________________
નિત્ય નૂતન મૂલ્યનિષ્ઠ સાહિત્ય
ગાંધીયુગ એટલે મૂલ્યોનો યુગ. આ યુગમાં જે સાહિત્ય રચાયું તે મહદંશે મૂલ્યનિષ્ઠાથી ઓપતું – છલકાતું સાહિત્ય. નૈતિક અને આધ્યાત્મિક જીવનમૂલ્યો પ્રત્યેની આસ્થા અને આશા – એ આ સાહિત્યનાં પ્રાણતત્ત્વો હતાં એમ કહી શકાય, અને એટલે જ, એ સાહિત્યમાં ક્યાં ય ઉચ્છંખલતા કે અશિષ્ટતા જેવાં અનિચ્છનીય તત્ત્વો પ્રવેશી શકયા નથી.
ગાંધીયુગીન ગુજરાતી સાહિત્ય વિશે આવું વિધાન કરવામાં ખોટા પડવાનો ભય બહુ ન લાગે, પણ ગાંધીયુગીન જૈન સાહિત્ય વિશે તો આ વિધાન તદન નિર્ભયપણે અને બેધડક કરી શકાય.
જૈન સાહિત્ય તો પરંપરાથી સતત સર્જાતું જ આવ્યું છે. સૈકાઓથી પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં સતત વહ્યા કરેલું જૈન સાહિત્યનું વહેણ મધ્યકાળમાં ગુજરાતીમાં પણ પૂરજોશમાં વહ્યું. અને વીસમી સદીમાં જ્યારે સર્જનાત્મક સાહિત્યનો વ્યાપક પવન ફૂંકાયો, ત્યારે જૈન સાહિત્ય પણ તેમાં પાછળ ન રહ્યું. જૈન સમાજે પણ કવિઓ, વાતકારો અને લેખકોનો વિપુલ ફાલ આપ્યો અને સાહિત્યના અર્વાચીન માપદંડોને અનુસરે તેવા સાહિત્યનું પ્રદાન કર્યું.
જૈન સર્જકોના આ ફાલમાં જેમના વાર્તાસર્જને સૌનું ધ્યાન ખેંચ્યું તેવા લેખકો હતા : ૧. શ્રી ભીમજી હરજીવન : “સુશીલ', ૨. શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ : “જયભિખ્ખું' અને ૩. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ.
મૂલ્યનિષ્ઠ, સત્ત્વશીલ અને સંસ્કારપ્રેરક વાર્તાસાહિત્યનું સર્જન – એ આ ત્રણે સર્જકોનો સમાન ગુણધર્મ હતો. તેવું તે ત્રણેની વાર્તાઓને તુલનાત્મક રીતે જોતાં સહેજે જણાઈ આવે. ‘જીવન ખાતર કલા અને સાહિત્ય ' – આ ગાંધીયુગીન વિચારનો પ્રભાવ. ત્રણેયના સાહિત્ય ઉપર, કોઈ ને કોઈ રૂપમાં અવશ્ય અનુભવવા મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org