________________
૯. ગુજરાતમાં સંશોધન પ્રવૃત્તિઓ
': ૧ : ગુજરાતી સાહિત્ય પરિષદે તેના ૨૮મા અધિવેશનના સંશોધન વિભાગનું પ્રમુખપદ મને આપવાનું નક્કી કર્યું તેમાં તેણે ઔચિત્યભંગ કર્યો છે તેમ કહું તો પરિષદ પ્રત્યેનો અનાદર સૂચિત થાય અને જો મારી જાતને તે પદને લાયક ગણું તો મારી ધૃષ્ટતા જ પ્રકટ થાય. આવી મારા મનની મુશ્કેલીનો તોડ એ જ છે કે જે કાંઈ આવી પડ્યું છે તેને યોગ્ય થવા પ્રયત્ન કરવો અને પરિષદના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી આગળ વધવું.
સંશોધન-વિભાગનું ક્ષેત્ર કેટલું વિશાળ છે તેનો મને ખ્યાલ આવે છે ત્યારે મારું મન ગભરાટ અનુભવે છે. પરંતુ સાથે જ જયારે જોઉં છું કે આ તો ગુજરાતી સાહિત્યમાં રસ લેતી પરિષદ છે ત્યારે મનને મનાવી લઉં છું કે સંશોધનના વિશાળ ક્ષેત્રમાંથી વૈજ્ઞાનિક સંશોધન વિશે તો મારે કશું કહેવાનું રહેશે નહિ. એ વિશેની મારી યોગ્યતા પણ નથી. બાકી રહે છે વિજ્ઞાનબાહ્ય વિષયો. તેમાં પણ મારી પોતાની થોડી યોગ્યતા અને રસવૃત્તિ ભારતીય ધર્મો અને તત્ત્વજ્ઞાન વિશે છે, અન્ય વિષયોમાં મારો ચંચુપાત છે એટલે જે કાંઈ કહું તેમાં આ મર્યાદા સુજ્ઞ શ્રોતાજનો નભાવી લે એવી વિનંતી જ કરવી રહી.
પ્રથમ કેટલાક સગતોને યાદ કરું તે ઉચિત લેખાશે. ગત વર્ષમાં મહાન ઇતિહાસ લેખક આર્નોલ્ડ ટોઈમ્બીનું અવસાન થયું. તેમણે પોતાની આગવી દૃષ્ટિથી દુનિયાના ઇતિહાસનો અદ્વિતીય ગ્રંથ આપણને આપ્યો છે. તે ગ્રંથનું તારણ યાદ કરીને જ આપણે તેમને અંજલી આપી શકીશું. તેમનું કહેવું છે કે માણસ માણસ વચ્ચેનું ભૌગોલિક અંતર ઘટી ગયું છે. પરંતુ માણસે જે આધુનિક શસ્ત્રોની શોધ કરી છે તે જ તેનો સર્વનાશ કરવા સમર્થ છે. આમાંથી બચવાનું એકમાત્ર સાધન માણસ પાસે છે અને તે તેની ધર્મભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org