________________
જૈન સાહિત્ય ૦ ૨૭ સાહિત્યની એક શાખા જૈન સાહિત્યની જે એક મુખ્ય વિશેષતા છે તે બીજી કોઈ નહિ પણ તેની આધ્યાત્મિકતા છે.
વેદોમાં તત્ત્વદષ્ટિએ જોઈએ તો અનેક દેવોનો સમન્વય છેવટે એક દેવમાં કરવામાં આવ્યો છે અને તે દેવને વિવિધ નામે પોકારી શકાય છે એમ કહેવામાં આવ્યું છે અને એ પણ નિષ્કર્ષ છે કે જગતના મૂળમાં કોઈ એક જ વસ્તુ છે. આ વસ્તુ તે ઉપનિષદકાળમાં બ્રહ્મ અથવા આત્માને નામે ઓળખાઈ. બ્રહ્મ તો ઠીક પણ એ વસ્તુ તે આત્મા છે એવી માન્યતાનું મૂળ પણ અધ્યાત્મવાદમાં શોધવું જોઈએ. અર્થાત્ વિવિધ દેવો અને બ્રહ્મનું સ્થાન આત્માએ લીધું અને આત્માને જ ઉપાસો, એનું જ શ્રવણમનન કરો આદિ કહેવામાં આવ્યું. આ વસ્તુ અધ્યાત્મવાદની સૂચના જ નથી આપતી પણ તેનું તે કાળે કેટલું મહત્ત્વ હતું એ પણ સિદ્ધ કરી આપે છે.
શ્રમણસાહિત્યની વિશેષતા એ છે કે તેમાં તત્ત્વદષ્ટિએ એક નહિ પણ અનેક અને તે પણ આત્મા અને જડ અથવા ચેતન અને અચેતન એમ બે વસ્તુઓ માનવામાં આવી છે. વેદ અને વેદાંતમાં અદ્વૈત છે તે આમાં દ્વૈત છે; અને દ્વૈતમાં જે આત્મા છે તેનું જ મહત્ત્વ છે. આ હકીકત જૈન સાહિત્યના પાને પાને સિદ્ધ કરી શકાય છે. આત્માના આ મહત્ત્વના કારણે જ શ્રમણ સાહિત્ય એ આધ્યાત્મિક સાહિત્ય છે અને એ અધ્યાત્મની અસરનું પરિણામ ઉપનિષદોની વિલક્ષણ રચનામાં સ્પષ્ટ થાય છે. એટલે જૈન સાહિત્યની પ્રાથમિક વિશેષતા તેના અધ્યાત્મવાદમાં છે એમ કહી શકાય.
એ અધ્યાત્મવાદની આસપાસ જ જૈન સાહિત્યમાં વિવિધ વિષયોના ગ્રંથો રચાયા છે. જીવશાસ્ત્ર, ભૂગોળ કે ખગોળનો આધ્યાત્મિકતા સાથે શો સંબંધ છે એમ કોઈ પૂછી શકે છે; પણ એ જીવશાસ્ત્ર હોય કે ભૂગોળ યા ખગોળશાસ્ત્ર હોય પરંતુ તેના નિરૂપણનો પ્રસંગ કે અવસર સમગ્રભાવે જીવ અથવા આત્માની જે વિવિધ સાંસારિક અવસ્થાઓ છે તેના ભલાબૂરા કર્મને અંગે થાય છે અને જીવ ઉત્તરોત્તર વિકાસ કરતો ક્યાં ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એ સ્થળો ક્યાં કેવાં છે એ પ્રસંગને લઈને જ જીવશાસ્ત્ર, ભૂગોળ કે ખગોળ જેવા વિષયો જેને દેખીતી રીતે અધ્યાત્મશાસ્ત્ર સાથે કશો જ સંબંધ ન દેખાય છતાં વ્યવસ્થિત રૂપે નિરૂપવામાં આવ્યા છે, અને જૈનદષ્ટિકોણથી સમગ્રભાવે વિશ્વરચનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગમે તે વિષયનું શાસ્ત્ર હોય પણ છેવટે તેનો સંબંધ જીવના આત્માના મોક્ષશાસ્ર સાથે સ્વતઃ જોડાઈ જાય એવી એકસૂત્રતા સમગ્રભાવે જૈન સાહિત્યમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org