________________
૧૯૪Dરાગ અને વિરાગ એની પ્રતિષ્ઠાનો અવસર પણ આવી પહોંચ્યો. નજીક અને દૂરથી ગામોગામથી નાનામોટા સંઘો એ ધર્મઉત્સવમાં ભાગ લેવા શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યા. કેટલાં વર્ષો અને કેટલાં બધાં કરે મહાતીર્થની યાત્રા છૂટી થઈ હતી.
જાવડશાહ અને સુશીલાદેવીની તો જાણે કાયા જ પલટાઈ ગઈ હતી. શું તેજ, શું સંતોષ અને શું હર્ષની રેખાઓ એમના મુખ ઉપર વિલસી રહી હતી !
એ તીર્થાધિરાજને જોતાં અને એમનું હૃદય ગદ્ગદ બની જતું. એ જાણે બોલી ઊઠતું ? “વાહ મારા નાથ ! મારા દેવાધિદેવ ! આજે અમારું જીવન કૃતકૃત્ય બની ગયું !”
તેઓ સંઘોનાં દર્શન કરતાં અને એમનું રોમરોમ હર્ષપુલકિત બની જતું.
અને પ્રતિષ્ઠાનો એ શુભ દિવસ પણ આવી પહોંચ્યો.
દૂધે ધોઈને પવિત્ર કરેલા અને ધૂપ-સુગંધથી મઘમઘાયમાન બનેલા તીર્થાધિરાજ ઉપર માનવમહેરામણ હિલોળા લેવા લાગ્યો. પર્વતની પવિત્ર શિલાઓ જાણે ભાવક ભક્તજનો રૂપી ધજાઓથી શોભી રહી.
જાવડશાહ અને સુશીલાદેવી જીવનની કૃતાર્થતા અનુભવી રહ્યાં.
વિધિકારોએ ધર્મમંત્રો ઉચ્ચારી પવિત્ર વિધિથી પ્રભુની પ્રતિષ્ઠા કરી. ભગવાનના ભવ્ય મંદિરના ગગનગામી શિખર ઉપર ધર્મની ધજા ફરફરી રહી.
શ્રીસંઘ સાથે જાવડશાહ અને સુશીલાદેવી જિનપ્રસાદ ઉપર ચડીને એ ધર્મધજાને ભાવપૂર્વક પ્રણામ કરી રહ્યાં, મહાપ્રભુના મહિમાની સ્તુતિમાં લીન બની ગયાં, મહાતીર્થના ઉદ્ધારથી હર્ષાતિરેક અનુભવી રહ્યાં.
સર્વત્ર મહાતીર્થનો જયજયકાર ગુંજી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org