________________
૧૪૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૧૫ સમયમાં છે. અને તેના ગુણોને તથા પર્યાયોને સમવાયસંબંધ નામનું તત્ત્વ દ્રવ્યની સાથે જોડી આપે છે. જેમ ગાયને ખીલે બાંધવામાં સાંકળ કામ કરે છે. તેમ અહીં ગુણપર્યાયોને દ્રવ્યમાં બાંધવાનું કામ સમવાય સંબંધ કરે છે. તેઓ કહે છે કે જો કાર્ય અને કારણ તથા દ્રવ્ય-ગુણ-પર્યાયો જૈનો કહે છે તેમ એકી સાથે ઉત્પન્ન થતા માનીએ તો તેમાં કાર્ય-કારણભાવ ઘટે નહીં. કારણકે કારણ સદા પૂર્વ મયવર્તી હોય છે. અને કાર્ય સદા પશ્ચાત્સમયવર્તી હોય છે. જેમ કે માટી-અને ઘટ, તથા તંતુ અને પટ, પૂર્વાપર સમયવર્તિતા જ્યાં હોય ત્યાં જ કાર્યકારણભાવ ઘટે છે. તેને લીધે કારણથી કાર્યનો, દ્રવ્યથી ગુણ-પર્યાયોનો ભેદ માનવો એ જ ઉચિત છે. ભેદ હોવાથી કારણકાલે કાર્ય નથી. પછીથી સામગ્રી મળવાથી કાર્ય ઉત્પન્ન થાય છે. માટે માટી કારણમાં ઘટકાર્ય નથી (અસત્ છે) અને દંડાદિ સામગ્રી મળવાથી ઘટ ઉત્પન્ન થયો. તેથી પૂર્વે અસત્ એવું કાર્ય સામગ્રી મળવાથી જન્મે છે. જો માટીકાળે ઘટકાર્ય સત્ હોય તો તો ઘટ છે જ. તેને ઉત્પન્ન કરવાનું શું હોય ? સામગ્રી લાવવાની પણ જરૂરિયાત શું ? મૃપિંડકાલે પણ ઘટ સત્ હોવાથી જલાધારાદિ થવા જોઈએ. પરંતુ આમ બનતું નથી. તેથી કારણમાં કાર્ય સત્ નથી, અસત્ છે. તો જ તેને ઉત્પન્ન કરવાનું કામ કરવું પડે છે. આમ, કાર્ય-કારણનો ભેદ માને છે તથા કારણમાં કાર્ય અસત્ છે અને સામગ્રી મળવાથી જન્મે છે એમ માને છે. એટલે અસત્કાર્યવાદી કહેવાય છે.
સાંખ્યો અભેદવાદી છે. કાર્ય-કારણનો, દ્રવ્યથી ગુણ-પર્યાયોનો જે કથંચિ અભેદ છે, તેને સાંખ્યો એકાત્તે અભેદ માને છે. સાંખ્યનું કહેવું એવું છે કે- કાર્ય અને કારણમાં, તથા દ્રવ્ય-ગુણપર્યાયોમાં પૂર્વાપરભાવ દૃષ્ટિગોચર થતો નથી. કોઈપણ દ્રવ્ય જ્યારે ઉત્પન્ન થાય છે. ત્યારે જ, તે જ સમયે કોઈને કોઈ ગુણ-પર્યાય સહિત જ ઉત્પન્ન થાય છે. મૃર્લિંડમાંથી ઘટપર્યાય ભલે દૂરકાળ ઉત્પન્ન થતો હોય, પરંતુ પિંડાકારતા સ્વરૂપ પર્યાય, અને કાળારંગ સ્વરૂપ (અથવા રક્તાદિ કોઈપણ) ગુણ માટીની સાથે હોય જ છે. માટી અને માટીના ગુણોમાં, તથા માટી અને માટીના કોઈપણ આકારમાં પૂર્વાપરભાવ નથી. તેથી કારણમાં કાર્ય છે જ. અને તો જ ઉત્પન્ન થાય છે. કારણમાં જે કાર્ય દ્રવ્યથી સત્ છે. તે જ કાર્ય આવિર્ભાવ ઉત્પન્ન થાય છે. જે ન હોય તે થતું હોય તો શશશૃંગાદિ પણ થવાં જોઈએ. પણ થતાં નથી. માટે કારણ-કાર્યનો સદા અભેદ જ છે.
આ પ્રમાણે તેઓ અભેદવાદ ગાય છે. અને કારણમાં કાર્ય રહેલું છે, તો જ થાય છે. માટીમાં ઘટ રહેલો છે. અને થાય છે. જો ન રહેલો હોત અને થતો હોત તો તે માટીમાંથી જેમ ઘટ થાય છે. તેમ પટ પણ થવો જોઈએ. પણ પટ થતો નથી. અને ઘટ થાય છે. માટે ઘટકાર્ય માટીકારણમાં સત્ છે. એમ સત્કાર્યવાદી છે. ૧૦