________________
ભગવાન મહાવીરનો મંગળ વારસો • ૬૭ એક બિંદુ માત્ર છે. ભૂતકાળ એ તો ભૂત છે, સત્ રૂપે રહેતો નથી. આપણે કલ્પી ન શકીએ તેવી ત્વરાથી તે આવે અને જાય છે. પણ તેમાં સંચિત થયેલા સંસ્કારો નવાનવા વર્તમાનના બિંદુમાં સમાતા જાય છે. ભગવાન મહાવીરે જીવનમાં જે આધ્યાત્મિક વારસો મેળવ્યો અને સિદ્ધ કર્યો તે તેમના પુરુષાર્થનું ફળ છે એ ખરું છે, પણ એની પાછળ અજ્ઞાત ભૂતકાળના તેવા વારસાની સતત પરંપરા રહેલી છે. કોઈ એને ઋષભ કે નેમિનાથ કે પાર્શ્વનાથ વગેરેથી ઊતરી આવેલ કહે, પણ હું એને એક અર્ધસત્ય તરીકે સ્વીકારું છું. ભગવાન મહાવીરના પહેલાં માનવજાતિએ જે જે આવા આધ્યાત્મિક મહાપુરુષો સર્જાવેલા તે ગમે તે નામથી પ્રસિદ્ધ થયા હોય અથવા અજ્ઞાત રહ્યા હોય, પણ એ સમગ્ર આધ્યાત્મિક પુરુષોની સાધનાની સંપત્તિ માનવજાતિમાં એવી રીતે ઉત્તરોત્તર સંક્રાંત થતી જતી હતી કે તે માટે એમ કહેવું કે આ બધી સંપત્તિ કોઈ એક જ સાધી છે તો એ એક ભક્તિમાત્ર છે. ભગવાન મહાવીરે એવા જ આધ્યાત્મિક કાળસોતમાંથી ઉપર સૂચવેલ માંગલિક વારસો મેળવ્યો અને સ્વપુરુષાર્થથી એને જીવતો કરી વિશેષ વિકસાવી દેશ અને કાળને અનુકૂળ થાય એવી રીતે સમૃદ્ધ કરી વિશેષ વિકસાવી દેશ અને કાળને અનુકૂળ થાય એવી રીતે સમૃદ્ધ કરી આપણી સામે રજૂ કર્યો. હું નથી જાણતો કે તેમના પછી થયેલા ઉત્તરકાલીન કેટલા ભેખધારી સંતોએ એ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કેળવ્યું, પણ એમ કહી શકાય કે એ બિંદુમાં જેમ ભૂતકાળનો મહાન સમુદ્ર સમાયેલો છે તેમ ભવિષ્યનો અનંત સમુદ્ર પણ એ બિંદુમાં સમાયેલો છે; એટલે ભવિષ્યની ધારા એ બિંદુ વાટે ચાલવાની અને ચાલવાની જ.
જ્યારે ઉપનિષદોમાં “તત્ત્વમસિ” એમ કહેવામાં આવ્યું ત્યારે એનો અર્થ બીજી રીતે એ છે કે તું અર્થાત્ જીવદશા પ્રાપ્ત પોતે તે જ અર્થાત્ શુદ્ધ પરમાત્મસ્વરૂપ જ છે. આ પણ શક્તિની અને યોગ્યતાની દૃષ્ટિએ બિંદુમાં સિંધુ સમાયાનો એક દાખલો
જ છે.
ઉપર સૂચવેલ ચોથા પ્રકારના વારસાને ધ્યાનમાં રાખીને જ બૌદ્ધમંગળસૂત્રમાં કહેવાયું છે કે તે મંત્રમુત્તમમ્ - આ એક ઉત્તમ મંગળ છે. આને જ આદિ, મધ્ય અને અંતિમ મંગળ કહેવામાં આવ્યું છે. જૈન સૂત્રમાંના ચત્તારિ મંગલ પાઠમાં જે ચોથું મંગળ કહેવામાં આવ્યું છે તે આ જ વસ્તુ છે.
આપણા જીવનકાળ દરમિયાન આપણે જોયું છે કે ગાંધીજીએ આ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કઈ કઈ રીતે વિકસાવ્યું. આજની પવિત્ર ક્ષણે આપણે એવી જ કોઈ માંગલિક ભાવના સાથે જુદા પડીએ કે આપણે પણ આવા માંગલિક વારસાને પાત્ર ક્યારે બનીએ ?
– અખંડ આનંદ, નવેમ્બર ૧૯૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org