________________
૧૩૦ • જૈન ધર્મ અને દર્શન હશે, અને તેણે ભગવાનને પરીષહો આપ્યા હોય તોય તે અમુક મર્યાદામાં જ આપ્યા હોવા જોઈએ, પણ જાણી જોઈને આપણે વિચારશક્તિ એટલી બધી કુંઠિત કરી નાખી છે કે એ વિશે વિચાર કરતાં પણ ધૂજીએ છીએ.
દેવોની દરમ્યાનગીરી દ્વારા અસંભવ ઘટનાઓ પણ સંભવિત બનાવવાનો સહેલો કીમિયો હાથમાં આવ્યો. પછી તો પૂછવું જ શું? ભગવાને જન્મ તો લીધો દેવાનંદાની કુક્ષિમાં, પણ અવતય ત્રિશલાને પેટે. આ બનાવને જૈનેતરો જ નહિ પણ જેનો સુધ્ધાં હસી કાઢે એવી સ્થિતિ દેખાતાં દેવની દરમિયાનગીરી મદદે આવી અને સમાધાન થઈ ગયું કે ગર્ભપહરણ તો દેવે કર્યું. દેવની શક્તિ કાંઈ જેવી તેવી છે ? એ તો ધારે તે કરે. આપણું ગજું નહિ કે એને આપણે સમજી શકીએ ! શ્રદ્ધા બંધાઈ, મજબૂત બની અને એ વિશે નવું જાણવાનું દ્વાર એણે બંધ કર્યું. આ પ્રસંગને જૈનેતરો તો બનાવટી લેખતા જ, પણ આ વિષમ કળિયુગમાં જેનો પણ એવા પાકવા લાગ્યા કે તેઓ એ ઘટનાનું રહસ્ય પૂછવા લાગ્યા. જો તેઓ દેવનું અસ્તિત્વ અને દરમિયાનગીરી ન સ્વીકારે તો તેમણે જૈન સમાજ જ છોડી દેવો ત્યાં લગી શ્રદ્ધાળુ વિચારણા આગળ વધી. પણ આકાશ ફાટ્યું ત્યાં થીગડાં કેમ દેવાય ?
ધર્મપર્વમાં તો ખુલ્લે દિલે અને મુક્ત મને વિચારણા કરવાનો માર્ગ ખૂલવો જઈતો હતો; નહિ સમજાયેલાં અને નહિ સમજાતાં રહસ્યોના ખુલાસાઓ શોધવા જોઈતા હતા; પરંપરાગત પૌરાણિક કલ્પનાઓની પાછળનું ઐતિહાસિક તથ્ય શોધાવું જોઈતું હતું. તેને બદલે જ્યાં દેખો ત્યાં આઠે દિવસ હજારો લોકોની માનસિક એરણ ઉપર વહેમો અને અંધશ્રદ્ધાનાં એવા ઘાટ વ્યાખ્યાનોના હથોડાથી ઘડાયે જ જાય છે કે ત્યાગીઓ તેમજ ગૃહસ્થો એ વિચાર સુધ્ધાં નથી કરતા કે સાંભળનારી આ નવી પેઢી તેમની કેટલીક સાચી વાતને પણ ખોટી સાથે આગળ જતાં ફેંકી દેશે !
ભગવાન દેવાનંદાને જ પેટે અવતર્યા હોત તો શું બગડી જાત? ગર્ભમાં આવવાથી જો ભગવાનનું જીવન વિકૃત ન થયું તો અવતરવાથી શી રીતે વિકૃતિ થાય? યશોદાને પરણ્યા છતાં તેનો રાગ સર્વથા છોડી શકનાર મહાવીર દેવાનંદાને પેટે અવતરવાથી કેવી રીતે વીતરાગ થતા અટકત? શુદ્ધ બ્રાહ્મણીને પેટે અવતરનાર ઈન્દ્રભૂતિ આદિ ગણધરોને કેવળજ્ઞાન અને વીતરાગત્વ પ્રગટતાં તેમની માતાનું જે બ્રાહ્મણીત્વ આડે ન આવ્યું તે ભગવાનના વીતરાગત્વમાં આડે શા માટે આવત? ક્ષત્રિયાણીમાં એવો શો ગુણ હોય છે કે તે વીતરાગત્વ પ્રગટવામાં આડે ન આવે ? ક્ષત્રિયત્ન અને બ્રાહ્મણત્વ તાત્ત્વિક રીતે શેમાં સમાયેલ છે અને તેમાં કોણ ઊંચુંનીચું છે અને તે શા કારણે આ અને આના જેવા સેંકડો પ્રશ્નો ઊભા થાય છે, પણ એ પ્રશનો કરે કોણ ? કરે તો સાંભળે કોણ ? અને સાંભળે તો એનો બુદ્ધિગમ્ય ખુલાસો કરે કોણ? આ સ્થિતિ ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org