________________
- ૧૭ . એક સુશ્લિષ્ટ, પૂર્વાપર શ્લોકોના તંતુને સરળ અને તર્કગમ્ય રીતે જોડી આપતા વિવેચનની મોટી ખોટ આપણે ત્યાં કાયમ વર્તાતી હતી. અમુક વિવેચન વધુ પડતાં અવતરણો તથા લાંબા લાંબા પ્રસ્તારને કારણે, તો અમુક વળી વ્યાખ્યાનાત્મક હોઇ સળંગ સૂત્રતાના અભાવે, અને અમુક વિવેચન વાજબી અર્થ ઘટનની ઊણપને કારણે અભ્યાસીઓ તથા તત્ત્વજિજ્ઞાસુઓ માટે ઝટ ઉપાદેય નહોતાં બનતાં. વળી, અમેરિકા વગેરે વિદેશોમાં તથા આપણા દેશમાં પણ ઘણા જિજ્ઞાસુ જીવો છે જેમને બાળભોગ્ય ભાષા-શૈલીમાં આ ગ્રંથના પદાર્થો સમજવામાં ઊંડો રસ હતો. તેવા આત્માઓને નજર સામે રાખી ૫. ધીરૂભાઈએ આ વિવેચન લખ્યું છે, જે ખપી આત્માઓને ખૂબ જ ઉપકારક બની રહે તેમ છે.
શ્રાવક પંડિત ધીરૂભાઈ સૌમ્ય પ્રકૃતિ અને પદ્ધતિના જૈન વિદ્વાન છે. જૈનસંઘમાં જૂની ઘાટીના અથવા પરંપરાગત શૈલીના જે ગણ્યા-ગાંઠ્યા ચાર-પાંચ પંડિત શ્રાવકો બચ્યા છે, તેમાંના એક ધીરૂભાઈ છે. સંકડો સાધુ-સાધ્વીજીઓને તેમજ સેંકડો ગૃહસ્થોને તેમણે ગ્રંથો ભણાવ્યા છે, અને હજી પણ ભણાવે છે. શાંત અને સરળ પદ્ધતિએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, મોટાં નિશ્ચય-વ્યવહારનાં સ્તવનો, ન્યાયવ્યાકરણના ગ્રંથો, કર્મસાહિત્ય વગેરે તે ભણાવે છે અને ભણનારા તેમનાથી વધુ શ્રદ્ધાળુ તથા શાસનસમર્પિત બને છે. મારા હિસાબે તેમના જીવનની આ મોટી ઉપલબ્ધિ ગણાય.
છેલ્લાં કેટલાંક વર્ષોથી પં. ધીરૂભાઇએ બે વિશેષ પ્રકલ્પો આરંભ્યા છે. એક, પરદેશના જૈનોને તત્ત્વજ્ઞાન ભણાવવું, અને બીજું વિવિધ ગ્રંથોનો સ્વાધ્યાય કરી તેના વિવેચનાત્મક અનુવાદો લખવા. એ આનંદની વાત છે કે આ બન્ને બાબતે તેઓને ધારી સફળતા પ્રાપ્ત થઈ છે. આપણે આશા રાખીએ હજી આવા અનેક અનુવાદો તેમની પાસેથી મળ્યા જ કરો.
આ ગ્રંથ પરનું તેમનું મોટા ભાગનું વિવેચન જોવાની મને તક મળી છે. એ બહાને મારે ફરીવાર આ ગ્રંથનો સ્વાધ્યાય થયો તે મારા માટે ઉપકારક થયો છે. વિવેચન સુગમ, બાળભોગ્ય અને ગ્રંથકારના આશયને વફાદાર જણાયું છે. પોતાનો મત સ્થાપવાની, પંથ કાઢવાની તથા કોઈને જૂઠા પાડવાની વૃત્તિપ્રવૃત્તિ ન હોવાથી તેઓ ગ્રંથ તથા ગ્રંથકારને બરાબર વફાદાર રહી શક્યા છે તથા ન્યાય આપી શકયા છે. મધ્યસ્થભાવે અને બહુમાનપૂર્વક લખાયેલા ગ્રંથો જ ચિરસ્થાયીરૂપે ઉપાદેય બને છે.
આ વિવેચનગ્રંથનો અભ્યાસ અનેક અનેક આત્માઓ કરે, તેના માધ્યમથી પોતાની કક્ષા તથા ભૂમિકાની સતત ચકાસણી/પરીક્ષણ કરે, અને પોતાની ત્રુટીઓને જુએ, ધૂએ તથા એક પછી એક દોષને નિવારતાં એકેકા ગુણને વિકસાવે અને માનવીય, નૈતિક, ધાર્મિક અને પછી આત્મિક ગુણોની શ્રેણિ પર આરૂઢ થાય તેવી શુભાશંસા સાથે વિરમું છું.
શીલચંદ્રવિજય
શ્રી નંદનવનતીર્થ ફાગણ શુદિ ૯, ૨૦૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org