________________
ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૧૫ ચૂપકી સાધવી રહી અને કાં તો તેમનો નિવૃત્તિધર્મ તેમની પાસે ભાષાસમિતિ દ્વારા એટલું જ કહેવડાવે કે એ બાબત વધારે કહેવું એ મુનિધર્મ નથી. તમે પોતે જ યથાયોગ્ય સમજી લો. જેમ આત્મકલ્યાણ થાય તેમ કરો ઈત્યાદિ.
ઋષભના ચરિત્રલેખક આચાર્યોના એ જ જાતના સંસ્કારો હતા. જે પ્રશ્નોનો જવાબ સ્વતંત્રપણે તેઓ નકારમાં જ આપે તે પ્રશ્નો ઋષભનું જીવન લખતાં તેમની સામે આવીને ઊભા રહ્યા. ઋષભ એટલાબધા માન્ય અને પૂજ્ય હતા કે તેમના જીવનની એકેએક ઘટનાનું સમર્થન કર્યા સિવાય તેમનાથી ચલાવી શકાય તેમ પણ ન હતું, અને બીજી બાજુ નિવૃત્તિધર્મ વિશેના એમના સંસ્કારો એમને એ સમર્થન કરવા રોકતા. છેવટે તેમણે એ ઘટનાઓનું સમર્થન તો કર્યું, પણ તે સમર્થન કહેવા પૂરતું અને અસ્પષ્ટ. હેમચંદ્ર વિવાહ વિશે લખતાં કહે છે કે ઋષભદેવે લોકોમાં વિવાહપ્રવૃત્તિ ચાલુ રાખવા લગ્ન કર્યું. તે કહે છે કે સુનંદાને સ્વીકારી તેનું અનાથપણું ટાળ્યું. તે કહે છે કે અનેક પત્નીઓ અને સેંકડો સંતાનવાળો ગૃહસ્થધર્મ ભગવાને અનાસક્તપણે આચર્યો. તે કહે છે કે અનેક પ્રકારના ધંધા ને શિલ્પો શીખવી ભગવાને સમાજમાં જીવનયાત્રા સુકર કરી ઉપકાર સાધ્યો. તે કહે છે કે સંતાનને યોગ્ય બનાવી તેને બધી ગૃહ–રાજ્યવ્યવસ્થા સોંપીને જ દીક્ષા લઈ ભગવાને જીવનમાર્ગમાં સામંજસ્ય સ્થાપ્યું. હેમચંદ્ર નિવૃત્તિધર્મથી વિરુદ્ધ દેખાતા પ્રવૃત્તિધર્મના એકેએક અંગનું સમર્થન ટૂંકમાં એક જ વાક્યથી કરે છે કે ભગવાન વિશિષ્ટ જ્ઞાની હતા, માટે તેમણે ત્યાજ્ય ને સાવદ્ય કર્મોને પણ કર્તવ્ય ગણી અનાસક્તપણે આચર્યા.
ઋષભદેવનો વિવાહ, તેમણે ઉત્પન્ન કરેલ સંતતિ, તેમણે એ સંતતિને આપેલ શિક્ષણ અને તેનું કરેલ પોષણ, તેમણે પ્રજાસામાન્યને જીવનોપયોગી એવા કહેવાતા આરંભસમારંભવાળા બધા જ ધંધાઓનું આપેલું શિક્ષણ ને તે ધંધાઓમાં જાતે કરેલ પ્રવૃત્તિ – આ બધી ઘટનાઓનું સમર્થન આચાર્ય જિનસેન તેમજ હેમચંદ્ર કરે છે. એટલે જ નહિ, પણ અત્યારના એકેએક નાનામોટા જૈન ફિરકાના ધર્મોપદેશક પંડિતો તેમજ ત્યાગીઓ કરે છે. અહીં સવાલ એ છે કે જૂના વખતમાં કરાયેલું અને અત્યારે પણ કરાતું આ સમર્થન વાસ્તવિકતાની દૃષ્ટિએ થાય છે કે માત્ર મહાન પુરુષના જીવનની ઘટનાઓ છે એટલા જ કારણસર એ સમર્થન થાય છે? જો મહાન પુરુષના જીવનની ઘટનાઓ હોવાને જ કારણે તે વસ્તુતઃ સમર્થનયોગ્ય ન હોવા છતાં તેનું સમર્થન થયેલું છે અને અત્યારે પણ થાય છે એ વિકલ્પ સ્વીકારીએ તો તેથી જૈન સમાજના ચાલુ કોયડાઓનો ઉકેલ તો થતો જ નથી, પણ વધારામાં પંડિતો ને આચાર્યોના વિચાર તેમજ જીવનની અસત્યસેવન રૂપ નબળી બાજુ પણ પ્રગટ થાય છે. જો એ વિકલ્પ સ્વીકારીએ કે જૂના વખતનું અને અત્યારનું એ સમર્થન માત્ર વાસ્તવિકતાની દૃષ્ટિએ જ છે, તો એ ઉપરથી એટલું જ સિદ્ધ થવાનું કે પ્રવૃત્તિધર્મને લગતી લગ્ન વગેરેની ઉપરની ઘટનાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org