________________
ગાથા : ૯૨
૩૩૪
યોગદૃષ્ટિ સમુચ્ચય દૃષ્ટાન્તો મળવાં એ સર્વઠેકાણે સુલભ છે. જેમ કે દૂધ દ્રવ્યમાં બુદ્ધિની વર્ધકતાનો સ્વભાવ છે. પરંતુ ખાટા દ્રવ્યના સંયોગે દહીં રૂપે રૂપાન્તર થયેલા તે જ દ્રવ્યમાં બુદ્ધિની નાશકતાનો અપર સ્વભાવ જોવાય જ છે. આવાં દૃષ્ટાન્તો આપીને અગ્નિમાં ભીંજવવાનો અને પાણીમાં દાહકતાનો સ્વભાવ કુતર્કવાદી સિદ્ધ કરશે જ. માટે આ કુતર્ક અસમંજસકારી છે. તત્ત્વના પરમાર્થ સ્વરૂપને સમજવા સમજાવવામાં બાધાકારી જ છે. તેથી અર્વાગ્દષ્ટિવાળા જીવોને અગોચર એવો સ્વભાવ હેતુ છેવટે ઉત્તર રૂપે જે અપાય છે તે કુતર્ક છે. સર્વસ્થાને પરમાર્થથી સ્વભાવહેતુ કામ આવતો નથી. કારણકે વાદીની જેમ પ્રતિવાદી પણ તે જ સ્વભાવને અન્ય સ્વભાવાત્તર રૂપે (બીજા સ્વભાવ રૂપે) કલ્પીને આવા કુતર્કો દ્વારા વાદીની વાતનું ખંડન કરીને એકવાર શ્રોતાવર્ગમાં અસમંજસતા (દ્વિધા) પેદા કરે છે. જેથી તત્ત્વજ્ઞાન થતું નથી પણ શ્રોતાવર્ગ મુંઝવણમાં મૂકાય છે. માટે મુક્તિવાદી મહાત્માઓને આવા કુતર્ક વડે સર્યું.
પ્રશ્ન - અગ્નિ બાળે જ છે. અને પાણી ભીંજવે જ છે આ વાત લોકમાત્રમાં પ્રસિદ્ધ છે. તેને બદલે તે બન્નેમાં ઉલટા સ્વભાવો કેવી રીતે સમજાય?
ઉત્તર :- જો કે અગ્નિ બાળે છે. તો પણ પાણીની નિકટતાથી ભીંજવે પણ છે. કારણ કે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરાય છે. ત્યારે શરીર ઉપર નખાતા પાણીની સાથે અગ્નિકણ પણ શરીર ઉપર પડે જ છે, તેથી તે અગ્નિકણ પણ શરીરને ભીંજવે જ છે. તેવી જ રીતે પાણી જેમ ભીંજવી શકે છે. તેવી જ રીતે તે જ પાણી અગ્નિની નિકટતાથી બાળે પણ છે જ. શરીર ઉપર જ્યારે ગરમ પાણીથી સ્નાન કરાય છે ત્યારે તે જ પાણી જેમ શરીરને ભીંજવે છે, તેમ ગરમ હોવાથી દાહ પણ કરે જ છે. આ પ્રમાણે જે દ્રવ્યમાં જે સ્વભાવ છે તે જ દ્રવ્યમાં વિપરીત સ્વભાવ પણ કુતર્કથી પ્રતિવાદી સિદ્ધ કરે છે. માટે “સ્વભાવ” હેતુ જેમ વાદી કહી શકે છે. તેમ પ્રતિવાદી પણ કહી શકે છે, તેથી સાચું જ્ઞાન થતું નથી, અર્થાત્ તેનાથી લોકો જ્ઞાન પામતા નથી. પરંતુ સંદેહમાં જ પડે છે. કુતર્કવાદીની દૃષ્ટિ હંમેશાં એવી હોય છે. કે મારી માન્યતા સિદ્ધ થાય, અથવા ભલે સિદ્ધ ન થાય પરંતુ વાદીની વાત સિદ્ધ ન થવી જોઈએ, આવો સ્વભાવ હોય છે. આવા પ્રકારના અસમંજસકારી વિતંડાવાદ રૂપી આ કુતર્કો છે. શુષ્ક તર્કવાદ સ્વરૂપ હોવાથી વાદ-વિવાદમાં જ સમય જાય છે. ઉપકાર કરે તેવું કંઈ પણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. વાસ્તવિકપણે તો અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન આગમથી જ ગમ્ય છે. માટે પ્રધાનતાએ આગમનું જ શરણ સ્વીકારવું, કુતર્કોથી દૂર રહેવું, એવો ઔદંપર્યાર્થ(સાર) છે. ૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org