________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૬
૨૨૧
પળિ વિષય નહીં = પરંતુ તે ગૌણભૂત જે (અભેદરૂપ) અર્થ છે. તે અર્થ મુખ્ય અર્થ (ભેદ રૂપ જે અર્થ છે. તે) ની પેઠે તે નયનો (મુખ્ય) વિષય બનતો નથી.
એવી જ રીતે દ્રવ્યાર્થિકનય જેમ અભેદને જણાવે છે તેમ ભેદને પણ અવશ્ય જણાવે જ છે. અભેદને પ્રધાનપણે અને ભેદને ગૌણપણે પણ જણાવે તો છે જ. તેથી અભેદ અને ભેદ આ બન્ને દ્રવ્યાર્થિકનયના પરિવાર છે (કુટુંબી છે) અંશરૂપ છે. પરંતુ અભેદ જેવો પ્રધાનપણે વિષય છે તેવો ભેદ પ્રધાનપણે વિષય બનતો નથી. શ્રી વિનયસાગરના શિષ્ય શ્રી ભોજસાગરકવિએ બનાવેલી દ્રવ્યાનુયોગતર્કણામાં આ ગાથાના વિવેચનમાં કહ્યું છે કે
एवं नयान्नयविचाराच्च भेदाभेदग्राह्यव्यवहारः सम्भवति । तथा नयसङ्केतविशेषाद् ग्राहकवृत्तिविशेषरूप उपचारोऽपि सम्भवेत् । तस्माद् भेदाभेदयोर्मुख्यत्वेन प्रत्येकनयविषयो, मुख्यामुख्यत्वेनोभयनयविषयरूपः, उपचारश्च मुख्यवृत्तिवन्नयपरिकरो भवेत्, परन्तु नयविषयो न भवति ।
ભાવાર્થ પૂર્વે સમજાવ્યા પ્રમાણે સમાન જ છે.
કોઈ એક વ્યક્તિ, બીજી એક વ્યક્તિને મળવા માટે બહારગામથી આવતી હોય, ત્યારે જો તે આવનારી વ્યક્તિ પ્રત્યે મૂલવ્યક્તિને ઘણો ભાવ હોય તો વાજતે-ગાજતે ઢોલ-નગારા સાથે, અનેક માણસો સાથે જય જય નાદનો ગુંજારવ કરતે છતે આડંબર પૂર્વક પોતાને ઘેર લાવે. તે જ વ્યક્તિને ઘેર બીજી કોઈ વ્યક્તિ મળવા માટે બીજા દિવસે આવે, પરંતુ તે વ્યક્તિ પ્રત્યે મૂલવ્યક્તિને આટલો બધો ધારો કે પૂજ્યભાવ નથી. તો પણ તે બીજી વ્યક્તિ જ્યારે ઘેર આવે ત્યારે આવો, બેસો, પાણી લાવું, ઈત્યાદિ સામાન્ય ઉચિત સત્કાર તો પ્રથમવ્યક્તિ કરે જ. તો જ તે સુજન (સજ્જન) કહેવાય. ભલે એક મહેમાનને આડંબરપૂર્વક આવકાર આપ્યો, અને બીજા મહેમાનને સામાન્ય આવકાર આપ્યો, પરંતુ આવકાર તો આપ્યો જ. તેથી જ તે આવકાર આપનાર મૂલવ્યક્તિ “સુજન” (સજ્જન) કહેવાય છે. જો તે મૂલવ્યક્તિ એક મહેમાનને આડબરપૂર્વક લાવે. અને બીજા મહેમાનને આવકાર પણ ન આપે અને અપમાન કરે, તિરસ્કાર કરે, બહાર કાઢી મુકે તો તે મૂલવ્યક્તિ “સુજન” કહેવાતી નથી. પરંતુ “દુર્જન” કહેવાય છે. એવી જ રીતે કોઈ પણ એક નય પોતાના માનેલા અર્થને ભલે પ્રધાનપણે ગાય, આડંબર સાથે ગાય. પરંતુ બીજા નયને માન્ય જે અર્થ છે તે અર્થનો પણ નિષેધ ન કરવારૂપે, ઘરમાંથી બહાર કાઢવા રૂપ અપમાન ન કરવારૂપે પણ જો સ્વીકાર કરે તો તે “સુનય” કહેવાય છે. અન્યથા દુર્નય કહેવાય છે.