________________
૫૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૦ વેગથી પંથ કાપવા તત્પર બને છે. તેવી રીતે મુક્તિનગરીના પ્રવાસે નીકળેલા અને યોગમાર્ગના અખંડ અભ્યાસી એવા આ મુમુક્ષુ મહાત્માનું એકભવનું આયુષ્ય પૂર્ણ થવાથી ભવાન્તર પામવા રૂપ વિશ્રામો અને રાતવાસો કરવો પડે છે. પરંતુ તે નવા ભવાન્તરમાં પુનઃ તાજોમાજો થયેલો આ યોગી મહાત્મા બાલ્યવયથી જ વિશિષ્ટ વિશિષ્ટ યોગધર્મને આચરવા તત્પર થાય છે. યોગીઓ ઉપર પ્રીતિ-ભક્તિ અને બહુમાનવાળો થાય છે. જેમકે વજૂસ્વામીજી, આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. આ પ્રસિદ્ધ ઉદાહરણો છે. આવા કેટલાય મહાત્માઓ આ કલિયુગમાં પણ જન્મમાત્રથી વૈરાગી થઈ આત્મસાધના કરનારા બન્યા છે અને બને છે. આ સર્વે કુલયોગી જાણવા. જેમનામાં જન્મમાત્રથી યોગધર્મનો પ્રેમ અને પક્ષપાત આવ્યો છે. વિશિષ્ટ યોગસાધના કરવાની યોગ્યતા રહેલી છે. અને તે તરફ અનુસરવાની તીવ્ર ઝંખના છે. તે સર્વે કુલયોગી આત્મા જાણવા.
નાપરે ત્રવન્તોfપ આ સિવાયના બીજા યોગસંબંધી ગોત્રવાળા હોય તો પણ તેઓ કુલયોગી કહેવાતા નથી. એટલે કે સામાન્યથી જે ભૂમિ ઉપર યોગના સંસ્કારોનો સંભવ છે. તેવી પંદર કર્મ ભૂમિ સ્વરૂપ યોગસાધનાને અનુકૂળ ભૂમિમાં જન્મ્યા છે તથા ધારે તો યોગસાધના કરી શકે તેવા યોગ્ય (સામગ્રીવાળા) છે. એટલે કે ભૂમિભવ્ય છે. અર્થાત્ યોગ્યભૂમિમાં જન્મ્યા છે. અને પોતે પણ યોગ્ય છે. યોગીઓના કુલોમાં જ જન્મ્યા છે. પરંતુ યોગધર્મ તરફ અલ્પ પણ પ્રેમ કે પક્ષપાત નથી, તેથી જ તેવો યોગધર્મ સેવવાની કે જાણવાની ઇચ્છા માત્ર પણ કરતા નથી તેવા આત્માઓ ગોત્રયોગી કહેવાય છે. પરંતુ કુલયોગી કહેવાતા નથી.
જેમ કુલવધુ કહેવાતી સ્ત્રી કુલની ઇજ્જત વધે તેમ વર્તે છે. કારણ વિના પર-ઘરે ન જવું, પોતાના ઘરમાં જ રહેવું, શીયળ સાચવવું, ઉચિત મર્યાદાથી જ બોલવું, નમણો સ્વભાવ રાખવો. લાજ-મર્યાદા સાચવવી. ઘેર આવનારા મહેમાનોનું આતિથ્ય બરાબર સાચવવું. સસરા-સાસુ, જેઠ-જેઠાણી આદિની સેવા કરવી. ઈત્યાદિ કુલધર્મને સાચવે તેને જ કુલવધુ કહેવાય છે. તથા કુલપુત્ર જેમ કુલની ઉન્નતિ કરે, માતા-પિતા આદિની સેવા કરે, કુલના યશની વૃદ્ધિ થાય તેવા સંસ્કારવાળો બને, ન્યાય-નીતિથી અર્થનું સંવર્ધન કરે, ઘરનાં બધાં જ પાત્રોને ઉચિતપણે સાચવે તે કુલપુત્ર કહેવાય છે. તેવી જ રીતે યોગીઓના કુલમાં જન્મ પામી યોગદશાની પ્રાપ્તિને અનુરૂપ ઉત્તમ સંસ્કારો મેળવી કોઈ જ્ઞાની ગીતાર્થ યોગીનો યોગ થાય તો યોગધર્મની પ્રાપ્તિની તથા આસેવનની તીવ્ર ઝંખના રાખે કે જેનાથી યોગિના કુલની પ્રતિષ્ઠા વધે, તેવા ઉત્તમ સંસ્કારો યુક્ત યોગની યોગ્યતા જેનામાં હોય તે કુલયોગી કહેવાય છે. આવા કુલયોગી જીવો આ ગ્રંથ ભણવાના અધિકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org