________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
(૨) બીજું લક્ષણ ગુણવાનૢ વ્યક્તિઓ પ્રત્યે અદ્વેષ. જ્ઞાન, વિનય, વિવેક, તપ, ધ્યાન, ચારિત્ર, આદિ કોઇપણ ગુણવડે પુરુષ આપણાથી અધિક હોય તેને જોઇને દ્વેષ (મત્સ૨) ન થવો, પરંતુ પ્રમોદ (હર્ષ) ભાવ થવો, આ બીજું લક્ષણ સમજવું. ગુણીના ગુણોનો અનુવાદ સાંભળી પ્રસન્ન થવું, રોમે રોમ આનંદ વ્યાપવો, મારો કેવો પુણ્યોદય ? કે મને આવા ઉત્તમ પુરુષના ગુણો જોવા-સાંભળવા મળ્યા, મારી આંખો અને કાન આજે પવિત્ર-પવિત્ર થયાં, એમ રોમરાજી ખીલી ઉઠે, પરના નાના ગુણને પર્વત જેવડો કરીને ગાય, અત્યન્ત પ્રસન્ન થાય, પોતાના મોટા ગુણને નાનો કરે, પર પ્રત્યે અલ્પ પણ ઇર્ષ્યા-દ્વેષ-અદેખાઇ ન કરે, હીનતા ન આચરે, એ જ ઉત્તમપુરુષનું લક્ષણ છે. હૈયાથી સાચો ગુણાનુરાગી બને એ પ્રભૂત ભાવમલક્ષયનું બીજું લક્ષણ છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે
ગાથા : ૩૨
परगुणपरमाणून्, पर्वतीकृत्यनित्यम् । निजहृदिविकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ અર્થ - અન્યના પરમાણુ જેટલા નાના ગુણોને પર્વત જેટલા મોટા કરીને પોતાના હૈયામાં આનંદની છોળો ઉછાળનારા એવા સંત પુરુષો આ દુનિયામાં કેટલા ?
(૩) ત્રીજું લક્ષણ ‘સર્વત્ર અવિશેષપણે (ભેદભાવ કર્યા વિના) ઔચિત્ય આચરણ કરવું” તે છે. દીન-દુઃખી-દરિદ્રી આદિ જે જે અનુકંપ્ય જીવો હોય તેના પ્રત્યે ભેદભાવ વિના અવશ્ય અનુકંપા કરવી. અને ગુણવાન્ પાત્રો હોય તેના પ્રત્યે ભક્તિભાવથી સેવા કરવી તે ઔચિત્ય આચરણ કહેવાય. જે પાત્રને જેની જરૂરિયાત હોય, જેનાથી તેનો ઉપકાર થાય તેમ હોય, તેવા પાત્રને તે કાળે તે આપવું. શાસ્ત્રોના અનુસારે દીનાદિ પ્રત્યે તિરસ્કાર-અપમાન આદિ દૂષિતભાવો વર્જીને ભેદભાવ વિના અનુકંપા બુદ્ધિથી પ્રવર્તવું. જ્યાં જ્યાં જે જે ઉપકારી હોય ત્યાં ત્યાં તે તે ભાવ આચરવા અને જ્યાં જ્યાં જે અપકારી હોય ત્યાં ત્યાં તેનો ત્યાગ કરવો તે ઔચિત્યાચરણ કહેવાય છે. જેમ માતા પ્રત્યે નમન યોગ્ય કહેવાય, પત્ની પ્રત્યે પ્રેમ યોગ્ય કહેવાય, પુત્રી પ્રત્યે વાત્સલ્ય યોગ્ય કહેવાય તેમ સર્વત્ર સમજવું. આ રીતે સર્વત્ર ઉપકારી ભાવને મુખ્ય કરીને ઉચિત આચરણ કરવું તે જ પ્રભૂત ભાવમલક્ષયનું ત્રીજું લક્ષણ સમજવું. ઔચિત્ય આચરણ આવવાથી આ જીવમાં જે કંઇ અસત્પ્રવૃત્તિ (અપકાર કરનારી ખોટી પ્રવૃત્તિ) હોય છે તે નીકળી જાય છે અને સત્પ્રવૃત્તિ અવશ્ય વધે છે.
अस्यौचित्यानुसारित्वात् प्रवृत्तिर्नासती भवेत् ।
सत्प्रवृतिश्च नियमात्, ध्रुवः कर्मक्षयो मतः ॥ योगबिन्दु-३४०॥
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org