________________
૬૪ - માથુરી
આચારની પાછળ દર્શન ન હોય તે આચારની સાધનામાં નિષ્ઠા આવતી નથી. આથી દરેક ધર્મે જીવના બંધ અને મોક્ષ તથા જીવનો જગત સાથેનો સંબંધ તથા જગતના સ્વરૂપ વિશે અનિવાર્ય રીતે વિચાર કરવો પડે છે. આ અનિવાર્યતામાંથી જૈન દર્શન ઊભું થયું છે. પ્રથમ કહેવાયું તેમ જૈન દર્શનના વિચારની વિશેષતા છે કે તે સત્યની શોધ માટે તત્પર છે અને આથી જ સકલ દર્શનોના સમૂહરૂપ જૈન દર્શન છે. એવો ઉદ્ઘોષ આચાર્ય જિનભદ્ર જેવા આચાર્યો કરી ગયા છે.
જૈન દર્શનનાં મૂળ તત્ત્વો બે જ છે : જીવ અને અજીવ. એ બેનો વિસ્તાર પાંચ અસ્તિકાયરૂપે, છ દ્રવ્યરૂપે અથવા સાત તત્ત્વ કે નવ તત્ત્વરૂપે વર્ણવવામાં આવે છે. ચાર્વાકો કેવળ અજીવને પાંચ ભૂતરૂપે માનનારા હતા અને ઉપનિષદના ઋષિઓ કેવળ જીવને એટલે કે આત્મા-પુરુષ-બ્રહ્મને માનનારા હતા. એ બંને મતોનો સમન્વય જીવ અને અજીવ માનીને જૈન દર્શનમાં થયો છે. સંસાર અને સિદ્ધિ-નિર્વાણ કે બંધન અને મુક્તિ એ તો જ ઘટે, જો જીવ અને ઇતર હોય. આથી જીવ અને અજીવ બંનેના અસ્તિત્વની તાર્કિક સંગતિ જૈનોએ સિદ્ધ કરી અને પુરુષ અને પ્રકૃતિનું અસ્તિત્વ માની પ્રાચીન સાંખ્યોએ પણ એ સંગતિ સાધી. વળી આત્માને કે પુરુષને કેવળ કુટસ્થ માનવાથી પણ બંધ મોક્ષ જેવી વિરોધી અવસ્થાઓ જીવમાં ઘટી શકે નહિ, આથી બધાં દર્શનોથી જુદા પડીને બૌદ્ધસંમત ચિત્તની જેમ, આત્માને પણ એક અપેક્ષાએ જૈનોએ અનિત્ય માન્યો અને બધાની જેમ નિત્ય માનવામાં પણ જૈનોને વાંધો તો છે જ નહિ. કારણ કે બંધ અને મોક્ષ અને પુનર્જીવનનું ચક્ર એ જ આત્મામાં જ છે. આમ આત્મા જૈન મતે પરિણામી નિત્ય માનવામાં આવ્યો. સાંખ્યોએ પ્રકૃતિજડ તત્ત્વને તો પરિણામી નિત્ય માન્યું હતું પણ પુરુષને ફૂટસ્થ. પરંતુ જૈનોએ જડ અને જીવ બંનેને પરિણામી નિત્ય માન્યા. આમાં પણ તેમની અનેકાંત દૃષ્ટિ સ્પષ્ટ થાય છે.
જીવના ચૈતન્યનો અનુભવ માત્ર દેહમાં થતો હોઈ જૈન મતે જીવઆત્મા દેહપરિણામ છે. નવા નવા જન્મો જીવને ધારણ કરવા પડે છે. તેથી તેને ગમનાગમ અનિવાર્ય છે. આથી જીવને ગમનમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયને નામે અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાયને નામે એમ બે અજીવ દ્રવ્યો માનવાં અનિવાર્ય થઈ પડ્યાં. તે જ રીતે જીવને જો સંસાર હોય તો બંધન હોવું જોઈએ. એ બંધન પુદ્ગલ એટલે કે જડ દ્રવ્યનું છે. એવી પુદ્ગલાસ્તિકાયરૂપે એક અન્ય પણ અજીવ દ્રવ્ય મનાયું. આ બધાંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org