________________
૩૪
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સોળમી ઢાળમાં -
‘દ્રવ્યાનુયોગનું જ્ઞાન એ સામાન્ય નથી. આ તો બ્રહ્માણી છે અર્થાત્ પરમાત્મા વીતરાગદેવની પવિત્ર વાણી છે. માટે ગીતાર્થ ગુરુઓ પાસે જ ભણવાનું કહ્યું છે ભણ્યા પછી પણ તુચ્છબુદ્ધિવાળાને આવા ગંભીર મહાન અર્થવાળા અનુયોગ ભણાવવા નહીં એવી આજ્ઞા કરી છે. કારણ કે સામાન્ય માણસને કિંમતી વસ્તુ આપવાથી વસ્તુની કિંમત ઘટે છે. તે જીવને આવી મહામૂલ્યવાન વસ્તુઓની કિંમત હોતી નથી. આવા પ્રકારના ગંભીર અર્થવાળા દ્રવ્યાનુયોગના ઘણા ભાવો તો કેવલી ભગવાન જ જાણે છે. છતાં સંક્ષેપમાં ગુરુગમથી અને અનુભવબળથી કેટલાક ભાવો આ ગ્રંથમાં વર્ણવ્યા છે આવો દ્રવ્યાનુયોગ ભણવાથી પાપની શ્રેણી નાશ પામે છે. મુક્તિ પટરાણી પ્રાપ્ત થાય છે. તલને જેમ ઘાણી પીલે તેમ ઘનઘાતી કર્મો પીલાય છે. તથા દુર્જન માણસો આવા ગ્રંથો જોઈને ટીકાનિંદા અવશ્ય કરશે જ. કારણ કે જેને જ્ઞાનરુચિ નથી તે નિંદામાં જ મસ્ત હોય છે. તો પણ - જ્ઞાનરુચિ એવા સજ્જન જીવોથી આ ગ્રંથ પણ જૈનશાસનમાં જરૂર પ્રતિષ્ઠા પામશે.
સત્તરમી ઢાળમાં -
------- પૂજ્ય ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાની યશસ્વી ગુરુ પાટપરંપરા વર્ણવી છે. અકબર બાદશાહના પ્રતિબોધક ૧૬મા સૈકામાં થયેલા પૂજ્ય જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્ય- વર્ગમાં આચાર્યોના નામો જણાવીને પછી પૂજ્ય શ્રી કલ્યાણવિજયજી મ.સા.થી ઉપાધ્યાયનાં નામો જણાવીને તેમાં થયેલા પૂજ્ય શ્રીજિતવિજયજી મ.શ્રીના લઘુ ગુરુભાઈ શ્રી નયવિજયજી મ.શ્રીના વિનીતશિષ્ય શ્રી યશોવિજયવાચકની આ ગ્રંથરચના છે. આમ કહીને જે ગુરુકૃપાથી કાશીમાં ન્યાયશાસ્ત્રાદિ ભણવાની તથા દુર્બોધ એવા ન્યાયચિંતામણિ ગ્રંથના અભ્યાસની પ્રાપ્તિ થઈ. તે ગુરુપરંપરાનો ઉપકાર માની ગ્રંથ સમાપ્ત કરેલ છે.
આ પ્રમાણે આ ગ્રંથમાં તથા તેની એક એક ઢાળમાં શું શું વિષય આલેખાયો છે. તેની સામાન્ય રૂપરેખા આ સમજાવી છે. આ જ વિષય દિગંબરાસ્નાયમાં પ્રવચનસાર અને નયચક્ર આદિ ગ્રંથમાં છે. પરંતુ તેમાં કેટલીક જે કલ્પનાઓ માત્ર કરવામાં આવી છે તે બરાબર નથી. તેથી આ ગ્રંથમાં તેની સમીક્ષા કરવામાં આવી છે. ગ્રંથકારશ્રીએ આ જ વિષયને સંસ્કૃત ભાષામાં સમજાવતો અનેકાન્ત વ્યવસ્થા' નામનો ગ્રંથ પણ બનાવ્યો છે. ગ્રંથકારશ્રીએ શ્રી વિશેષાવશ્યકભાષ્ય, સમ્મતિતર્ક, પ્રમાણનયતત્ત્વાલક અને અનુયોગદ્વાર આદિ પૂર્વાચાર્યરચિત ગ્રંથોનો આધાર લઈને આ અપૂર્વ ગ્રંથરચના કરી છે. ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે સુંદર અને રસપ્રદ એવી આ રચના છે.