપયોગી ગ્રંથોનાં વિવેચન પણ તેમના તરફથી પ્રાપ્ત થતાં રહેશે તેવી શુભેચ્છા રાખીએ.
લિ.
ડૉ. જિતેન્દ્ર શાહ
અમદાવાદ